ગાંધીનગર: ગુજરાતમાં શરૂ થયેલી કોરોના કેસની નવી લહેરમાં યુકે અને આફ્રિકાના સ્ટ્રેન મળી આવતા સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને આફ્રિકા સ્ટ્રેનના ૬ કેસ જ્યારે ગાંધીનગરમાં યુકે સ્ટ્રેનનો એક શંકાસ્પદ કેસ બહાર આવ્યો છે. સુરતમાં ૫ શાળાના ૮૬ બાળકો પોઝિટિવ આવતાં શાળા બંધ કરાઈ છે. દરમિયાનમાં મંગળવારે રાજ્યમાં કોરોનાના નવા ૯૫૪ કેસ નોંધાયા હતા. તેમાં સુરતના ૨૬૩ અને અમદાવાદના ૨૪૧ કેસનો સમાવેશ થાય છે. રાજકોટમાં રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સહિત ૧૦ સંન્યાસી તથા ૫ ભક્તોને સંક્રમણ થયું હોવાનું નોંધાયું છે.
૩૪ દિવસમાં ૨૩૪ ટકા કેસ વધ્યાં
ગુજરાતમાં ૩૪ દિવસમાં કોરોનાના કેસમાં ૨૩૪ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે આઠમી ફેબ્રુઆરીએ રાજ્યમાં કોરોનાના કેસ ઘટીને ૨૩૨ની નીચી સપાટીએ આવી ગયા હતા. જોકે રાજ્યના મહાનગરો અને પંચાયતોની યોજાયેલી ચૂંટણી પછી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે ૯૫૪ કેસ નોંધાયા હતા. ચાલુ કેલેન્ડર વર્ષનો આ સૌથી મોટો આંકડો છે.
અમદાવાદમાં કોરોના કેસો ડબલ
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે પહેલી માર્ચે જ્યાં ૯૬ જેટલા કોરોના કેસો નોંધાયા હતા. તેની સામે મંગળવારે - ૧૬ માર્ચે ૨૪૧ કેસ નોંધાયા છે. જે દર્શાવે છે કે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ડબલથી પણ વધી ગઇ છે. જોકે મોતની સંખ્યા અત્યંત ઘટી ગઈ છે. રોજનું લગભગ એક જ મોત નોંધાય છે.
સુરતમાં મળેલો યુકે સ્ટ્રેન
સુરતમાં જે રીતે કોરોનાના કેસો ખૂબ ઝડપભેર વધી રહ્યા છે તેની પાછળ યુકે સ્ટ્રેન B.૧.૧.૭ જવાબદાર હોવાનો મ્યુનિસિપિલ કમિશનર બંછાનિધિ પાનીનો દાવો છે. તેમણે યુકેના એક સ્ટડી રિપોર્ટના આધારે આ દાવો કર્યો છે. જે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, આ વાઇરસ ૪૩ ટકાથી ૯૦ ટકા સુધી ઝડપથી પ્રસરે છે. આ વાઇરસનો ચેપ લાગે તો તે માનવ શરીરમાં લાંબો સમય સુધી રહે અને બીજાને પણ લાંબા સમય સુધી ચેપ લગાવી શકે છે. જોકે, અન્ય વાઇરસના અને યુકે સ્ટ્રેનના વાઇરસના લક્ષણો મોટાભાગના સરખા છે.
નવા સ્ટ્રેનનો વાઇરલ લોડ વધારે
રિપોર્ટમાં એવી આશંકા દર્શાવવામાં આવી છે કે પહેલાના વાઈરસ કરતા આ સ્ટ્રેનનો વાઇરલ લોડ વધારે છે અને એટલા માટે આ વાઇરસ વધારે જોખમી છે. એક શરીરમાંથી બીજા શરીરમાં વાઇરસ મ્યુટેશન થયા પછી પણ તેનો ચેપ વધુ ઝડપથી ફેલાવે છે. એટલા માટે જ તેની CT વેલ્યુ ઓછી આવે છે. અલબત્ત, વાઇરસ એટલો ઘાતક નથી, પરંતુ ચેપી વધારે છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં અત્યાર સુધીમાં આ વાઇરસના કુલ ૬ કેસ મળી આવ્યા છે. જેથી કમિશનરે લોકોને આ વાઇરસથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ નહીં જવા માટે ચેતવ્યા છે.
પખવાડિયામાં કોરોના કેસની સંખ્યા બમણી
અમદાવાદ શહેરમાં ૮૨ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંકડો ૨૦૦ને પાર પહોંચ્યો છે. મંગળવારે કોરોનાના નવા ૨૪૧ કેસ નોંધાયા છે. આ પહેલા ગત ૨૨મી ડિસેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં દૈનિક ૨૦૦થી વધુ ૨૦૧ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ દૈનિક કેસની સંખ્યામાં નિરંતર ઘટાડો થયો હતો. જોકે ચૂંટણીના તાયફાઓથી સંક્રમણ વધતાં ૮૨ દિવસ બાદ શહેરમાં દૈનિક કેસનો આંકડો ૨૦૦ને પાર પહોંચ્યો છે. બીજી તરફ અમદાવાદમાં ૧૫ દિવસમાં ૨ ગણો અને એક મહિનામાં દૈનિક કેસ નોંધાવાની સંખ્યામાં સીધો ચાર ગણો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ ૨૪ કલાકમાં કોરોનાના માત્ર ૪૫ કેસ નોંધાયા હતા. જ્યારે ૨૮મી ફેબ્રુઆરીના રોજ ૧૦૭ કેસ નોંધાયા હતા. જોકે આ સંખ્યામાં સીધો ચાર ગણો વધારો થઈ ગયો છે.
