ભુજઃ મધ્ય દરિયેથી માંડવીના જહાજ અલકૌસરનું દુબઈથી યમન જતી વખતે સોમલિયન ચાંચિયાઓ દ્વારા તાજેતરમાં અપહરણ થયા બાદ તેને શોધી કાઢવા વિદેશી સુરક્ષા એજન્સીઓની કવાયત તેજ થઈ ચૂકી છે. તમામ સુરક્ષા એજન્સીઓ જહાજને શોધવા માટે એડન અને યમનના દરિયાઈ વિસ્તારમાં ઓપરેશન ચલાવી રહી છે. જોકે, હજુ સુધી તેમાં કોઈ જ સફળતા મળી નથી. તેમજ ખંડણી અંગેની માગ થઈ છે એ વાતને પૃષ્ટિ મળે છે પરંતુ કેટલી રકમની માગ ચાંચિયાઓ દ્વારા કરવામાં આવી છે તે બાબતે પણ કોઈ માહિતી મળતી નથી. એડનના અખાત વિસ્તારમાં વેપારી જહાજ અને વ્યવસ્થાપન તેમજ સંકલનની જવાબદારી સંભાળતા યુનાઈટેડ કિંગડમ મર્ચન્ટ ટ્રેડ ઓપરેશને ભારતીય જહાજ અલકૌસર દુબઈથી બોસાસો આવતી વખતે સિકોતર દ્વીપની આસપાસ હાઈજેક થયું હોવાનું જણાવ્યું છે, પરંતુ હજુ સુધી તે જહાજનું લોકેશન ક્યાં છે તે જાણવામાં નિષ્ફળ રહ્યું છે.