સુરતઃ હીરા કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વભરમાં જાણીતા સુરતને રફની ઉપલબ્ધતા વધુ સરળ બનશે. કસ્ટમ વિભાગે નોટિફિકેશન બહાર પાડીને ઈચ્છાપોર સ્થિત ગુજરાત હીરા બુર્સને સ્પેશિયલ નોટિફાઇડ ઝોનનો દરજ્જો જાહેર કરતાં હીરાઉદ્યોગમાં નાનાં અને મધ્યમ ઉદ્યોગકારોને હવે રફની ખરીદી માટે વિદેશ પર આધારિત રહેવું પડશે નહીં. સુરતને સ્પેશિયલ નોટિફાઈડ ઝોનનો દરજ્જો મળતાં રફ માઇનિંગ કરતી વિશ્વની કંપનીઓ રફની હરાજી સુરતમાં કરી શકશે. જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાતના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, આ સુવિધાને કારણે હવે ઉદ્યોગકારો અને કારખાનેદારો ઘરબેઠાં રફ જોઈ શકશે. ગુજરાત હીરા બુર્સને મુંબઈના ભારત ડાયમંડ બુર્સની જેમ સ્પેશિયલ નોટિફાઈડ ઝોનની મંજૂરી અપાય એવી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તરફથી રજૂઆતો થઈ હતી. સુરત ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું મોટું સેન્ટર હોવાથી હીરા ઉદ્યોગમાં નાનાં અને મધ્યમ ઉદ્યોગકારોને સ્પર્ધાત્મક દરે રો-મટીરિયલ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાની માગ કરાઈ હતી.