ગાંધીધામના આવકવેરા વિભાગ દ્વારા ભુજ ખાતે હોટેલ અને જમીન ધંધાર્થીઓની પેઢી પર દરોડા બાદ ૩૦મી સપ્ટેમ્બરે તબીબો પર કરાયેલી સર્વેની કાર્યવાહી દરમિયાન ભુજના સાત તબીબો પાસેથી રૂ. ૧.૭૦ કરોડની બિનહિસાબી મત્તા મળી આવી હતી.
• માતાના મઢમાં વિવિધ સેવાઓનું લોકાર્પણઃ માતાના મઢ તીર્થધામમાં શ્રદ્ધાળુઓ ભોજનનો પ્રસાદ લેતાં તે જગ્યાએ રૂ. ૧૫ લાખના ડોમનું લોકાર્પણ ૧લી ઓક્ટોબરે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે કરાયું હતું. આ સાથે માતાના મઢ સંકુલમાં અન્ડરગ્રાઉન્ડ વાયરિંગનું કાર્ય પણ પૂરું થયું હતું. અલગ અલગ મીટરના બદલે એક જ જગ્યાએથી ઇલેક્ટ્રીક માટેનું કાર્ય થાય તેવી ગોઠવણીનું કાર્ય પૂર્ણ
કરાયું હોવાની વિગતો મંદિર ટ્રસ્ટે આપી હતી.
• રઘુવંશી અગ્રણી શશીકાંતભાઈ રૂપારેલને એવોર્ડઃ સમગ્ર વિશ્વના લોહાણા જ્ઞાતિના ૮૦૦થી વધુ મહાજનોને એકસૂત્રે સાંકળતી આંતરરાષ્ટ્રીય સંસ્થા લોહાણા મહાપરિષદ દ્વારા દર વર્ષે અપાતાં ૧૭ સ્થાપિત પુરસ્કારો પૈકી વર્ષ ૨૦૧૬નો શ્રેષ્ઠ રઘુવંશી વરિષ્ઠ નાગરિક પ્રતિભાનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ ભુજ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ શશીકાંતભાઈ (સીટુભાઈ) જેરામભાઈ રૂપારેલને પહેલી ઓક્ટોબરે અપાયો હતો.