એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી બન્યા બાદ 2005માં રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ રણ અને આ ગામ સાથે તેમનો નાતો જૂનો છે. નરેન્દ્ર મોદી આજે રેડિયો પર ‘મનકી બાત’ કરે છે પણ તેમણે વરસો અગાઉ અમારા ગામના એક બુઝુર્ગના મનકી બાત સાંભળી હતી અને એ વાત પર અમલ કરી તેમને દુનિયા સમક્ષ સફેદ રણની આગવી ઓળખ ઊભી કરી દીધી છે. એ બુઝુર્ગનું નામ ગુલબેગ હુસૈન ઉર્ફે દાદા ગુલબેગ. તેઓ ધોરડો ગામના જ વતની. હું તેમનો પુત્ર મિયાં હુસૈન ધોરડો ગામનો સરપંચ છું.
રાજ્યનું છેવાડાનું આ ગામ રણોત્સવની સફળતાના કારણે આજે મોડેલ વિલેજ બની ગયું છે. દુનિયાને ચાંદની રાત દેખાડીને આજે આ વિસ્તારમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. બન્ની વિસ્તારના ધોરડો અને આજુબાજુના અનેક ગામોના લોકો માને છે કે નરેન્દ્ર મોદીએ જે કહેલું તે પાળી બતાવ્યું છે અને આજે એટલે જ આ ગામો વિકાસ અને સુખનો સ્વાદ માણી રહ્યા છે.
ધોરડો ગામ ભુજથી 80 કિલોમીટર દૂર આવેલું છે. માંડ 500ની વસ્તી છે. મોટાભાગના મુસ્લિમ લોકો. આ ગામ બન્ની વિસ્તારમાં આવેલું. વિસ્તારના ઘણાં ગામો ધોરડો જૂથ પંચાયતમાં આવે. એ વિસ્તારના આગેવાન હતા ગુલબેગ મિયાં હુસૈન મુત્વા. 35 વરસ સુધી એ જૂથ પંચાયતના સરપંચ રહ્યા હતા. આજુબાજુનાં 44 ગામોમાં સૌથી આદરપાત્ર નામ હતું એમનું. અંદાજે 40 વર્ષ અગાઉની આ વાત હશે. એ વખતે નરેન્દ્ર મોદી યુવાન હતા. સંઘના કાર્યકર તરીકે આખા રાજ્યમાં ફરતા હતા. તેઓ એક વખતે બન્ની વિસ્તારમાં પહોંચી ગયા. તેમની મુલાકાત વિસ્તારના આગેવાન ગુલબેગ હુસૈન સાથે થઈ.
એ વખતે રણ એટલે ડર લાગે એવી જગ્યા. રાતે તો કોઇ ભુલથી પણ ના જાય. બીજો ડર એ કે રણ સમયના વહેવા સાથે આગળ વધતું જશે અને કિનારે વસેલાં ગામ બધા ધીમે-ધીમે સાફ થઇ જશે. મિયાં હુસૈન કહે છે કે, મારા પિતાને એ વાતની ભારે ચિંતા હતી. એ દરેકને આ વાત કહેતા. કોઇ મોટો માણસ આવે એટલે સફેદ રણ બતાવે. તેમણે નરેન્દ્ર મોદીને પણ આ વાત કહી હતી. બન્ને રાતે સફેદ રણમાં ગયા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ ગુલબેગ હુસૈનને કહ્યું હતું કે, આ તો આખી દુનિયાને દેખાડવા જેવી જગ્યા છે.
મોદીએ એ વખતે ગુલબેગ હુસૈનને દિલાસો આપતાં કહ્યું હતું કે, જ્યારે પણ અમે સત્તા પર આવીશું ત્યારે આ સ્થળને આખી દુનિયાને દેખાડીશું. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા પછી જે થયું એ બધા જાણે છે.
ગુલબેગ હુસૈનનું 1999માં અવસાન થયું હતું. જોકે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પણ એ વાતને ભુલ્યા નહોતા. રણોત્સવના કારણે અમારા જીવન બદલાઇ ગયા છે. સાવ પછાત ગણાતો અમારો વિસ્તાર જોવા આજે દુનિયાના દરેક ખૂણેથી લોકો આવે છે. 550ની વસ્તી છતાં આજે શહેર જેવી અનેક સુવિધાઓ આ ગામમાં છે. ત્રણ એટીએમ છે. બે એસબીઆઇ અને એક દેના બેંક છે.