ભુજ: નલિયાકાંડના કારણે ચર્ચામાં આવેલા કચ્છમાં ફરી રાજકારણીઓની કામલીલા ઉજાગર થતી ક્લિપ વાયરલ થઈ છે. રાજ્ય સરકારના ભાજપી પ્રધાન વાસણ આહિરની ઉપપત્ની હોવાનો દાવો કરતી ભાજપની સ્થાનિક હોદ્દેદાર નીનાએ વાસણભાઈ આહિર અને ભાજપની બીજી સ્થાનિક મહિલા હોદ્દેદાર માયા કે જેને વાસણભાઈ દીકરી કહે છે તેની સાથેની ટેલિફોનિક વાતચીતની ૧ કલાક અને ૧૯ સેકન્ડની કુલ ૧૦ ઓડિયો ક્લિપ વાઇરલ વહેતી કરી છે. (બંને મહિલાના નામ બદલ્યા છે.)
બંને સાથે કામલીલા?
નીનાએ વાતચીતના જે અંશો ફેલાવ્યા છે એ સાચા હોય તો ૬૧ વર્ષીય નેતા બંને મહિલાઓ સાથે કામલીલા કરતો હોવાનું ખૂલી શકે છે. નીનાના દાવા મુજબ માયાને વાસણભાઈ જાહેરમાં પોતાની દીકરી ગણાવતા હતા, છતાં તેમણે તેની સાથે અનૈતિક સંબંધો બાંધ્યા છે.
૧૦ ઓડિયો ક્લિપ
૧૦ ઓડિયો ક્લિપમાંથી નીનાએ સાત વખત વાસણ આહિર સાથે અને માયા સાથે ત્રણ વખત વાત કરી છે. આ તમામ ક્લિપો સાંભળો તો સ્પષ્ટ થાય કે નીના વર્ષોથી વાસણભાઈ સાથે સંબંધમાં હતી અને તે નેતાને પતિ તરીકે સ્વીકારીને જ જીવન જીવે છે. નેતાના અન્ય મહિલા સાથે જાતીય સંબંધો બંધાયા તેની પણ નીનાને ખબર પડી છતાં તેણે કોઇ ખાસ વાંધો લીધો ન હતો. જોકે માયા અને નેતા વચ્ચેના સંબંધોનો ભાંડો ફોડતો હિન્દીમાં લખાયેલો એક પત્ર ફરતો થયો તે પછી નીનાએ પત્ર નેતાને વાંચી સંભળાવ્યો હતો.
નેતાએ ત્યારે એવી શંકા પણ વ્યક્ત કરી હતી કે આ પત્ર નીનાના મળતિયાઓએ જ ફરતો કર્યો છે કારણ કે નીના હિંદીભાષી છે. નેતાએ એમ પણ કહ્યું હતું કે પત્રમાં એમ લખ્યું છે કે વાસણ આહિર સ્ટેજ પરથી માયાને ગંદા ઇશારા કરે છે અને વાસણ આહિરનો ડ્રાઇવર નેતાને માયાના ઘરે છોડીને જતો રહે છે. જેની નીના સાથે પણ નેતા વાત કરતા હતા. નીના આ બધું જાણતી હોવાથી તેણે આવી બાબતો પત્રમાં લખાવી છે એવો આક્ષેપ પણ નેતાએ નીના પર ફોનમાં કર્યો હતો. નીનાએ આ આક્ષેપ નકાર્યો હતો. જોકે નેતાએ નીનાના કારણે પોતે બદનામ થઇ રહ્યા છે એવું કહેતાં નીના ભડકી હતી અને નેતાને સંભળાવી દીધું હતું કે, હાલત ખરાબ કર દુંગી. મૈં ઉનકે જૈસી નહીં હું, વો માંડવી કે વકીલ ઓર આચાર્ય કે સાથ ચલી જાતી હૈ! આ પછી દસ ક્લિપો વાઇરલ થઇ હતી. જાણકારોના કહેવા મુજબ આ સમગ્ર ઘટનાક્રમ વાસણ આહિર જ્યારે સંસદીય સચિવ હતા તે કાળનો છે. એક ક્લિપમાં તો વાસણ આહિર નીનાને હું તને પ્યાર કરું છું એમ કહેવાથી માંડીને નીનાને ભાજપના કાર્યક્રમમાં ન જવા કગરતા પણ સંભળાય છે. નીનાના કહેવા મુજબ માયાના ડરે નેતા તેને ભાજપના કાર્યક્રમમાં ન જવાનું કહે છે.
નેતાની પ્રતિક્રિયા નહીં
ઓડિયો ક્લિપ અંગેનું સત્ય જાણવા મીડિયાએ પ્રયાસ કર્યો પરંતુ વાસણ આહિરે ‘નો કોમેન્ટ્સ’ કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.