ગુજરાત ભાજપના પ્રમુખપદે ઓબીસી નેતાની પસંદગી થવા શક્યતા

Saturday 30th November 2024 04:04 EST
 
 

અમદાવાદ: મહારાષ્ટ્ર-ઝારખંડના ચૂંટણી પરિણામ જાહેર ચૂક્યાં છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની પસંદગીથી લઇને સરકારની શપથવિધી બાદ ભાજપ હાઈકમાન્ડ ગુજરાતને નવા ભાજપ પ્રદેશ પ્રમુખપદે કોની વરણી કરવી તે મુદ્દો હાથ પર લેશે તેમ મનાય છે. વિશ્લેષકો કહે છે કે રાજકીય સમીકરણો જોતાં લાગે છે કે આ વખતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી હશે.
કેન્દ્રીય મંત્રી બન્યા બાદ વિદાય લઇ રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો એક પગ દિલ્હીમાં તો બીજો પગ ગુજરાતમાં રહ્યો છે. મંત્રીપદ અને પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી શકાય તેમ નથી. આ જોતાં ખુદ પાટીલે જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પછી નવા પ્રદેશ પ્રમુખ નજીકના દિવસોમાં નિમાશે તેવા સંકેત આપી દીધા છે.
ભુતકાળમાં એવું બન્યું છે કે, પ્રદેશ પ્રમુખના જે નામો રેસમાં હોય તેના કરતાં કોઇ નવા ચહેરાને જ ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે. આમેય ભાજપમાં શું થશે તે કોઇ રાજકીય પંડિતો પણ કળી શકે તેમ નથી.
અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે આ વખતે સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતના કોઈ ઓબીસી નેતાને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખપદે બેસાડાય તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજકીય શિરસ્તો છે કે, અત્યારે મુખ્યમંત્રી પદે પાટીદાર નેતા બિરાજે છે તેવા કિસ્સામાં પાટીદાર નેતાને જ પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના નહીંવત્ છે.
આ જોતાં ઓબીસી નેતા જ એક માત્ર વિકલ્પ છે. અત્યારે ભાજપના વર્તુળોમાં ચર્ચા છે કે, પૂર્ણશ મોદી, દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને મયંક નાયકના નામ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આમાંથી કોને ગુજરાત ભાજપની કમાન સોંપે છે તેના પર સૌની નજર મંડાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter