ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદથી કોઇ પક્ષ અછૂત નથી. પ્રત્યેક રાજકીય પક્ષને વિવિધ જ્ઞાતિઓના આગેવાનો જોઇએ છે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં વિસ્તાર અને જ્ઞાતિ પ્રમાણેના ઉમેદવારોનું મહત્વ આજે પણ એવું જ છે. માત્ર ચૂંટણી જ નહીં, સરકાર કે સંગઠનમાં પદાધિકારીઓની વરણી કરવાની થાય ત્યારે પણ રાજકીય પાર્ટીના નેતાઓને જ્ઞાતિ યાદ આવે છે.
ગુજરાતની બે મુખ્ય ધારા ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ વર્ષોથી જ્ઞાતિવાદનું રાજકારણ ખેલી રહ્યાં છે. કોંગ્રેસના માધવસિંહ સોલંકીની સરકાર હતી ત્યારે તેમણે ચૂંટણી સમયે ‘ખામ’ થિયરી એટલે કે ક્ષત્રિય, શિડયુઅલ કાસ્ટ, આદિવાસી અને મુસ્લિમ મતદારોને રિઝવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે ગુજરાતમાં જ્યારે ચીમનભાઇ પટેલની સરકાર આવી ત્યારે તેમણે ઓબીસી અને પાટીદારો વચ્ચે તાલમેલ ઘડયો હતો.
સૌથી વધુ મતદારો ઓબીસીના
રાજ્યમાં સૌથી વધુ વસતી અને મતદારો ઓબીસી જ્ઞાતિના છે. આ જ્ઞાતિનું વર્ચસ્વ ૪૮ ટકા છે જેમાં કોળી સમાજનો પણ સમાવેશ થાય છે, જે વિધાનસભાની ૩૭ બેઠકો પર અસર કરે છે. બીજા ક્રમે ૧૩ ટકા આદિવાસી મતદારો છે જેઓનું પ્રભુત્વ ૨૭ બેઠકો પર છે.
રાજ્યમાં ૧૨ ટકા પટેલો છે જેમાં કડવા અને લેઉઆ પટેલ આવી જાય છે. પટેલો અંદાજે ૩૩ બેઠકો પર નિર્ણાયક હોય છે. એ ઉપરાંત રાજ્યમાં આઠ ટકા મુસ્લિમ, પાંચ ટકા ક્ષત્રિય, ૭ ટકા શિડ્યુઅલ કાસ્ટ, બે ટકા બ્રાહ્મણ, બે ટકા જૈન અને બાકીના ચાર ટકામાં અન્ય જ્ઞાતિઓ છે. આ ૧૦૦ ટકા જ્ઞાતિઓની પ્રત્યેક પાર્ટી અને ઉમેદવારને જરૂર પડતી હોય છે.
છ રાજકીય ઝોન
રાજકીય રીતે ગુજરાતને છ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે જે પૈકી સૌથી મોટો ઝોન સૌરાષ્ટ્ર છે. કચ્છને અલગ માપદંડથી જોવામાં આવે છે. બીજા ક્રમે ઉત્તર ગુજરાત આવે છે. ત્રીજા ક્રમે દક્ષિણ ગુજરાત અને ચોથા ક્રમે મધ્ય ગુજરાત આવે છે. અમદાવાદનો સમાવેશ અલગથી કરવામાં આવે છે. કોઇ પણ સરકારને મુખ્ય પ્રધાન બનાવવા હોય અને કેબિનેટની રચના કરવી હોય તો જ્ઞાતિ સાથે વિસ્તારને મહત્વ આપવું પડે છે.
૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદારોએ તાજેતરમાં પટેલ મુખ્ય પ્રધાન પદની ઝૂંબેશ છેડી હતી જેને ધ્યાને લઇને ભાજપે પાટીદાર સમાજના મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને પસંદ કર્યા છે. જોકે હવે તેમની કેબિનેટમાં વિસ્તાર અને જ્ઞાતિને મહત્વ આપવું પડે તેમ છે તેથી કોળી અને ઠાકોર સાથે ઓબીસી, ક્ષત્રિય, આદિવાસી અને બ્રાહ્મણ જ્ઞાાતિના પ્રધાનનો સમાવેશ કરવો પડે તેમ છે.
નવા પ્રધાનમંડળમાં કોણ રહેશે? કોણ જશે?ઃ અટકળોનો દોર
રાજભવનમાં સોમવારે નવા મુખ્ય પ્રધાનની શપથવિધી બાદ બપોરે સાડા ત્રણેક વાગ્યે ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગરથી અમદાવાદમાં થલતેજ સ્થિત નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જ્યાં તેમણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના પ્રધાનમંડળની યાદી તૈયાર કર્યાનું કહેવાય છે.
પાટનગરમાં ત્રણેક દિવસમાં ફરી રાજ્યપાલ દ્વારા પ્રધાનોનો શપથવિધી કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. અમિત શાહે સોમવારે રાત્રે દિલ્હી જતાં પૂર્વે ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી. જેમાં રૂપાણી સરકારમાંથી પડતા મુકાનારા પ્રધાનોને સમજાવટથી લઈને નવી સરકારના પ્રધાનો સંદર્ભે સુચનાઓ આપ્યાનું કહેવાય છે.
અમિત શાહ-નીતિન પટેલ બંધબારણે મળ્યા
અમિત શાહ સોમવારે સવારે એરપોર્ટથી ગાંધીનગર સ્થિત રાજભવન જતાં અને આવતા સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું હતું. જ્યાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, નિરિક્ષક નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ચાર રાજ્યોના મુખ્ય પ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો રોકાયા હતા. રાજભવન નજીકના સર્કિટ હાઉસમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને અમિત શાહ વચ્ચે મુલાકાત પણ થઈ હતી. ભાજપના વર્તુળોમાં આ મુલાકાત બાદ નીતિન પટેલને નવી સરકારમાં નંબર ટુની જગ્યા આપવા ઓફર કર્યાની અટકળો વહેતી થઈ હતી.
૧૨ પ્રધાનને પડતા મૂકાશે, ૧૪ નવા લેવાશે?
નવી સરકારમાં પ્રધાનમંડળ માટે અમિત શાહે પાડેલી ડિઝાઈન કેવી છે એ તો સમય આવ્યે ખબર પડશે. જોકે ૧૪-૧૫ મહિના પછી ચૂંટણીમાં ઉતરતા પહેલા એન્ટિ-ઈન્કમ્બ્સીને તોડવા દરેક ક્ષેત્ર, જાતિ, સમુહને ધ્યાને રાખીને મંત્રીમંડળ રચાશે એ નક્કી છે. જેના કારણે રુપાણી સરકારના ૧૨ પ્રધાનોને પડતા મૂકી, ૧૪ નવા પ્રધાનો લેવાય તેવી અટકળો વહેતી થઈ છે.
જેમના પર પ્રધાનમંડળમાંથી પડતા મૂકાવાની તલવાર તોળાય છે તેમાં કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પરમાર, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, વાસણ આહિર, રમણલાલ પાટકર, કિશોર કાનાણી, વિભાવરી દવે, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
જે ૧૪ નવા ચહેરાને પ્રધાનમંડળમાં સ્થાન મળવાની શક્યતા છે તેમાં ડો. નિમાબહેન આચાર્ય (અંજાર), કિર્તીસિંહ વાઘેલા (કાંકરેજ), ઋષિકેશ પટેલ (વિસનગર), રાકેશ શાહ (એલિસબ્રીજ-અમદાવાદ), ગોવિંદ પટેલ (રાજકોટ), પંકજ દેસાઈ (નડિયાદ), આત્મારામ પરમાર (ગઢડા), કુબેર ડિંડોર (સંતરામપુર), કેતન પરમાર (સાવલી), મનીષા વકીલ (વડોદરા), દુષ્યંત પટેલ (ભરૂચ), હર્ષ સંઘવી (મજૂરા), મોહન ઢોડિયા (મહુવા) અને પિયુષ દેસાઈ (નવસારી)નો સમાવેશ થાય છે.
સ્વર્ણિમ સંકુલમાં સન્નાટો
સોમવારે સ્વર્ણિમ સંકુલ સહિતના સચિવાલય કેમ્પસમાં સન્નાટો વ્યાપ્યો હતો. અચાનક રાજીનામાથી પ્રધાનમંડળનું પણ અસ્તિત્વ સમાપ્ત થતા અનેક પ્રધાનોને ત્યાંથી સેંકડો ફાઈલો જૂની તારીખમાં સહી અને નોંધ સાથે વહિવટી પ્રક્રિયાને આગળ ધકેલવામાં આવી હતી. સોમવારે નવા મુખ્ય પ્રધાન ચાર્જ સંભાળે તે પહેલા સ્વર્ણિમ સંકુલમાં પ્રધાનોની ચેમ્બરોમાંથી જેટ વિમાનની ગતિએ ફાઈલો ડિસ્પેચ થતી જોવા મળી હતી. અધિકાંશ પ્રધાનોએ ફરીથી નવી સરકારમાં પ્રધાનપદ મળવાની આશાએ હજી સુધી સરકારી મોટરકાર, કોન્વોય છોડયા નથી.