ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૬ જુલાઇએ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરતા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ભારતભરમાં આ પ્રકારનું પહેલું રેલવે સ્ટેશન છે. અને તેમના શબ્દોમાં લેશમાત્ર અતિશ્યોક્તિ નહોતી.
આ રિડેવલપ રેલવે સ્ટેશનનું એક એરપોર્ટ જેવું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે જેની આજે સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. અહીંયા પેસેન્જરોને એરપોર્ટ જેવી તમામ સુવિધા મળશે. આ રેલવે સ્ટેશન સાથે એક ફાઇવસ્ટાર હોટલનું પણ ઉદ્ઘાટન થયું છે, જે રેલવે સ્ટેશનની ઉપર જ તૈયાર કરવામાં આવી છે. ૨૫૦ ફૂટ ઊંચી આ હોટેલમાં કુલ ૩૧૮ રૂમ અત્યાધુનિક રૂમની સુવિધા ઉપલબ્ધ છે, જે ૧૧-૧૧ માળના બે અને નવ માળના એક એમ કુલ ત્રણ ટાવરમાં વહેંચાયેલા છે. વડા પ્રધાન મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ રેલવે સ્ટેશન-કમ-હોટેલનું નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સથી અનાવરણ કર્યું ત્યારે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રેલવે પ્રધાન વૈષ્ણવ, રેલવે રાજ્યપ્રધાન જરદોશ, તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા.
વિશાળ ઇકોનોમિક ઝોનનું આયોજન
આ રેલવે સ્ટેશન સાથે ૨૫૦ ફૂટ ઉંચી ફાઇવ સ્ટાર હોટલ પણ તૈયાર કરવામાં આવી છે જેમાં ૩૧૮ રૂમ છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલી આ હોટેલ ખૂબ ઉપયોગી થશે. હોટેલની સામે જ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર છે. ગાંધીનગરના નવા રેલવે સ્ટેશન સાથે ફક્ત ફાઇવ સ્ટાર હોટેલ જ નહીં પરંતુ એક વિશાળ ઇકોનોમિક ઝોન તૈયાર થશે. આ સ્ટેશનને રિડેવલપ કરનાર કંપની ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્ટેશન સાથે ૭૬૦૦ વર્ગ મીટરની એક વિશાળ જગ્યા ફાળવાઇ છે, જ્યાં ભવિષ્યમાં ફૂડ કોર્ટ, મલ્ટીપ્લેક્સ વગેરે વિકસિત કરવામાં આવશે.
પ્રોજેક્ટ રૂબરૂ જોવાની ઇચ્છાઃ મોદી
રૂ. ૭૯૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટેલ તથા અન્ડરપાસના સંયુક્ત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાને આ પ્રકલ્પને ભારતીય રેલવેના નવા અવતારની ઝાંખીરૂપ ગણાવતાં જણાવ્યું કે, રીઅલ એસ્ટેટના વિકાસ સાથે ક્વોલિટી પબ્લિક સ્પેસ આપવાનો અગાઉ ક્યારેય વિચાર થયો ન હતો.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘મેં દિલ્હીથી ઘણા પ્રોજેક્ટ્સના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યા છે, પણ ગુજરાતના આ નવા પ્રોજેક્ટ્સ રૂબરૂ જોવાની અદમ્ય ઇચ્છા છે અને તક મળતાં હું આ બધા પ્રોજેક્ટસ જાતે જોવા માટે આવીશ.’ વડા પ્રધાને જણાવ્યું હતું કે, અમે રેલવેને સર્વીસના રૂપમાં નહીં એસેટના રૂપમાં વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં મારા વખતથી બસ સ્ટેશનો પીપીપી ધોરણે વિકસાવી પ્રજાને બસ સ્ટેશનમાં એરપોર્ટ જેવી સુવિધા આપવાનો વિકાસ થયો છે, આ કોન્સેપ્ટ ઉપર ગાંધીનગરનો રેલવે સ્ટેશન પ્રોજેક્ટ પીપીપી ધોરણે વિકસાવાયો છે, જેથી રેલવેની જમીનનો મહત્તમ ઉપયોગ થાય, સાથે રેલવે સ્ટેશન આર્થિક પ્રવૃત્તિઓનું સેન્ટર બને.
સાયન્સ સિટીમાં નવી દુનિયાનો અનુભવ
સાયન્સ સિટી ખાતે એક્વાટિક રોબોટિક ગેલેરીઓ સાથે નેચરપાર્કનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, સાબરમતી નદીના શું હાલ હતા તે કોણ ભૂલી શકે છે, આજે ત્યાં પાણી છે, સાથોસાથ ત્યાં ઈકો સિસ્ટમ બદલાઈ ગઈ છે. સાયન્સ સિટીમાં એક્વાટિક ગેલેરી માછલીઓની દુનિયાનો અનુભવ કરાવશે, તો રોબોટિક ગેલેરી રોબોટ સાથે વાત કરવાના આનંદ સાથે આ ટેક્નોલોજીમાં યુવા વર્ગને પ્રેરિત કરશે તથા બાળમાનસમાં જિજ્ઞાસા જગાવશે. તદુપરાંત રોબોટના હાથે બનાવેલી વાનગીઓ રોબોટ દ્વારા જ પીરસાવાનો એવો આનંદ આપશે.
આ નવા પ્રોજેક્ટ્સનો શુભારંભ
• રૂ. ૭૯૦ કરોડના ખર્ચે ગાંધીનગર રેલવે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટેલ તથા અન્ડરપાસનો સંયુક્ત પ્રોજેક્ટ • સાયન્સ સિટીમાં રૂ. ૨૬૦ કરોડના ખર્ચે એક્વાટિક ગેલેરી, રૂ. ૧૨૬ કરોડના ખર્ચે રોબોટિક ગેલેરી, નેચર પાર્ક સહિત કુલ રૂ. ૪૦૫ કરોડના ખર્ચે ૩ પ્રોજેક્ટ્સ • ગાંધીનગરથી વારાણસી સુધી અઠવાડિયે એક વાર સુપરફાસ્ટ ટ્રેન • સુરેન્દ્રનગર-પીપાવાવ વચ્ચે ૨૬૬ કિમીનો ઇલેક્ટ્રિફિકેશન સાથેનો ટ્રેક • વડનગરને જોડતી ગાંધીનગર-વરેઠા દૈનિક ટ્રેન