દિલ્હી વિધાનસભાની ચૂંટણીની બરાબર પહેલાં જ આમ આદમી પાર્ટીને કૈલાશ ગેહલોતના પાર્ટી છોડી દેવાથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારમાં મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધાના બીજા દિવસ સોમવારે કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કૈલાશ ગેહલોત અવારનવાર પોતાને અરવિંદ કેજરીવાલના હનુમાન ગણાવતા હતા. જોકે આખરે તેમણે કેજરીવાલ અને પક્ષ સાથે છેડો ફાડ્યો છે. સોમવારે સવારે તેઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને હરિયાણના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની અધ્યક્ષતામાં ભાજપના સભ્ય બન્યા હતા.