ન્યૂ જર્સીઃ શહેરની પ્રોસ્પેક્ટ પાર્ક કાઉન્સિલમાંથી બે વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા ભારતવંશી આનંદ શાહની એક વિશાળ ગેરકાયદે ગેમ્બલિંગ નેટવર્કમાં સંડોવણી બદલ ધરપકડ કરાઇ છે. આ કૌભાંડમાં કુલ 39 લોકો સામે કૌભાંડ, જુગાર સંબંધિત ગુના, મની લોન્ડ્રીંગ સહિતના આરોપસર ગુના નોંધાયા છે, જેમાં આ વર્ષે ફરી ચૂંટણીજંગમાં ઝૂકાવનારા શાહનું નામ પણ છે.
સત્તાવાળાઓનું કહેવું છે કે આનંદ શાહ કથિત રીતે ગેરકાયદે પોકર ગેમ્સ અને લકચીઝ ક્રાઇમ ફેમિલી સાથે મળીને ઓનલાઇન સ્પોર્ટ્સબુકનું સંચાલન કરતો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સક્રિય સૌથી ખતરનાર ઇટાલિયન-અમેરિકન ગ્રૂપમાં લકચીઝ ક્રાઇમ ફેમિલીનો સમાવેશ થાય છે. ગેમ્બલિંગ નેટવર્કમાં આનંદ શાહની કથિત સંડોવણીથી સ્થાનિક નાગરિકોએ આંચકો અનુભવ્યો છે કેમ કે તે પ્રોસ્પેક્ટ પાર્કમાં ફાઇનાન્સ, આર્થિક વિકાસ અને વીમાની કામગીરી સંભાળતો હતો. ન્યૂ જર્સીના એટર્ની જનરલ મેથ્યુ પ્લેટકીનનું કહેવું છે કે આનંદ શાહ અમદાવાદનો વતની છે અને ન્યૂ જર્સીમાં પિઝા તથા સેન્ડવીચની ફ્રેન્ચાઇઝી આપીને નાણાં કમાયો છે.
ગેમ્બલીંગ રિંગના આ જ કૌભાંડમાં બીજા એક ભારતવંશી સમીર નાડકર્ણીની પણ ધરપકડ કરાઇ છે. 48 વર્ષનો નાડકર્ણી ફ્લોરિડાના લોન્ગવુડનો રહેવાસી છે. તમામ આરોપી સામે વિવિધ આરોપસર ગુના નોંધાયા છે, જેમાં દોષિત ઠર્યા તો તેમને 10થી 20 વર્ષ જેલની સજા થઇ શકે છે.