નાઈરોબીઃ મૂળ ગુજરાતના કચ્છ જીલ્લાના વતની અને આફ્રિકાને કર્મભૂમિ બનાવનાર કચ્છી દાનવીર ઉદ્યોગપતિ હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયાના કાર્યોને બિરદાવતો શોકઠરાવ કેન્યા પાર્લામેન્ટમાં પસાર કરી ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. હસુભાઈ ભુડિયાનું ગત 29 ઓગસ્ટે મોમ્બાસા ખાતે હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું હતું. તેમના અંતિમસંસ્કારમાં કેન્યા અને યુગાન્ડાના પ્રેસિડેન્ટ્સ પરિવારે હાજરી આપી હતી. પાર્લામેન્ટે એક મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી તે એક કચ્છી ભારતીય માટે વિરલ ઘટના હતી. આવું માન મેળવનાર હસુભાઈ પ્રથમ ભારતીય બન્યા હતા. કેન્યા સંસદે હસુભાઈના પુત્રો ધ્રુવ, કિર્તન, દર્શક અને ધર્મપત્ની પુષ્પાબહેનને દિલસોજી પાઠવી હતી.
કેન્યાની પાર્લામેન્ટમાં મોમ્બાસા વિસ્તારના સાંસદે ઠરાવ રજૂ કરતા જણાવ્યું હતું કે હસુભાઈના પિતા સ્વર્ગસ્થ કાનજીભાઈ પટેલ કેન્યાના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદકોમાંના એક – મોમ્બાસા સિમેન્ટના સ્થાપક હતા. હસમુખ પટેલ એક કુશળ ઉદ્યોગપતિ અને પરોપકારી હતા. હસમુખભાઈએ તેમના ફાઉન્ડેશન દ્વારા શિષ્યવૃત્તિઓ સાથે દેશભરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ટેકો આપવા સાથે અનેક ઉદ્યોગોમાં વિવિધ સખાવતી કાર્યોને સ્પોન્સર કર્યા છે.
તેમણે પર્યાવરણીય સંરક્ષણની નોંધપાત્ર પહેલમાં મોમ્બાસામાં કિબરાની ડમ્પ સાઇટને પાર્કમાં રૂપાંતરિત કરવામાં સમર્થન ઉપરાંત, હેલ્થ કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા અને વંચિત સમુદાયોને આરોગ્ય સંભાળમાં પણ યોગદાન આપ્યું છે. હસમુખ પટેલને 2021 માં રાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત,કેન્યા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા હતા.
તેમના નિધનથી કેન્યાએ એક દયાળુ લોકસેવક, મહેનતુ નેતા અને કેન્યાના સાચા પુત્રને ગુમાવ્યો છે, જેઓ ખૂબ હિંમત, મક્કમતા અને માનવતામાં માનતા હતા. પટેલના અવસાનથી કેન્યાના લોકોને, ખાસ કરીને દરિયાકાંઠે અને પૂર્વીય પ્રદેશના લોકોને મોટી ખોટ પડી છે. તેમના જીવન દરમિયાન કાઉન્ટી અને સમગ્ર દેશને આપેલું યોગદાન હંમેશા માટે અમૂલ્ય રહેશે.