ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં જઇ વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયગાળામાં માદરે વતનની મુલાકાતે આવતા હોય છે. વતનપ્રવાસે આવતા આ એનઆરઆઇના બે જ મુખ્ય ઉદ્દેશ હોય છે - સ્વજનો સાથે મિલન-મુલાકાત અને કપડાં-જ્વેલરી સહિતની વિવિધ ચીજવસ્તુઓની ધૂમ ખરીદી. આ ઉપરાંત નાની-મોટી બીમારીની સારવાર, વિવિધ સ્થળોના યાત્રા-પ્રવાસ વગેરે તો ખરું જ. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય વિમાનસેવા પર આકરા નિયંત્રણો લાગુ હોવાથી એનઆરઆઇ માદરે વતનની મુલાકાતે પહોંચી શક્યા નથી. આમ તેમને તો વતન-વિરહ સહન કરવો પડ્યો જ છે, સાથોસાથ ગુજરાતના વેપારીઓને પણ આકરો આર્થિક ફટકો ખમવો પડ્યો છે. વર્ષભરની કમાણીનો મહત્તમ હિસ્સો એનઆરઆઇ સિઝન દરમિયાન રળી લેતા વેપારી વર્ગની વ્યથા-કથા તેમના જ શબ્દોમાંઃ
• ડોક્ટર અને દર્દી બન્નેને નુકસાન થયું છે
કોવિડ–૧૯ના કારણે એનઆરઆઈ દર વર્ષની જેમ ભારત આવી શક્યા નથી તેથી ડેન્ટલ ક્લિનિક અને દર્દીઓ બંનેને ઘણું નુક્સાન થયું છે. વિદેશમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ઝડપથી અપોઈન્ટ મળતી નથી જ્યારે ભારત આવતા દર્દીઓને ઝડપી અપોઈન્ટમેન્ટ અને સારવાર પણ મળી રહે તેવી વ્યવસ્થા અમારી ક્લિનિકમાં થાય છે. વળી, ડોલર કે પાઉન્ડની ચૂકવણી કરતાં અહીં સારવાર સસ્તી પણ પડે છે. આ વખતે સ્થાનિક દર્દીઓની પણ સંખ્યા ઓછી છે તો વિદેશી દર્દીઓની સંખ્યા તો ઓછી જ હોય તેમાં શંકા નથી. જોકે જે પણ દર્દીઓ ટ્રીટમેન્ટ લેવા ઈચ્છે એમના માટે ક્લિનિકમાં સેનેટાઈઝેશન અને હાઈજિનનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. ફોગિંગ મશીનથી ક્લિનિંગ અને ક્લિનિકમાં હાજર સાજ-સામાન નિયમિત વારંવાર સેનેટાઈઝ કરીએ છીએ તેની દર્દીઓને પણ જાણ કરીએ છીએ.
- ડો. મનજીત સિંહ ભલ્લા (ભલ્લા ડેન્ટલ એન્ડ ઈમ્પ્લાન્ટ ક્લિનિક, અમદાવાદ)
-----------------------------------------------------
• ૩ મહિનામાં રૂ. ૭૫ લાખનો ફટકો
કોવિડ – ૧૯ની પરિસ્થિતિ વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસને આશરે ૯૦ ટકા જેટલું નુક્સાન પહોંચ્યું છે. સામાન્ય રીતે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીના ગાળામાં પ્રસંગો માટે અથવા ફરવા માટે વિદેશવાસીઓ ભારત આવે છે. આ વખતે વિદેશથી આવનારા લોકોની સંખ્યા ઘટતાં આ ત્રણ મહિનામાં જ આશરે રૂ. ૭૦થી ૭૫ લાખથી વધુના વકરાને માઠી અસર પહોંચી છે. હાલમાં ઘણા ગ્રાહકો વિદેશથી રિઅલ જેમ્સ સ્ટોન્સની ઓનલાઈન ખરીદી કરે છે, પણ તે દર વખતના જેમ્સ એન્ડ જ્વેલરીની ખરીદીની તુલનામાં સામાન્ય જ કહી શકાય.
- નિર્મલભાઈ રમેશચંદ્ર શાહ (મંગલમ્ જ્વેલર્સ, આણંદ)
-----------------------------------------------------
• બિઝનેસમાં ૭૦ ટકા નુકસાન થયું છે
કોરોનાના કારણે માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર થયા પછી આમેય શોપ લગભગ બે મહિના સુધી તો બંધ જ રહી હતી. દર વર્ષે વિદેશથી પ્રસંગો માટે કે વેકેશન માટે આવતાં વિદેશવાસીઓ સારી એવી સાડી-કપડાંની ખરીદી કરે છે આ વર્ષે એ શક્ય બન્યું નથી. તહેવારો કે પ્રસંગોમાં પણ સાડી - કપડાંની ખરીદીમાં લોકોએ કાપ મૂક્યો હોય એ સ્વાભાવિક છે. બીજી તરફ શોપ ચલાવવા માટેના ખર્ચ જેવા કે સ્ટાફનો પગાર કે વીજળી - પાણીના બિલ તો યથાવત રહ્યા જ છે. તેથી કોરોનાની સ્થિતિમાં આ વર્ષે બિઝનેસમાં આશરે ૭૦ ટકા જેટલું નુક્સાન થયું છે તેવું ગણી શકાય.
- પંકજભાઈ પારેખ (કલાનિકેતન-બોમ્બેવાલા)
-----------------------------------------------------
• પ્રતિબંધથી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝને નુકસાન
કોવિડ–૧૯ની મહામારીથી દુનિયાભરના વેપાર-ઉદ્યોગને નુકસાન થયું છે. આમાં પણ હોસ્પિટાલિટી અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી માટે તો ચાકુની ધાર પર ચાલવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, પણ આ પડકારજનક સમયને અમે કંઈક નવીન કરવાની તક તરીકે જોયો. વિદેશ પ્રવાસ પર પ્રતિબંધના કારણે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને ઘણું નુક્સાન થઈ રહ્યાનું કહેવાઈ જ રહ્યું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અમે સ્થાનિક મહેમાનોને આકર્ષી શકીએ તે પ્રકારના દરેક શક્ય પ્રયત્નો કર્યાં છે. હવેની પરિસ્થિતિ જોતાં હોટેલમાં સલામતી અને સુરક્ષાની એવી વ્યવસ્થા કરી છે કે જેથી કોઈ પણ દુવિધા વગર દેશી-વિદેશી મહેમાનો હોટેલમાં આવી શકે અને રહી શકે.
- જયક્રિશ્નન સુધાકરન્ (જનરલ મેનેજર – નોવાટેલ, અમદાવાદ)
-----------------------------------------------------
• એક પણ NRI વેડિંગ બુકિંગ નથી
કોવિડ – ૧૯ના કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને ખૂબ જ નુક્સાન થયું છે. રણોત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની એનઆરઆઈની મુલાકાતને ધ્યાને લઈએ તો દર વર્ષની સરખામણીએ આશરે ૯૦ ટકા જેટલી ઓછી સંખ્યામાં વિદેશવાસીઓએ મુલાકાત લીધી છે. રણોત્સવમાં પણ આ વખતે એનઆરઆઈ મુલાકાતીઓનાં બુકિંગ ખૂબ જ ઓછાં થયાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અમારી કંપની ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી આપે છે. આ માટેના પણ હજી સુધી ભારતમાંથી જ બુકિંગ આવ્યાં છે. એનઆરઆઈ વેડિંગનું એક પણ બુકિંગ આવ્યું નથી. જો કોવિડ–૧૯નો સંકટ કાળ ન હોત તો ચોક્કસ એનઆરઆઈના વેડિંગ માટેના બુકિંગ થયા હોત એવી અમારી ધારણા છે.
- ક્રિનલ રાવલ (માર્કેટિંગ મેનેજર, લાલુજી એન્ડ સન્સ ઈવેન્ટ્સ મેનેજમેન્ટ)
-----------------------------------------------------
• NRIની પાંચ ટકા પણ ખરીદી નથી
વડોદરામાં ચશ્મા અને કોન્ટેક્ટ લેન્સના અતિ આધુનિક શો રૂમ ચશ્માઘરના માલિક નૈષધભાઈ દેસાઈએ જણાવ્યું કે આ વખતે કોરોનાને લીધે કોઈ એનઆરઆઈ આવી શક્યા નથી. અગાઉ તો મોટાભાગે આ ત્રણ મહિનામાં જ વર્ષના કુલ ટર્નઓવરનું ૫૦ ટકા ટર્નઓવર થઈ જતું હતું. આ વર્ષે એનઆરઆઈની ૫ ટકા પણ ઘરાકી નથી. ઘણાં એનઆરઆઈ તો ખાસ ઉત્તરાયણ કરવા માટે આવતા હોય છે, પરંતુ આ વર્ષે તેમણે છેલ્લી ઘડીએ તેમનું બુકિંગ કેન્સલ કરાવ્યું છે. અમારો આ બિઝનેસ ૬૫ વર્ષ જૂનો છે અને અમારા કાયમી ગ્રાહકો પણ ઘણાં છે. દર વર્ષે તેમાં ઉમેરો થતો જાય છે, પણ આ વખતે બધું થંભી ગયું છે. હા, અમુક ઓનલાઈન બિઝનેસ ચાલે છે, પરંતુ તેમાં રૂબરૂ મળવા જેવી મઝા હોતી નથી.
- નૈષધભાઈ દેસાઈ (ચશ્માઘર, વડોદરા)
-----------------------------------------------------
• દાગીનાની ખરીદીમાં ૫૦-૬૦ ટકાનો ઘટાડો
વડોદરામાં આવેલા દામોદર જ્વેલર્સના મિહિરભાઈએ જણાવ્યું કે સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી એનઆરઆઈની સીઝન ચાલતી હોય છે. તે દરમિયાન ખાસ કરીને યુકે અને અમેરિકાથી આવતા ગુજરાતી લોકો સોના - ચાંદીના દાગીનાની ખરીદી કરે છે. આ વર્ષે તેમની ખરીદીમાં ૫૦ થી ૬૦ ટકા જેટલો ઘટાડો થયો છે. સોનાના ભાવમાં વધઘટને લીધે પણ ગ્રાહકોમાં દાગીના બનાવડાવવાનું ચલણ ઘટ્યું છે.
- મિહિરભાઈ ચોકસી (દામોદર જ્વેલર્સ, વડોદરા)
-----------------------------------------------------
• કેટરિંગ બિઝનેસને પણ ભારે નુકસાન
વડોદરામાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર તેમજ કેટરીંગનો વ્યવસાય કરતા નીતિનભાઈ પટેલે જણાવ્યું કે કોરોનાને લીધે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસને મોટો ફટકો પડ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી એનઆરઆઈ ભારત આવતા હોય છે. જોકે, આ વખતે તો કોઈ એનઆરઆઈ આવ્યા નથી. કોરોનાને લીધે યુએસ અને યુકેમાં પણ સ્થિતિ ખૂબ ખરાબ છે. તેથી પણ તેઓ ભારત આવવાનું ટાળે છે. નીતિનભાઈ પટેલ વર્ષોથી અમરનાથ યાત્રા સંઘના નામે ટુરનો બિઝનેસ કરે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે એનઆરઆઈ અહીં આવે તો ત્રણથી ચાર મહિના માટે ચાર્ટર કરે છે. કોરોના મહામારીને લીધે ગયા ફેબ્રુઆરીથી મે મહિના સુધી કોઈ જ બિઝનેસ ન થતાં તેમને ભારે નુક્સાન ગયું હતું. સામાન્ય રીતે તેઓ આ ગાળામાં માત્ર NRIના એર અને હોટલ - રિસોર્ટ બુકિંગ દ્વારા લગભગ રૂ. ૧૫થી ૨૦ લાખનો નફો રળે છે. તેમણે ઉમેર્યું કે દેશના મોટા રિસોર્ટમાં ૪-૫ ટાવર હોય છે. તે આ સમયગાળામાં ભરચક હોય છે. જોકે, હાલ તેમાંથી માત્ર ૧-૨ ટાવર જ વર્કિંગ છે.
નીતિનભાઈએ જણાવ્યું કે કેટરીંગ બિઝનેસને પણ ખૂબ મોટો ફટકો પડ્યો છે. અગાઉ એક-બે હજાર માણસો લગ્ન પ્રસંગમાં હાજરી આપતા હતા. ગયા વર્ષે તો કોરોના મહામારીને લીધે સળંગ લગ્નો બંધ હતા. હવે છૂટછાટ અપાઈ છે પણ માત્ર ૫૦થી ૧૦૦ વ્યક્તિઓ જ લગ્ન પ્રસંગમાં ભાગ લઈ શકે છે. અગાઉ તેઓ લગ્નનું આખું પેકેજ જ લેતા હતા. તેમાં વ્યક્તિ દીઠ અંદાજે રૂ.૨,૫૦૦નો ચાર્જ વસૂલતા હતા. તેમાં લગ્ન માટે હોલ કે પાર્ટી પ્લોટ, ડેકોરેશન, ડેકોરેશન, કેટરીંગ, ફોટોગ્રાફી, બેન્ડવાજા સહિતની સુવિધાનો તેમાં સમાવેશ થતો. જેમના ત્યાં લગ્ન હોય તેમણે તો મહેમાનોની સંખ્યા સાથે આ પેકેજની થતી રકમ ચૂકવી દેવાની રહેતી. બાકીની કોઈ જ ચિંતા તેમણે કરવાની રહેતી નહીં. નીતિનભાઈનું માનવું છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે થાળે પડતાં હજુ એક વર્ષ લાગશે.
- નીતિનભાઈ પટેલ (ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર, વડોદરા)
-----------------------------------------------------
• NRI બિઝનેસને ૧૦૦ ટકા ફટકો
વડોદરાના અલકાપુરીમાં શ્રી લક્ષ્મી હોલ નામે રેડીમેઈડ ડ્રેસીસ, સાડી, ગાઉન, ચણિયાચોળીનો શો-રૂમ ધરાવતા અનીલભાઈ જૈનનું માનવું છે કે કોરોનાને લીધે આ વખતે એનઆરઆઈ બિઝનેસને સો ટકા ફટકો પડ્યો છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી એનઆરઆઈ સિઝન રહેતી. દરરોજ તેમની શોપ પર લગભગ ૧,૦૦૦થી વધુ ગ્રાહક આવતા હતા. તેઓ આવે ત્યારે અહીં રહેતા તેમના સગાવહાલાને આપવા માટે લેટેસ્ટ ફેશનના ડ્રેસીસ અને ચણિયાચોળી લઈ જતા. તે ઉપરાંત, તેઓ પાછા જાય ત્યારે ત્યાં રહેતા તેમનાં મિત્રો અને સગાસંબંધીને આપવા માટે આ વસ્તુઓ લઈ જતાં. આ ગાળામાં તેમનું ટર્નઓવર લગભગ રૂ. ૧ કરોડ રહેતું હતું. અત્યારે તો જે એનઆરઆઈ આવે છે તે તો તેમની લીગલ પ્રોસિજર બાકી હોય તો તે પૂરી કરવા અથવા બેંક કે કોઈ સરકારી કામ હોય તો તે પૂરું કરવા આવે છે. તે લોકો માર્કેટમાં આવતા ગભરાય છે.
આ બધામાં અનીલભાઈએ લંડનથી આવેલા એક યુવકની વાત કરી તે ખૂબ સ્પર્શી ગઈ. એક યુવક અહીં રહેતા તેના માતા-પિતા અને બહેનને જ મળવા આવ્યો છે. એનું માનવું છે કે કોરોના થાય તો કોઈને મળવા દેવાતા નથી અને ના કરે નારાયણ અને કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય તો તેમનો ચહેરો પણ જોવા મળતો નથી. ખાસ આ કારણસર જ તે પોતાના પરિવારજનોને મળવા આવ્યા છે. આ વાત કરવી થોડીક કઠે પરંતુ, તે જ કોરોના કાળની વાસ્તવિકતા છે.
- અનીલભાઈ જૈન (શ્રી લક્ષ્મી હોલ, વડોદરા)
-----------------------------------------------------
• એનઆરઆઇની ગેરહાજરી વર્તાય છે
વડોદરાના ઈન્ટરનેશનલ ડેન્ટલ ક્લિનિકના ડો. નીરાલી પટેલ કહે છે કે તેમના ચાર ક્લિનિક છે. વડોદરા ઉપરાંત ભાદરણ, બોરસદ અને ધર્મજમાં તેઓ તેમના પતિ સાથે મળીને ક્લિનિક ચલાવે છે. લોકડાઉન દરમિયાન પણ તેમણે સંપૂર્ણ તકેદારી સાથે સતત તેમના ક્લિનિક ચાલુ રાખ્યા હતા અને ડેન્ટલના દર્દીઓને સારવાર આપી હતી.
તેઓ કહે છે કે સૌ જાણે છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી એનઆરઆઈની સીઝન હોય છે. આ સમયગાળામાં વડોદરા સહિત ચારેય ક્લિનિક પર પેશન્ટ્સનો ભારે ધસારો રહે છે. તેઓ સવારે ૮.૩૦થી રાત્રે ૮.૩૦ સુધી પેશન્ટ્સનું ચેક અપ તથા ઇમ્પ્લાન્ટ અને અન્ય પ્રોસેસ કરતા હોય છે. દરેક ક્લિનિક પર દિવસ દરમિયાન લગભગ ૨૦ પેશન્ટ તો આવતા જ હોય. પરંતુ, આ વર્ષે એનઆરઆઈ દ્વારા થતાં ટર્નઓવરમાં ૯૦થી ૯૫ ટકા નુક્સાન થયું છે. આ વખતે માંડ ગણ્યા ગાંઠ્યા એનઆરઆઈ આવ્યા છે અને તે પણ તેમનું કોઈક મહત્ત્વનું કામ હોય અથવા કોઈ પ્રસંગમાં હાજર રહેવું પડે તે માટે આવ્યા છે. ઉત્તરાયણની અગાઉના દિવસોમાં તો ખાસ પેશન્ટ્સની ભીડ રહેતી. તેમણે કહ્યું કે વિદેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે, જ્યારે આપણે ત્યાં ગામડાઓમાં કોરોનાની ખાસ અસર નથી. તેથી એનઆરઆઈ અહીં આવવા માગે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જે લોકો દર વર્ષે આવે છે તેઓ અત્યારે નહીં પણ કદાચ મે - જૂનમાં આવશે.
- ડો. નીરાલી પટેલ, (ઈન્ટરનેશનલ ડેન્ટલ ક્લિનિક)
-----------------------------------------------------