નૈરોબીઃ આફ્રિકામાં એશિયન બિઝનેસમેનની લૂંટ અને તેમની ગોળી મારીને હત્યાના સમાચારો વધી રહ્યા છે. જોકે સેન્ટ્રલ આફ્રિકના કેન્યાની રાજધાની નૈરોબીમાં તાજેતરમાં નિર્દોષ ગુજરાતી યુવાન વેપારી બંટી શાહ (ઉ.૩૨)ની પોલીસે જ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. બંટી બાહોશ, ધનાઢ્ય અને નામદાર ગુજરાતી વેપારી હોવાથી આફ્રિકાના એશિયન વેપારી મંડળમાં તેની હત્યાથી શોકની લાગણી ફેલાઈ છે.
નૈરોબી પોલીસે વેપારી બંટી શાહના ઘરે ૨૧મી ઓક્ટોબરે રાતે ૩ વાગે રેડ પાડી હતી. તેમને એવી બાતમી મળી હતી કે બંટીના ઘરે ગેરકાનૂની પ્રવૃત્તિ થાય છે.
પોલીસે અનસ્પેસિફાઈડ સર્ચના નામે પાડેલી રેડ દરમિયાન જ એક ઓફિસરે બંટીની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. આ ઓપરેશનમાં એક ઓફિસર પણ ઘાયલ થયાનું નૈરોબી પોલીસે જણાવ્યું છે. બંટી ઈજાગ્રસ્ત થતાં તેને ગંભીર હાલતમાં નૈરોબીની એમ.પી. શાહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને ઈમરજન્સી વોર્ડમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે બંટી શાહના પિતા વિપિન શાહનું ૧૨ વર્ષ પહેલા નિધન થયું હતુ. તેઓ મેટ્રેસના ટાયકૂન તરીકે ઓળખાતા હતા. નૈરોબીમાં મોમ્બાસા રોડ પર તેમની ખૂબ જ મોટી ફેકટરી છે. બંટી શાહ હજુ છ માસ પહેલાં જ એક બાળકનો પિતા બન્યો હતો. ઘરમાં રેડ પડી ત્યારે બંટીનાં વિધવા માતા, દાદી, પત્ની અને ૬ માસનો પુત્ર ઘરમાં જ હતા.
બંટીના કાકા રીંકુ શાહે કેન્યામાં મીડિયાને નિવેદન આપ્યું છે કે, ઘરમાં રેડ પડી ત્યારે પોલીસે ઘરમાં મચાવેલી ધમાલથી આખો પરિવાર જાગી ગયો હતો. ઘરમાં એક માત્ર જવાબદાર પુરુષ હોવાના નાતે શોરબકોરરના કારણે બંટીએ શું થયું? તે જાણવા કોશિશ કરી હતી. તે કેન્યામાં એક ઇજ્જતદાર અને ધનાઢ્ય વેપારી હતો. કોઈ ભાગેડુ ન હતો.
રીંકુ શાહે જણાવ્યું છે કે પોલીસના આ પગલાંથી પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે અને ઘરનો એકના એક પુરુષના મૃત્યુથી પરિવાર હાલમાં તો નોંધારો થઈ ગયો છે.