અમદાવાદ, પ્રભાસપાટણઃ દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયાઇ વિસ્તારના વિકાસ અને સમૃદ્ધિ માટે ભારત સરકાર ૪૫ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરાશે. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ માર્ચે સોમનાથ ત્રિવેણી સંગમ પર યોજાયેલી અભિવાદન સભાને સંબોધતાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશભરમાં સમુદ્રીકિનારાઓના વિકાસની આઠ લાખ કરોડ રૂપિયાની સાગરમાલા યોજનાના ૪૦૦ પ્રોજેક્ટમાં ગુજરાતના ૪૦ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. યોજના અંતર્ગત રાજ્યનાં ૧૮ બંદરને આધુનિક બનાવાશે. દેશને તિરંગા ક્રાંતિથી વિકાસની ક્ષિતિજો સર કરવા માટે ભારત સરકાર પ્રયત્નશીલ છે એમ તેમણે કહ્યું હતું. વિશાળ અભિવાદન સભાને સંબોધ્યા બાદ વડા પ્રધાને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપી હતી. તેમજ સોમનાથ મહાદેવની ષોડષોપચાર પૂજા કરી હતી.
‘જય સોમનાથ...’ના નાદ સાથે સમુદ્રકિનારે સભાને સંબોધતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વિકાસની એક સુવ્યવસ્થિત ડિઝાઈન હોય તો કેટલી સમસ્યાનો ઉકેલ આવી શકે છે એ ત્રણ વર્ષમાં દેશે અનુભવ્યું છે. ટૂંકામાં ઘણું થતું હોય, પણ ટુકડે ટુકડે કામ ન થાય. અત્યાર સુધી બધું ટુકડે ટુકડે જ ચાલ્યું. આપણે એક સાથે વિકાસ કરવાનો છે.
શાળાઓમાં શૌચાલયોના અભાવે દીકરીઓ અભ્યાસ છોડીને ચાલી જતી હતી. પહેલાં મારા મુખ્ય મંત્રીકાળમાં ગુજરાતમાં શાળાઓમાં શૌચાલયો બનાવાયાં. હવે એ જ યોજના મુજબ દેશભરની શાળાઓમાં શૌચાલયો બનતાં સંકોચ અનુભવતી દીકરીઓ અભ્યાસ તરફ વળી છે.
ગુજરાતનાં ૧૮ પોર્ટને આધુનિક બનાવવા સાથે કંડલા પોર્ટ - જે પહેલાં ખોટ કરતું હતું તેને અત્યારે નફામાં લાવીને વધુ વિકાસકાર્ય હાથ ધરાયા છે. કંડલા પોર્ટ ખાતે ૧૪૦૦ એકર જમીનમાં બંદરીય નગરી બનાવવાનું કેન્દ્રનું અભિયાન છે, જેનાથી ૫૦ હજાર લોકોને એક જ જગ્યાએથી રોજગાર મળી રહેશે. દેશની સમુદ્રીમાલા યોજનાથી રોજગાર, ટૂરિઝમ, ઔદ્યોગિક વિકાસ થશે.
વડા પ્રધાન મોદીએ તિરંગારૂપી વિકાસ યોજનાઓ જાહેર કરી હતી. માછીમારોએ તેઓનાં સૂચનો સ્થાનિક સાંસદોને મોકલવા ટકોર કરી હતી. માછીમારોની યોજનાને લઈને સભામાં હાજર માછીમારોએ ‘મોદી... મોદી...’ના નારા લગાવી યોજનાને વધાવી હતી. ર૪ મિનિટનાં સભાસંબોધન બાદ સોમનાથ ખાતે દર્શન, પૂજા, અર્ચન, આરતી કરી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ કરી પરત દીવ ફર્યા હતા.
આઈકોનિક બ્રિજથી બેટ-દ્વારકાના વિકાસની નવી તક
સમુદ્ર તટે સભામાં સમુદ્રી વિકાસની વાતો પર ભાર દેનાર મોદીએ ઓખા અને બેટદ્વારકા વચ્ચે રૂ. પ૦૦ કરોડના ખર્ચે આઈકોનિક બ્રિજ બનાવવાની યોજના જાહેર કરી હતી. સાઈકલથી લઈને કાર અને સામાન લઈને આસાનીથી જઈ શકાશે, બ્રિજની ડિઝાઈન તૈયાર થઈ રહી છે. બ્રિજ ફાઉન્ડેશન માટે સમુદ્રની અંદર પરીક્ષણ ચાલી રહ્યું છે. બ્રિજ પોતે જ એવો બનશે કે લોકો બ્રિજને જોવા માટે આવશે. બ્રિજ બનવાથી ટૂરિઝમ તેમજ બેટદ્વારકાના વિકાસને પણ નવી તક સાંપડશે.