સુરતઃ સુરત શહેરના પાલ વિસ્તારની ગણતરી પોશ એરિયા તરીકે થાય છે. અહીંના વીઆઇપી રોડ એટલે કે ગૌરવપથના એક ખૂણામાં રોજ સવારે દસ વાગ્યે એક કાર આવીને ઊભી રહે છે અને તેમાંથી જીન્સ અને ટીશર્ટ પહેરીને એક યુવતી નીચે ઊતરે છે. આ દૃશ્ય જોનારાઓને પહેલી નજરે તો એવું જ લાગે છે કે યુવતી અહીં કોઇ શોપિંગ માટે આવી હશે, પરંતુ બીજી જ મિનિટે યુવતી કારની ડીકી ખોલીને એમાંથી સામાન કાઢે છે અને ત્યાં રસ્તા પર જ સ્ટોલ લગાવવાની શરૂઆત કરે છે. તેની પાછળ જ એક બીજી લક્ઝુરિયસ કાર આવે છે અને તેમાંથી ઊતરેલો યુવાન પણ સ્ટોલ લગાવવામાં મદદ કરે છે અને બંને પાણીપુરી વેચવાના કામે લાગી જાય છે.
સામાન્ય રીતે લક્ઝુરિયસ કારમાંથી ઊતરીને નાસ્તો કરવા માટે જાય છે પરંતુ અહીં તો તેઓ રસ્તા પર સ્ટોલ લગાડીને પાંચ રૂપિયાની ચા અને વીસ રૂપિયાનો નાસ્તો વેચે છે. આ કામ કરનારી યુવતીનું નામ રિદ્ધિ પટેલ છે અને તે મૂળ રાજકોટની છે. બિલ્ડર પરિવારમાંથી આવતી રિદ્ધિ કહે છે કે, તે કોઇ પબ્લિસિટી કે બિઝનેશ મેનેજમેન્ટ કોર્સના એસાઇન્મેન્ટના ભાગરૂપે આ કામ નથી કરતી પરંતુ તે એક પેટ લવર્સ હોવાથી આ કામ કરે છે.
તેના જ ગ્રૂપમાં તેની સાથે કામ કરતાં રાહુલ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ગ્રૂપના આઠ મેમ્બર્સ છે અને તમામ ભાવનગર, અમરેલી કે રાજકોટના વતની છે. તમામના પરિવાર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઊંચી ડિગ્રી હોવા છતાં તેઓ રસ્તા પર પાણીપુરી વેચે છે અને તેમાંથી જે નફો થાય છે તેમાંથી બિસ્કિટ, દૂધ કે આઇસક્રીમ ખરીદીને કૂતરાઓને ખવડાવે છે. હાલ આ બધા મિત્રો પાલ વિસ્તારમાં જ ૩૦થી ૩૫ ટકા જેટલા ડોગ્સને આ આવકમાંથી ખવડાવે છે.
પરિવારની પૂરી ઓળખ જાહેર કરવાનો ઇન્કાર કરતાં તેઓ વધુમાં કહે છે કે તેમના પરિવારજનોને આ રીતે રસ્તા પર ફૂડ વેચવાનું કામ પસંદ નથી એટલે તેમના ગ્રૂપના આઠમાંથી બે જ સભ્ય હવે સ્ટોલ પર ઊભા રહે છે. જ્યારે બાકીના સભ્યો પાણીપૂરી અથવા તો ચાનું મટિરિયલ્સ તૈયાર કરવાનું અને ડોગ્સને ફૂડ પહોંચાડવાનું કામ કરે છે.