અમદાવાદઃ એન્ટિ કરપ્શન બ્યુરોએ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈની રૂ. ૩૦ કરોડ કરોડની અપ્રમાણસર મિલકત ઝડપી છે. ACBએ જણાવ્યું કે, ના. મામલતદારની હોદ્દાની રૂએ વિરમ દેસાઈએ મેળવેલી આવક રૂ. ૨૪.૯૭ કરોડ થતી હતી, પરંતુ તેની સામે રૂ. ૫૫.૪૫ કરોડ રોકાણ મળી આવ્યુંું. ગુજરાત રાજ્યની સ્થાપનાથી અત્યાર સુધીમાં નિવૃત્ત ના. મામલતદાર કક્ષાના અધિકારી પાસેથી આ સૌથી મોટી રકમની બેનામી સંપત્તિ મળી છે.
વિરમ દેસાઈ કલોલમાં ના. મામલતદાર હતા ત્યારે તેમણે અપ્રમાણસર મિલકત વસાવેલી હોવાની વિગત મળી હતી. ACBએ એ પછી વિરમ દેસાઈ, તેમનાં પત્ની, બે દીકરા, પત્રવધૂઓ અને દીકરી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી હતી. વિરમ દેસાઈ અને પરિવારનાં સભ્યોનાં નામે ૧૮ જેટલા સર્વે નંબર છે જેમાં ૨ પ્લોટ, ૩ ફ્લેટ, ૨ બંગલા, ૧૧ દુકાન, અને રિઅલ એસ્ટેટમાં પણ રોકાણ છે. આ ઉપરાંત ચેહર અને જય રણછોડ નામે શોપ છે. વિરમ અને એમના પરિવારના મળીને ૩૦ જેટલા બેન્ક એકાઉન્ટ છે જેમાં કરોડો રૂપિયાનાં નાણા ટ્રાન્સફર થયાં છે. વિરમ દેસાઈ પાસેથી ઓડી, જગુઆર, રેન્જરોવર જેવી ૧૧ વૈભવી કાર, બે બંગલા, ૩ ફ્લેટ અને ૧૧ દુકાનો તેમજ રિઅલ એસ્ટેટ સહિતના રોકાણોના હિસાબો મળ્યાં છે. આ બધી પ્રોપર્ટીની વાસ્તવિક કિંમત રૂ. ૧૦૦ કરોડની હોઈ શકે છે. પ્રોપર્ટી માર્કેટ સાથે સંકળાયેલા કહે છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતની તમામ પ્રોપર્ટીમાં ૯૦૦થી ૧૫૦૦ ટકાનો વધારો થયો છે. જેમાં જમીનની કિંમતમાં આનાથી વધુ વધારો થયો છે. જેથી એવું અનુમાન છે કે એસીબીએ વિરમ દેસાઈની રૂ. ૩૦ કરોડની પ્રોપર્ટી જાહેર કરી છે તેની વાસ્તવિક બજાર કિંમત ઓછામાં ઓછી રૂ. ૧૦૦ કરોડ હોઈ શકે છે. જો સારા લોકેશન પર માત્ર ખાલી જમીન જ હોય તો કિંમત ૧૦૦ કરોડથી વધુ વધુની હશે.
વિદેશમાં પણ કરોડોનું રોકાણ
વિરમ દેસાઇની કલોલ, ગાંધીનગર, સરઘાસણ, કુડાસણમાં કરોડો રૂપિયાની બેનામી સંપતિ તો છે જ, પરંતુ તેનો પુત્ર અમેરિકામાં હોવાનું જાણવા મળ્યુ છે. તેથી વિરમ અને તેનો પરિવાર વિદેશમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કરી અનેક પ્રકારના બિઝનેસ કરે છે તેવી બાતમી છે. ભારતમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને વિરમ દેસાઈએ વિદેશમાં પણ મોટા પાયે રોકાણ કર્યું હોવાનુ એસીબીનું માનવું છે.