ક્વીન્સઃ કીમ નજીકના મુળદ ગામના રહીશ અને લાચૂડા સમાજના ચંદ્રભાઈ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાનાં કર્વિસમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. પરિવારમાં બે પુત્રો પૈકી મોટો પુત્ર જય ચંદ્રકાંત પટેલ ઉ. વ. ૨૧ અમેરિકામાં આવેલી નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો અભ્યાસ કરે છે. ૧૧મી ઓક્ટોબરે જય પટેલ કોલેજ ગયા બાદ પરત આવ્યો ન હતો. અમેરિકાનાં સમય અનુસાર ૧૧મી ઓક્ટેબરે બપોરે ૩ કલાકે લાલ કલરની ટોયેટો કેમરી ગાડીમાં આવેલા કેટલાક આજામ્યા માણસો લોહાથી લથબથ મૃત જય પટેલને ઘર આંગણે ફેંકી ગયા હતા. જયના છાતીના ભાગે ગોળી મારેલી હોવાનું જણાયું હતું. અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં આ ઘટનાની વાત વાયુવેગે ફેલાતાં સમગ્ર ગુજરાતી પરિવારોમાં દુઃખ સાથે રોષની લાગણી ફેલાઈ હતી.
મુળદ સહિત જિલ્લાભરમાં જય પટેલની હત્યાનાં સમાચારની જાણ થતાં સ્થાનિક પાટીદાર સમાજમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસે સી. સી. ફૂટેજ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ગુજરાતીઓને નિશાન બનાવી લૂંટ અને હત્યાનાં કિસ્સા વધી જતાં અમરિકામાં રહેતા ગુજરાતી પરિવારોમાં ચિંતાનો માહોલ જોવા મળે છે.