અમદાવાદઃ જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી ઉક્તિ જેવો તાલ ગુજરાતમાં સર્જાયો છે. પખવાડિયા પૂર્વે અપૂરતા વરસાદથી ચિંતિત જગતનો તાત હવે બે હાથ જોડી મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યો છે. રાજ્યના વિવિધ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હોવાથી પડી રહ્યો હોવાથી જળાશયો તો છલકાઇ રહ્યા છે, પણ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ભારે વરસાદના લાંબા રાઉન્ડ બાદ હજુ તો માંડ વરાપ નીકળ્યો હતો ત્યાં ફરી ગુજરાત પર ભારે વરસાદના વાદળો મંડરાયા છે.
અનરાધાર વરસાદે ગુજરાતને જળબંબાકાર કરી નાખ્યું છે. ખેતરોમાં ઊભો પાક પણ વરસાદી પાણીમાં છે. નિર્ણાયક સમયે પૂરતો વરસાદ આવ્યો હોત તો જરૂર ખેતીને ફાયદો થયો હોત, પણ અતિભારે વરસાદે અતિવૃષ્ટિ સર્જી છે. આ કારણોસર કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં ચોમાસુ ખરીફ પાકને નુકસાન પહોંચ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પાણી ઓસર્યે ખેડૂતોને થયેલા નુકસાનનો અંદાજ મળશે.
ગયા પખવાડિયા સુધી ગુજરાતમાં વરસાદની ઘટ વર્તાતી હતી. એટલું જ નહીં વરસાદની ખેંચને લીધે ખેડૂતો પણ આકાશ પર નજર માંડીને બેઠા હતા, કેમ કે વરસાદ ન પડે તો પાક બળી જવાનો ભય હતો, પણ ધાર્યું એના કરતાં કંઈક ઊલટું થયું. વરસતા વરસાદે અતિવૃષ્ટિ સર્જી દીધી છે, જેથી હવે લીલા દુકાળની ભીતિ સેવાઈ રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં સતત વરસાદથી ખેતરોમાં ઊભો પાક વરસાદી પાણીમાં છે. જેથી કઠોળ, તલ, કપાસ, મગફળી, શાકભાજી અને ઘાસચારાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. હજારો હેક્ટર જમીનમાં ખરીફ પાકનો સફાયો થયો હોવાનો અંદાજ છે. અનેક ખેડૂતોએ ડાંગર, જવ, રાયડાનો પાક વાવ્યો હતો, તે પાણી ભરાઈ જતાં નિષ્ફળ જઈ રહ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી શેરડીના ઊભા પાકને નુકસાન થઇ રહ્યું છે. આ ઓછું હોય તેમ ભેજવાળા વાતાવરણના લીધે સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે. ખેડૂતો કહે છે કે વધુ પડતા વરસાદને કારણે સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે 15 હજાર એકરમાં ફેલાયેલા શેરડીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે.
ગુજરાતમાં મેઘરાજાનો જાણે મિજાજ બદલાયો છે. ક્લાયમેન્ટ ચેન્જને કારણે વરસાદની પેટર્ન જ બદલાઈ ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે, વરસાદની વધતી જતી તીવ્રતા ગુજરાત માટે સારા સંકેત નથી. વીતેલા પખવાડિયે રાજ્યભરમાં વરસાદથી પાણીની અછતના દિવસો ગયા છે, પણ ગુજરાતમાં હળવા પગલે અતિવૃષ્ટિનું આગમન થયું છે, જે ચિંતાનો વિષય છે.