અમદાવાદ: દુનિયાભરના વિકસિત દેશો વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યા છે. તેની સામે ભારતમાં લાંબા સમયથી વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી. પરિણામે બિનનિવાસી ભારતીયો (NRI) મોટી માત્રામાં ભારતીય બેન્કોમાં રૂપિયા મોકલી રહ્યા છે. આમાં ગુજરાતીઓ પણ પાછળ નથી. અમેરિકા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં બેન્કોના વ્યાજદરમાં ઘટાડો થયો છે. તેની સામે ભારતમાં વ્યાજદર સ્થિર રહ્યા છે. તેના કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગુજરાતની બેન્કોમાં NRI ડિપોઝિટ પહેલીવાર રૂ. 1 લાખ કરોડને પાર ગઈ છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના સપ્ટેમ્બર 2024ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં NRI ડિપોઝિટ રૂ. 1,01,475.50 કરોડ પર પહોંચી છે, જે ગયા સપ્ટેમ્બર 2023માં રૂ. 89,057.83 કરોડ હતી. મતલબ કે વાર્ષિક ધોરણે તેમાં રૂ. 12,418 કરોડનો વધારો થયો છે. ગુજરાતમાં સૌથી વધુ NRI ડિપોઝિટ હોય તેવા ટોચના 10 જિલ્લાઓમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા જિલ્લાઓ સાથે કચ્છ, આણંદ, નવસારી, ખેડા, પોરબંદર જેવા નાના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.
રોકાણ માટે ભારત પહેલી પસંદ
બેન્કર્સના જણાવ્યા પ્રમાણે, જીઓ-પોલિટિકલ ટેન્શનના કારણે અમેરિકા અને યુરોપની ઈકોનોમીને ઘણી અસર થઈ છે. તેની તુલનામાં ભારતનું અર્થતંત્ર સારો દેખાવ કરી રહ્યું છે. આ કારણોથી વિદેશમાં વસતા ભારતીયો પોતાના ફંડ માટે ભારતને એક સુરક્ષિત સ્થાન ગણે છે. આ ઉપરાંત ભારતીય સ્ટોક માર્કેટની તેજીથી આકર્ષાઈને પણ સીધા ઈક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સ મારફ્ત બહોળા પ્રમાણમાં ફંડ આવી રહ્યું છે. પોતાના વતનમાં રોકાણના વિકલ્પ તરીકે રિયલ એસ્ટેટમાં પણ NRI ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે. આ બધા કારણોથી બેન્કોમાં NRI ડિપોઝિટમાં વધારો થઈ રહ્યો છે.
અમદાવાદમાં સૌથી વધુ ડિપોઝિટ
ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ રૂ. 23,228 કરોડની NRI ડિપોઝિટ છે. રાજ્યના કુલ 33 જિલ્લાઓમાંથી 13 જિલ્લાઓ એવા છે જેમાં રૂ. 1000 કરોડથી વધારેની NRI ડિપોઝિટ છે. જ્યારે 15 જિલ્લા એવા છે જેમાં રૂ. 100 કરોડથી લઈને રૂ. 1,000 કરોડ સુધીની NRI ડિપોઝિટ છે. માત્ર 5 જિલ્લાઓમાં રૂ. 100 કરોડથી ઓછી ડિપોઝિટ છે.
વિતેલા એક વર્ષમાં ડોલર, યુરો, પાઉન્ડ જેવા વિદેશી ચલણો સામે રૂપિયાનું મૂલ્ય ઘટયું છે. વિદેશી ચલણમાં સમાન રકમ માટે, અવમૂલ્યનને કારણે રૂપિયામાં રકમ વધુ મળે છે. છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં બીજા ક્વાર્ટરમાં નોંધાયેલ NRI થાપણોમાં આ સૌથી વધુ વૃદ્ધિ છે. વધારો થવા પાછળનું બીજું એક મોટું કારણ છે ઊંચા અને આકર્ષક વ્યાજદરો. ભારતીય બેન્કોમાં NRI થાપણદારોને ઓછામાં ઓછું 6% વ્યાજમળે છે.
ગુજરાતમાં સૌથી વધુ
NRI ડિપોઝિટ ધરાવતા ટોપ-10 જિલ્લા
જિલ્લો 2023 2024
અમદાવાદ 19693.35 23228.09
વડોદરા 13807.25 16164.07
કચ્છ 14289.88 15649.73
આણંદ 7775.55 8739.10
રાજકોટ 7033.10 8182.94
સુરત 6343.47 7572.04
નવસારી 5627.32 5783.39
ખેડા 2619.29 2783.56
પોરબંદર 2188.72 2320.19
ગાંધીનગર 2020.67 2159.47
(સ્રોત: SLBC ગુજરાત, ડિપોઝિટ રૂ. કરોડમાં)