ગુજરાતના મુખ્ય પ્રધાન પદેથી આનંદીબહેન પટેલનું રાજીનામું

Monday 01st August 2016 08:35 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખને તેમનું રાજીનામું મોકલી આપ્યું છે. આ પહેલાં તેમણે ફેસબુક પેજ પર રાજીનામાની જાહેરાત કરી હતી. ફેસબુક પર મૂકેલી લાંબી પોસ્ટમાં તેમણે પક્ષને પોતાના ૭૫મા જન્મદિન પહેલાં રજા આપવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાલી રહેલા આંદોલનો પર સરકારનો અંકુશ ન હોવાનો મુદ્દો છાશવારે ચર્ચાના ચકડોળે ચઢતો રહ્યો છે. આનંદીબહેનના શાસનકાળમાં ગુજરાતમાં પાટીદાર આંદોલન અને દલિત આંદોલને માથું ઊંચક્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે તેમના મતભેદો હોવાના અહેવાલો પણ સમયાંતરે અખબારોમાં ચમકતા રહ્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં કેન્દ્રમાં ભાજપના જ્વલંત વિજય બાદ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે ગુજરાતમાં સત્તાનું સુકાન આનંદીબહેનને સોંપ્યું હતું.

આનંદીબહેન પટેલે ફેસબુક પર મૂકેલી પોસ્ટમાં લખ્યું છે...

છેલ્લા ૩૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે. સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખૂબ જ અગત્યની જવાબદારીઓ સોંપી છે, જેને હું મારું સદભાગ્ય માનું છું.
મહિલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્ય મંત્રી પદ સુધીના પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂક્યો તે માટે હું ઋણી છું. કુશળ સંગઠક, દીર્ઘદૃષ્ટા અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલાં સંગઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી જેના કારણે સાતત્યપૂર્વક મારું ઘડતર થતું રહ્યું. છેલ્લા ૧૮ વર્ષથી ગુજરાત સરકારનાં ખૂબ જ અગત્યનાં વિભાગોની કામગીરી કરતાં કરતાં અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રામાણિકતા સાથે પરિણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છું. મે - ૨૦૧૪માં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય મંત્રી તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈ તથા વરિષ્ઠ નેતૃત્વએ મને સોંપી તેને હું સમગ્ર ગુજરાતની મહિલાઓનું ગૌરવ ગણું છું. શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ૧૨ વર્ષથી વધુ સમય સુધી રહ્યા અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ તે સ્વાભાવિક રીતે જ આકાશના તારા ગણવા જેવું કઠીન કાર્ય હતું પરંતુ, મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી કેડી એ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પડી નથી.
ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સિદ્ધાંતો અને શિસ્તબદ્ધતાથી પ્રેરાઈને હું પક્ષમાં જોડાઈ હતી અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું. છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી પંચોતેર વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાની સ્વીકારી આગવી પરંપરા ઊભી કરી છે. જે સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે. જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે. મારા પણ નવેમ્બરમાં પંચોતેર વર્ષ પુરા થનાર છે, પરંતુ ૨૦૧૭ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોઈ તેમજ દર બે વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્ત્વના વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પણ જાન્યુઆરી ૨૦૧૭માં યોજાનાર હોઈ નવનિયુક્ત થનાર મુખ્ય મંત્રીને પૂરતો સમય મળી રહે તે માટે બે માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરેલ. હું આજે ફરીથી આ પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્ય મંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરું છું.
ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યાં છે. રાજ્યરૂપી પરિવારનું નેતૃત્વ કરતા મને જે અપાર પ્રેમ, સ્નેહ અને કામ કરતાં રહેવાની સતત પ્રેરણા મળી છે તે માટે હું મારી હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી વંદન કરું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter