દાંતા તાલુકાના કાંસા નજીક આવેલા જંગલમાં વનકર્મચારી અને બે આદિવાસી યુવકોને ફાડી નાંખનારા તેમજ ચાર જણાને ગંભીર રીતે ઘાયલ કરનારા રીંછને શોધવા માટે તંત્ર દ્વારા ચાર કલાકથી વધુના
રેસ્ક્યૂ ઓપરેશન પછી ૧૫મીએ સાંજે કરમદીના જંગલ વિસ્તારમાંથી સંતાયેલા રીંછને બંદૂકની ગોળીઓથી મોતને ઘાટ ઉતારાયું હતું.
• આદિપુર-શિણાય રસ્તોરૂ. ૨૦ કરોડને ખર્ચે ચારમાર્ગીઃ જોડિયા શહેર તરીકે ઓળખાતા આદિપુરથી શિણાય ગામ સુધી અંદાજિત રૂ. ૨૦ કરોડના ખર્ચે ચાર માર્ગીય રસ્તો બનાવવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે. ટૂંકમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંભવતઃ આ માર્ગનું કામ શરૂ કરાશે એવી આશા સેવાઈ રહી છે.
• જીપ ઊથલતાં બેનાં મોતઃ ભુજ-ખાવડા વચ્ચેના ધોરીમાર્ગ ઉપર તાલુકાના લોરિયા ગામથી પાંચેક કિ.મી. દૂર ૧૫મી માર્ચે સવારે મહિન્દ્રા બોલેરો જીપકાર પલટી ખાઈને ઊંધી વળી જતાં સર્જાયેલા અકસ્માતમાં બન્નીના નાના ભીટારા ગામના માલધારી પરિવારના બે સભ્ય સત્તા અલીમુરા જત (૨૫) અને કેશીબાઈ નુરલ જત (૧૪)ના તત્કાળ મૃત્યુ થયાં હતાં
જ્યારે અન્ય ૨૧ જણાને ઈજાઓ થઈ હતી.