સૌથી વધુ કેસ સુરતમાંઃ સાડા ત્રણ ગણા કેસ
ગુજરાતના આઠ મહાનગરો પૈકી સુરતમાં સૌથી વધુ કેસ વધી રહ્યાં છે. માર્ચના ૧૫ દિવસમાં સુરતમાં દૈનિક કેસ નોંધાવાની સંખ્યામાં સીધો સાડા ત્રણ ગણો વધારો થયો છે. ગત ૨૮મી ફેબ્રુઆરીએ સુરતમાં દૈનિક ૭૦ કેસ નોંધાયા હતા. જે સંખ્યા મંગળવારે વધીને ૨૬૩એ પહોંચી ગઈ છે. સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં તબીબો-પેરામેડિકલ સ્ટાફની સંખ્યા પણ વધારી દેવાઈ છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેવલ પાર્કિંગમાં બંધ કરી દેવાયેલી કોવિડ હોસ્પિટલ ફરી શરૂ કરવા તૈયારી કરાઈ રહી છે. સોમવારે નોંધાયેલા ૨૪૦ પૈકી સૌથી વધુ કેસ અઠવા, રાંદેર, લિંબાયત ઝોનમાં થયા હતા.
આ સિવાય વડોદરામાં ૫૨ કેસ નોંધાયા હતા. જે મંગળવારે વધીને ૯૨ થયા છે. રાજકોટમાં થોડા દિવસ પૂર્વે માત્ર ૪૨ નોંધાયા હતા, જે હવે વધીને ૮૦ થયા છે. જ્યારે અમદાવાદમાં ૧૦૭ નોંધાયા હતા જે વધીને ૨૪૧ થયા છે.
અમદાવાદમાં લોકોમાં ફફડાટ
અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી એક વાર તરખાટ મચાવતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયોછે. શહેરના પશ્ચિમ ઝોનના સાત અને પૂર્વ ઝોનના એક વોર્ડ સહિત કુલ આઠ વોર્ડમાં સૌથી વધુ કેસો નોંધાતા મ્યુનિ. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગી ઊઠયું છે. આ સાથે જ સોમવારે રાત્રે શહેરના મશહુર માણેકચોક અને રાયપુર દરવાજા બહારના ખાણીપીણી બજારો સહિત તમામ ધંધાકીય એકમો, રેસ્ટોરન્ટ, પાનના ગલ્લાઓ રાત્રિના ૧૦ વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ કર્યો હતો.
મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં કોરોનાના કેસોના પ્રમાણનું પૃથક્કરણ કરીને એવો સ્વીકાર કર્યો છે કે, શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થવા પામ્યો છે જેમાં અન્ય વોર્ડની સરખામણીમાં પશ્ચિમ ઝોનના સાત અને પૂર્વના મણિનગર સહિત કુલ આઠ વોર્ડ મુખ્ય છે. મ્યુનિ, કોર્પોરેશને કોરોનાના વધતા જતા આ ચિંતાજનક કેસો ધ્યાનમાં લઈને માણેકચોક અને રાયપુર દરવાજા પાસેના રાત્રિ ખાણીપીણી બજાર ઉપરાંત શહેરના તમામ ધંધાકીય એકમો જેવા કે રેસ્ટોરન્ટ, મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, પાનમસાલાના ગલ્લા, ફરસાણની દુકાનો, કાપડની દુકાનો, હેરકટિંગ સલૂન, સ્પા, જિમ અને કલબ વગેરે એકમો રાત્રિના ૧૦ વાગ્યા પછી બંધ કરી દેવાનો આદેશ અપાયો હતો. સાથે સાથે જ એવી ચીમકી અપાઇ હતી કે મ્યુનિ.ના આ આદેશ કહો કે, નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલાં ભરવામાં આવશે.
અમદાવાદના કેટલાક ભાગોમાં રાત્રે ૧૦ વાગ્યે વ્યવસાય બંધ કરવાના ફરમાનના બીજા જ દિવસે રાજ્ય સરકારે ચારેય મહાનગરોમાં રાત્રે ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુ લાદી દીધો હતો.
બોટથી શિયાળ બેટ પર પહોંચી વેક્સિન
અમરેલી જિલ્લામાં વેક્સિનેશનના બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે ત્યારે જાફરાબાદના શિયાળ બેટ ટાપુ પર વસતા લોકો માટે પ્રથમ વખત બોટ મારફત આરોગ્ય ટીમ કોરોના વેક્સિન લઇને પહોંચી હતી. અહીં આવેલ સબ સેન્ટરમાં ખાસ કેમ્પ કરી ૬૦ વર્ષની ઉપરના તેમજ ૪૫થી ૬૦ વર્ષની વયજૂથના ગંભીર બીમારીવાળા ૫૧ લોકોને વેકસીન અપાઇ હતી. આઝાદી બાદ થોડા સમય પહેલાં જ શિયાળ બેટ પર પહેલી વખત વીજળી પહોંચી હતી અને બાદમાં પાણી પહોચ્યું હતું. હવે કોરોનાની વેક્સિન પણ પહોચી જતા અહીં વસતા લોકો કોરોનાની બીમારી સામે રક્ષણ મેળવી શકશે.