ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી પાછા ઝડપથી ગુજરાતની મુલાકાતે આવવાના છે. હવે તેઓ મોટા ભાગે મકરસંક્રાતિના અરસામાં આવશે અને કદાચ ૨૯મા ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પણ કરશે. એમની સાથે મોંઘેરા મહેમાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેત્યાન્હૂ હશે. કાર્યક્રમની તારીખો નક્કી થઈ રહી છે. અલબત્ત વડા પ્રધાન મોદીનું આ રોકાણ બે દિવસનું રહેશે તેમ જણાવાઈ રહ્યું છે.
આમ તો ઈઝરાયલના વડા પ્રધાનનું ગુજરાત આવવું વિધાનસભાની ચૂંટણી દરમિયાન નક્કી થઈ ગયું હતું. માત્ર અનુકૂળ તારીખોની ગોઠવણી બાકી રખાઈ હતી. કેન્દ્રમાં મોદી વડા પ્રધાન બન્યાં એ પછી વિદેશી વિશિષ્ઠ મહાનુભાવને ગુજરાતમાં સત્કારવાનો આ ત્રીજો મોટો પ્રસંગ બની રહેશે. આ અગાઉ ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ તેમની પત્ની સાથે તથા જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે સપત્ની ગુજરાતનું આતિથ્ય માણી ચૂક્યા છે.
વડા પ્રધાન મોદીએ જુલાઈમાં વિદેશ નીતિમાં નવો ઇતિહાસ રચ્યો હતો. તેઓ ઈઝરાયલની મુલાકાત લેનારા દેશના પહેલાં વડા પ્રધાન બન્યા હતા. એ વખતે ત્રણ દિવસની ઇઝરાયલની મુલાકાત વખતે મોદીએ નેત્યાન્હૂને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.
વડા પ્રધાન મોદી તથા ઇઝરાયલી વડા પ્રધાન નેત્યાન્હૂની ગુજરાત મુલાકાત વખતે ગુજરાતમાં આઇ-ક્રિયેટ કાર્યક્રમનું લોન્ચિંગ થશે, પ્રગતિશીલ ખેડૂતોના જૂથ સાથે ઈઝરાયલી વડા પ્રધાનની મિટિંગનું આયોજન થશે તેમજ ઇઝરાયલ સાથે કૃષિ- ટેક્નોલોજી ક્ષેત્રે સમજૂતી કરારો પણ થશે, તેમ જણાવાઈ રહ્યું છે.