કાઠિયાવાડી છકડો રિટાયરમેન્ટના આરે

Wednesday 08th May 2019 06:01 EDT
 
 

અમદાવાદઃ તમે અમિતાભ બચ્ચનની કુછ દિન તો ગુજારો ગુજરાત મેં એડ સિરીઝ અંતર્ગત કચ્છવાળી જાહેરાત નિહાળી હશે. જેમાં અમિતાભ રંગબેરંગી છકડા પર સવારી કરે છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’માં પણ કાઠિયાવાડી માહોલ દર્શાવવા છકડો રિક્ષાની સવારી દેખાડવામાં આવી છે. જોકે છેલ્લા પાંચ-પાંચ દાયકાથી સૌરાષ્ટ્રની આગવી ઓળખ બની રહેલો આ છકડો હવે રિટાયર થઇ રહ્યો છે.
ભારત સરકારે પ્રદુષણ અને માર્ગ સલામતીના નિયમો કડક કરતા હવે રિક્ષા બનાવતી દેશની ત્રીજી મોટી કંપની રાજકોટસ્થિત અતુલ ઓટો લિમિટેડે છકડોનું ઉત્પાદન બંધ કરવા નિર્ણય કર્યો છે. ૭૦ના દસકામાં છકડાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને એગ્રિકલ્ચર પંપમાં ફેરફાર કરીને તેનું એન્જિન વિકસાવાયું હતું. ગ્રામીણ વિસ્તારમાં અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં આજે પણ પરિવહન માટે છકડો મુખ્ય સાધન ગણાય છે.

જ્યાં સરકારી બસ પણ ના મળતી હોય તેવા વિસ્તારોમાં લોકો છકડામાં સવારી કરીને એક ગામથી બીજા ગામ પહોંચે છે. એટલું જ નહીં, શહેરી વિસ્તારોમાં પણ આ મોડેલનો માલવાહક વાહન તરીકે સારો ઉપયોગ થાય છે.
અતુલ ઓટોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજયભાઈ ચાંદ્રાના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં ભારત સરકારે પ્રદૂષણ અને માર્ગ સલામતીને લગતાં ધારાધોરણો વધુ કડક બનાવ્યા છે. આ નવા માપદંડને છકડો પરિપૂર્ણ કરી શકે તેમ નથી. આ ઉપરાંત મોર્ડન ટ્રાન્સપોર્ટેશન હવે વધુ સરળ બન્યું હોય છકડાની માગમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. આ બધા પરિબળોને ધ્યાને લઇને છકડાનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
જેમ એક પેઢી માટે બજાજ સ્કૂટર, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, ટેપરેકોર્ડર વગેરે મધુર યાદ બની રહ્યા છે એ જ રીતે ગામડાની જનતાનું મુસાફરી અને માલ હેરફેરનું વાહન છકડો પણ મધુર યાદમાં સમેટાઇ જશે. 

પિતા-પુત્રની જોડીએ વિચાર કર્યો સાકાર

સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પરિવહન એક મોટી સમસ્યા હતી. ગામડાગામમાં માનવપરિવહન અને માલપરિવહનના ખૂબ જ ટાંચા સાધનો હતા. આ જોઇને જયંતિભાઇના પિતા અને ચાંદ્રા પરિવારના મોભી જગજીવનભાઈના મનમાં એવો વિચાર રમતો થયો કે ગામના છેવાડાના વિસ્તારોની જરૂરત સમજીને કોઇ એવું વાહન બનાવવું જોઇએ કે જે માણસ અને માલસામાન એમ બન્નેની હેરફેર માટે ઉપયોગમાં લઇ શકાય. આ દરમિયાન ૧૯૭૦માં જામનગરના રાજ પરિવારના વડા જામસાહેબે જગજીવનભાઇ ચાંદ્રાને પોતાની જૂની ગોલ્ફ કાર્ટ વાપરવા આપી હતી. જયંતિભાઇને આ ગોલ્ફ કાર્ટમાંથી છકડો રિક્ષા બનાવવાનો વિચાર આવ્યો.
પિતા-પુત્રની જોડીએ આ વિચાર ઉપર કામ કરવાનું શરૂ કર્યું. જોકે તેમની સામે સૌથી મોટો પડકાર એન્જિન બનાવવાનો હતો. તે સમયમાં રિક્ષા માટે કોઈ ખાસ ટેક્નોલોજી ઉપલબ્ધ નહોતી, પરંતુ ડીઝલથી ચાલતા એગ્રિકલ્ચર પમ્પ પ્રચલિત બન્યા હતા. આ પમ્પની ડિઝાઇનમાં થોડાક ફેરફાર કરીને જગજીવનભાઈના માર્ગદર્શનમાં જયંતિભાઈએ એક નવું એન્જિન બનાવ્યું અને તેને છકડામાં ફિટ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter