ગિફ્ટ સિટી ભારતને આર્થિક મહાસત્તા બનાવશેઃ મોદી

Wednesday 03rd August 2022 05:16 EDT
 
 

ગાંધીનગર: રાજ્યને આગવી ઓળખ અપાવનાર ગિફ્ટ સિટી ભારતને આર્થિક મહાસત્તા બનાવે તે દિવસો દૂર નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ (IIBX)ને ખુલ્લું મૂકતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા. વડા પ્રધાને આ પ્રસંગે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરોટી (IFSC)ના ગિફ્ટ સિટી ખાતે સ્થપાનારા બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતો.
નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારામન્, કેન્દ્રીય પ્રધાનો પંકજ ચૌધરી અને ડો. ભાગવત કરાડ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ભપકાદાર સમારંભમાં વડા પ્રધાને કહ્યું કે, 2008માં આર્થિક કટોકટીના સમયમાં દેશમાં પોલિસી પેરાલિસીસનો માહોલ હતો, ત્યારે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક (ફાઇનાન્સિયલ ટેક્નોલોજી)ની દિશામાં ગુજરાતે કદમ માંડ્યા હતા. આ પછી જાન્યુઆરી 2013માં ગિફ્ટ સિટીમાં પહેલા ટાવરનું ઉદ્ઘાટન થયું ત્યારે લોકો ગુજરાતના સૌથી ઊંચા બિલ્ડિંગવાળા ગિફ્ટ સિટી તરીકે ઓળખતા થયા હતા. જોકે એ ખરેખર તો ગુજરાતના કારોબારને વૈશ્વિક સ્તરે લઈ જવાની સાથે દેશના લોકોની આકાંક્ષાઓને જોડવાની પરિકલ્પના હતી, જે આઇડિયા તેના સમયમાં ઘણો જ આગળ હતો.
ગિફ્ટ સિટી આજે એક એવું સ્થળ બની રહ્યું છે, જ્યાંથી નવા નવા આઇડિયાઝ નીકળી રહ્યા છે, સંપત્તિનું નિર્માણ થઈ રહ્યું છે, અને દુનિયાના સૌથી બહેતર દિમાગો અહીં આવીને વિકાસ કરી રહ્યાં છે, એવો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું કે, IFSC ઓથોરિટીનું બિલ્ડિંગ આર્કિટેકચરની દૃષ્ટિએ તો સુંદર હશે જ પણ સાથે સાથે જ આ બિલ્ડિંગ ભારતને આર્થિક ક્ષેત્રે મહાસત્તા બનાવશે એવો મને વિશ્વાસ છે.
સોના-ચાંદીના ભાવ નિર્ધારણમાં ભૂમિકા
વડા પ્રધાને કહ્યું હતું કે ભારત સોના-ચાંદીનું મોટું બજાર છે, પણ આ ઓળખ પૂરતી નથી. આપણું સ્થાન માર્કેટ મેકરનું હોવું જોઈએ અને આ દિશામાં ઇન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ (IIBX) એક મોટું કદમ છે. આને કારણે ભારતના સોનાચાંદીના વેપારીઓ આંતરરાષ્ટ્રીય ભાવ નિર્ધારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ભારત હવે યુએસ, યુકે, સિંગાપોરની હરોળમાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત હવે યુએસ, યુકે, સિંગાપોર જેવા વિશ્વના ટોચના દેશોની હરોળમાં ઊભું છે જ્યાંથી વૈશ્વિક નાણાંને દિશા આપવામાં આવે છે. આ અવસર પર હું તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમણે કહ્યું, ‘આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારતની વધતી જતી આર્થિક ક્ષમતા, વધતી જતી તકનિકી ક્ષમતા અને વિશ્વનો ભારતમાં વધતો વિશ્વાસ માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે.

IFSC ફાઈનાન્સ અને ટેકનોલોજી ક્ષેત્રની લેબોરેટરી બનેઃ વડા પ્રધાન
વડા પ્રધાને કહ્યું કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSC) ફાઇનાન્સ અને ટેકનોલોજી ક્ષેત્રની લેબોરેટરી બને તેવી નેમ છે. સફળતા અને સેવા એક બીજાના પર્યાય છે. જનકલ્યાણથી જગકલ્યાણ એ આપણી વિભાવના છે ત્યારે સાતત્યપૂર્ણ વિકાસ માટે ભારતે અનેકવિધ પગલાં લીધા છે. નેટ ઝીરો કાર્બન એમિશનનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. આ રીતે વિકાસની અસીમ સંભાવના ઊભી કરી છે. વડા પ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની પણ પ્રશંસા કરી હતી.

ગિફ્ટ સિટી પ્રગતિના નવા સોપાન સર કરશેઃ નાણા પ્રધાન
નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, આજે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નું ઉદ્ઘાટન અને એનએસઇ-આઇએફએસીનું સિંગાપુર એક્સ્ચેન્જ સાથેનું જોડાણ થયું છે. સાથે સાથે જ આઇએફએસસીએના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થયું છે. આ ત્રણ નવા માઇલસ્ટોનને કારણે ગિફ્ટ સિટી આવતાં 2-3 વર્ષમાં જ વધુ પ્રગતિનાં સોપાનો સર કરશે.

ગિફ્ટ સિટીને વધુ 79 એકર જમીનઃ મુખ્ય પ્રધાન
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમારંભમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર 700 એકરમાં પથરાયેલા ગિફ્ટ સિટીને ગ્રીન-સ્માર્ટ-હોલિસ્ટિક સિટી તરીકે વિકસાવી રહ્યું છે અને તાજેતરમાં રાજ્ય સરકારે એને વધુ 79 એકર જમીન પણ ફાળવી છે. તદુપરાંત ગિફ્ટ સિટી પાસેના સાબરમતી નદીકાંઠે રિવરફ્રન્ટનો વિકાસ કરવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં રૂ. 355 કરોડ પણ ફાળવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter