સુરતઃ વૈશ્વિક અસ્થિરતાના માહોલના પગલે હાલ હીરાની માંગ ધીમી પડી છે ત્યારે સુરતના હીરા વેપારીઓ એક્સક્લુઝિવ હીરાને કટ એન્ડ પોલિશ્ડ કરી રહ્યાં છે. સુરતની હરેકૃષ્ણ એક્સપોર્ટે હાલમાં જ ક્યુસિન મોડિફાઈડ બ્રિલિયન્ટ ફેન્સી રેડ નેચરલ ડાયમંડનું નમૂનેદાર કટીંગ અને પોલીશીંગ કરીને તેને 8.30 કરોડ રૂપિયામાં વેચ્યો છે. આ હીરાનું કદ મગના દાણા જેવડું જ્યારે વજન 75 સેન્ટ છે. ઝરઝવેરાતના પારખુઓની નજરે દુર્લભ ગણાતા આ હીરાને કટ એન્ડ પોલિશ્ડ કરતાં 20 દિવસનો સમય લાગ્યો હતો. આ હીરાની અંદાજીત કિંમત 8.30 કરોડ રૂપિયા છે, જેનો ઉપયોગ જ્વેલરીમાં થશે.
ઉલ્લેખનીય છે કે ડાયમંડની કિંમત તેના કટ, કલર, ક્લિયારિટી અને વજનને આધારે નક્કી થતી હોય છે. સામાન્ય રીતે જ્યારે 75 સેન્ટ વજનનો વ્હાઈટ હીરો હોય તો 70 હજાર રૂપિયાથી લઈને વધારેમાં વધારે દોઢ લાખ રૂપિયા સુધીની કિંમત હોય છે. પરંતુ આ ડાયમંડ રેર ઓફ ધી રેર હોવાથી આટલી ઉંચી કિંમતે વેચાયો હોવાનું હીરા બજારના નિષ્ણાતો કહે છે.
હરેકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન સવજીભાઇ ધોળકિયાએ કહ્યું હતું કે, ગુલાબી કે લાલ જેવા હીરાઓ ખાણમાંથી ભાગ્યે જ નીકળે છે, તેનું કટ એન્ડ પોલિશ્ડ કરતી વખતે પણ ખુબ ધ્યાન રાખવું પડે છે. આ પ્રકારના હીરા રેર ઓફ ધી રેર હોય છે. જેનો ઉપયોગ મોટા ભાગે જ્વેલરીમાં થાય છે. અને આથી જ તેની ભારે ડિમાન્ડ રહેતી હોય છે.