સુરતઃ ચીનમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને આ વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસની આડઅસર સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગને પણ થઈ છે. સુરતના આ બંને ઉદ્યોગોને આ ચીની વાયરસના લીધે આશરે રૂ. ૯૦૦૦ કરોડથી વધુની અસર થઈ છે. કોરોનાના કારણે ચીનથી આવનારું પેમેન્ટ પણ અટવાતા આખરે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (જીજેઈપીસી) આરબીઆઈ, કેન્દ્રીય કોમર્સ અને નાણાં મંત્રાલયને પત્ર લખીને જેમ એન્ડ જ્વેલરી ક્્ષેત્રના ઉદ્યોગકારોએ બેંકોમાંથી મેળવેલી ક્રેડિટ રિવાઈઝ કરવા તથા લોન રિસ્ટ્રક્ચર કરવા રજૂઆત કરી છે.
જીજેઈપીસીના ચેરમેન જણાવે છે કે, આરબીઆઈ, કોમર્સ અને નાણાં મંત્રાલયને પત્રમાં જણાવાયું છે કે, હોંગકોંગ અને મેનલેન્ડ ચાઈના સાથે સુરત-મુંબઈનો જેમ એન્ડ જ્વેલરી વેપાર વિસ્તૃત રીતે ફેલાયેલો છે. ૩૫થી ૪૦ ટકા જેટલો બિઝનેસ ભારતને ત્યાંથી મળે છે. કોરોના વાયરસન કારણે કરોડો રૂપિયાના ટર્નઓવરને અસર થનારી છે. જેથી પેમેન્ટ અટકાયું છે. આ કારણે ક્રેડિટ ફેસિલિટી રિવાઈઝ કરાય.