અમદાવાદઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી ટાળવી જોઇએ તેવી માગણી કરીને વરિષ્ઠ કાયદાવિદ્ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ ભેરવાઇ ગયા છે. સિબ્બલે જેમના વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં આ દલીલ રજૂ કરી હતી તે સુન્ની વકફ બોર્ડે આ દલીલ સાથે અસંમતિ દર્શાવી છે. તો બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો છે. ચૂંટણી પ્રચારના કેન્દ્રમાં અત્યાર સુધી રાજ્યના વિકાસનો મુદ્દો હતો, પણ હવે મંદિર મુદ્દો કેન્દ્ર સ્થાને આવ્યો છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં વિશાળ ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે રામ મંદિર મુદ્દાને ૨૦૧૯ની ચૂંટણી સાથે શા માટે જોડવામાં આવે છે. ગુજરાતના ચૂંટણી પ્રચારમાં પહેલી વખત અયોધ્યા મંદિર મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે લોકસભા ચૂંટણીના નામે મંદિર મુદ્દો અદ્ધરતાલ રાખવો જોઇએ નહીં. ઉલ્લેખનીય છે કે સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતાં માગણી કરી હતી કે કેસની સુનાવણી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી ટાળવી જોઇએ.
કોંગ્રેસ હવનમાં હાડકાં ન નાખે
નરેન્દ્ર મોદીએ ધંધૂકામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. વિશાળ જનસભાને સંબોધતા તેમણે જણાવ્યું કે, રામજન્મભૂમિ જેવો મહત્ત્વનો મુદ્દો કપિલ સિબ્બલ ખોટા સમયે કરી રહ્યા છે. એક તરફ ચૂંટણી યોજવાની છે અને હજી ૨૦૧૯ની ચૂંટણી આવવાની બાકી છે તે પહેલાં કોંગ્રેસે રાજકીય ખેલ ખેલવાનું શરૂ કરી દીધું છે. સિબ્બલ કેવી રીતે રામજન્મભૂમિ અને બાબરીના મુદ્દાને ચૂંટણી સાથે જોડી શકે? ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી અને બાબરીવિવાદને કોઈ સંબંધ જ નથી, તે કાયદાની કાર્યવાહી છે અને તેની રીતે ચાલી રહી છે. કોંગ્રેસ કેવી રીતે કોર્ટમાં દલીલ કરી શકે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સુધી રામમંદિર મુદ્દે ચુકાદો લંબાવવામાં આવે.
તેમણે કોંગ્રેસ અને સિબ્બલને આડે હાથ લેતાં કહ્યું કે, હું ત્રિપલ તલાકનો મુદ્દો ચર્ચી રહ્યો છું તે જુદી બાબત છે. તે મહિલાઓના અધિકારો સાથે સંકળાયેલી બાબત છે, તેમાં ક્યાંય જાતિગત રાજકારણ કે પછી ચૂંટણીમાં લાભ લેવાની વાત નથી, તે માત્ર માનવતાનો મુદ્દો છે. કોંગ્રેસ પોતાની આદત પ્રમાણે રાજકારણને સાંપ્રદાયિક મુદ્દાઓ સાથે જોડી રહી છે.
મધ્ય ગુજરાતના દાહોદમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, શિયા અને સુન્ની વકફ બોર્ડ, રામલલ્લા મંદિર સહિતના પક્ષકારો સમાધાન તરફ ચર્ચા કરે છે ત્યારે કોંગ્રેસ હવનમાં હાડકા નાખવાનું બંધ કરે. કપિલ સિબ્બલે ભાંગરો વાટયો છે. સુન્ની વકફ બોર્ડને હું અભિનંદન આપું છું કે, તેમણે નિવેદન કરીને જણાવ્યું હતું કે, અમારા વકીલે ખોટું કર્યું છે. આ મુદ્દે દેશ એક બનીને કામ કરે, દેશની એકતા વધે તે જરૂરી છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કપિલ સિબ્બલ સુપ્રીમમાં વકીલ છે. તેઓ મુસ્લિમ સમુદાયની તરફેણમાં જે દલીલો કરવી હોય તે કરી શકે છે, તેની સામે કોઈને વાંધો નથી. કપિલ સિબ્બલ કોર્ટમાં મુસ્લિમ સમુદાયનાં નામે રાજકારણ રમી રહ્યા છે અને અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ
દાહોદમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, અમારી સરકારે પાંચ કરોડ ટોઇલેટ (શૌચાલય) બનાવ્યાં છે. શું ખુલ્લામાં શૌચ માટે અંબાણી-અદાણી જતા હતા? ગરીબજનો, બહેનોને અંધારું થતાં સુધી રાહ જોવી પડતી હતી. તેમાંથી હવે છુટકારો થયો છે. આ ટોઇલેટ અમીરો માટે બન્યાં છે?
બાબાસાહેબને પણ અન્યાય
બુધવારે ધંધૂકા સભાના પ્રારંભમાં જ સંવિધાનના રચયિતા ડો. આંબેડકરને યાદ કરતાં મોદીએ જણાવ્યું કે, આજે બાબાસાહેબનો નિર્વાણદિન છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. જવાહરલાલ નેહરુનું જો ચાલ્યું હોત તો સંવિધાનની કમિટીમાં પણ બાબાસાહેબને ના લીધા હોત. ભારતરત્ન આપવામાં પણ કોંગ્રેસે અન્યાય કર્યો. ડો. બાબાસાહેબે પાણી અને રિઝર્વ બેન્કની પરિકલ્પના આપણને આપી. કોંગ્રેસમાં એક જ પરિવારનું ચાલે છે.