ગુજરાત કાર્ડધારક એનઆરજીના લાભમાં વધારો થયો

Wednesday 09th January 2019 06:09 EST
 
 

ગાંધીનગરઃ રાજ્ય સરકારે બિનનિવાસી ગુજરાતી (એનઆરજી)ને ગુજરાત કાર્ડ આપવાની યોજના અમલી બનાવી છે પરંતુ હવે, વધુને વધુ એનઆરજી આ યોજનાનો લાભ લેવા પ્રેરાય તથા તેને વધુ અસરકારક બનાવી શકાય તે માટે ગુજરાત સરકારે ગુજરાત કાર્ડ ધારકને વધુ લાભ આપવાનો નિર્ણય કર્યો છે. કાર્ડધારકોને પ્રવાસન નિગમના અતિથિ ગૃહમાં તથા ટુરિઝમ દ્વારા સંચાલિત રણોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો-ઉત્સવોમાં નિર્ધારિત પેકેજમાં ૨૦ ટકા રાહત આપવાનું નક્કી કરાયું છે.
હવેથી ગુજરાત પ્રવાસન નિગમ હસ્તકના તોરણ (અતિથિ ગૃહ)માં રહેવા માટે ગુજરાત કાર્ડ ધારકને હાલ જે એકોમોડેશન અપાય છે અને તેની પાસેથી હાલ જે ચાર્જ વસૂલ કરાય છે તેમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઓ સિવાયના કિસ્સામાં લેવાપાત્ર ચાર્જમાં ૨૦ ટકા વળતર અપાશે. એવી જ રીતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સંચાલિત રણોત્સવ, સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો-ઉત્સવોમાં જે પેકેજ નક્કી કરાય છે તેમાં ગુજરાત કાર્ડધારકને ૨૦ ટકા રાહત અપાશે. આ બાબતે ટુરિઝમ વિભાગ જે તે કાર્યક્રમની નક્કી કરેલી એજન્સી સાથે ચર્ચા કરીને ૨૦૧૮-૧૯ અથવા નવા ૨૦૧૯-૨૦ના વર્ષથી રાહત આપવાની સરકારે સૂચના આપી છે. નવરાત્રિ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેવા કાર્યક્રમોમાં પણ કાર્ડધારકોને અગ્રતાના ધોરણે પ્રવેશ અપાશે.
આ ઉપરાંત સચિવાલયમાં પ્રવેશ માટે કાર્ડ આપવાની જે હાલની પદ્ધતિ છે તેમાં ગુજરાત કાર્ડધારકોને પ્રાધાન્ય અપાશે. અર્થાત તેમને એન્ટ્રી પાસ બનાવીને આપવામાં પ્રાથમિકતા અપાશે. બિનનિવાસી ગુજરાતીઓએ રાજ્યમાં જે ઈલેક્ટ્રિક બીલ આપવાના થાય છે, તેની મુદ્દતમાં આવા કાર્ડ-ધારકોને એક માસની વધારાની છૂટ અપાશે.
એનઆરજી તરફથી પોતાના નાના મોટા પ્રશ્નોની રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરાતી હોય છે. તેમાં ખાસ કરીને જમીનને લગતાં પ્રશ્નો હોય, શૈક્ષણિક સંસ્થામાં તેમને જે મુશ્કેલીઓ પડે છે. એનઆરઆઈ સાથેના લગ્નોમાંથી પણ ઘણીવાર પ્રશ્નો ઊભા થતાં હોય છે. આવા વિવિધ પ્રશ્નો અંગે હવેથી ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવાની થાય ત્યારે તેમને અલગથી અગ્રતા અપાશે એટલું જ નહીં, તેના ઉકેલ કે તે પ્રશ્નોના નિકાલ માટે પણ અગ્રતા અપાશે. આ માટે રાજ્ય સરકારના તમામ વિભાગો-કચેરીઓને પણ ખાસ તાકીદ કરી દેવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter