પાલનપુરઃ પશુપ્રેમીઓ સામાન્ય રીતે ઘરમાં શ્વાન, બિલાડી, કબૂતર કે પોપટ જેવા પશુપંખી પાળવાનો શોખ ધરાવતા હોય છે, પરંતુ સિદ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામના ૬૦ વર્ષીય વૃદ્ધા કમુબા પંચાલની વાત અલગ છે. તેમનો ચામાચીડિયા સાથે વાત્સલ્યપૂર્ણ ઘરોબો જોવા મળે છે. ચાર-છ અઠવાડિયા કે આઠ-દસ મહિનાથી નહીં, પરંતુ ૪૦ વર્ષથી ૧૦૦૦ ચામાચીડિયાં તેમની સાથે રહે છે અને કમુબા તેમને જ પોતાના સ્વજન સમજે છે. આ પક્ષીથી નિપાહ નામનો જીવલેણ વાઈરસ ફેલાતો હોવાનું કમુબા પણ જાણે છે, પરંતુ તેઓ સ્હેજેય વિચલિત થયા વગર જ સેંકડો ચામાચીડિયાં વચ્ચે પોતાનું જીવન આનંદભેર માણી રહ્યા છે. તો જાણે ચામાચીડિયાંઓએ પણ કમુબાના ઘરને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી લીધું છે. કમુબા કહે છે કે આ ચામાચીડિયાં જ મારો પરિવાર છે.
ગામલોકોમાં પણ કમુબા ‘ચામાચીડિયાંવાળા બા’ તરીકે જ ઓળખાય છે. ડીસા, મુંબઈ, સુરત, અમદાવાદથી આવતા પરિવારના બાળકોની પણ એક ડિમાન્ડ હોય છે કે ચામાચીડિયાંવાળા કમુબાના ઘરે લઈ જાવ. બધા જ ચામાચીડીયાં રોજ રાત્રે નીકળી પડે છે અને દિવસવાસો કરવા સવારે ઘરમાં પાછા પહોંચી જાય છે. કમુબા કહે છે કે આ ઘરની દિવાલોને ચામચીડિયાંના સમૂહે પોતાનું ઘર બનાવી લીધું છે. રોજેરોજ તેની સંખ્યા વધતી જાય છે.
એક માળના ઘરમાં રહેતા કમુબાને બે દીકરીઓ છે, જેમના લગ્ન થઈ ગયા હોવાથી સાસરીમાં રહે છે. જ્યારે તેમના પતિનું મૃત્યુ થઈ ચૂક્યું છે. નિપાહ વાઈરસ વિશે વાત કરતાં કમુબા કહે છે કે આવી બિમારી વિશે સાંભળ્યું છે, પણ તેનો ડર નથી. ચામાચીડિયાંઓએ કરેલી ગંદકીને કારણે આવતી દુર્ગંધથી આપણા નાકના ટેરવાં ચઢી જાય, પરંતુ કમુબા આત્મીયતાથી જીવન વીતાવી રહ્યાં છે. ચામાચીડિયાંને અહીંથી દૂર કરવાની વાત પર એમને કહ્યું કે ‘એમને દૂર કરનાર હું કોણ છું? ભગવાનની ઈચ્છા હશે ત્યારે... તેમને જવું હશે ત્યારે જશે.’