અમદાવાદઃ પટેલ સમાજને અન્ય પછાત વર્ગમાં અનામત આપવાની માગ સાથે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા આંદોલને મંગળવારે મોડી રાત્રે રાજ્યભરમાં હિંસક વળાંક લીધો હતો.
શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજામાં યોજાયેલી ઐતિહાસિક રેલી તો શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ ઢળતી સાંજે સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સહિતના કેટલાક હોદ્દેદારોને પોલીસે અટકાયતમાં લેતાં આંદોલનકારીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. સાત લાખથી વધુ પાટીદારોની રેલી એક પણ અનિચ્છનીય બનાવ વગર સંપન્ન થઇ હતી, પણ પછી અશાંતિની આગે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોને પોતાની લપેટમાં લીધા હતા.
મંગળવાર મધરાત સુધીમાં તોફાનો એટલા પ્રસર્યા હતા કે પટેલોના ગઢ ગણાતા મહેસાણા, કડી, ઊંઝા, વીસનગર તેમ જ અમદાવાદના નવ વિસ્તારોમાં કરફ્યુ લાદવો પડ્યો હતો. સુરતનો હવાલો લશ્કરને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદમાં અર્ધલશ્કરી દળોને ઉતારવામાં આવ્યા હતા. જોકે શહેરમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હોવાથી બુધવારે બપોર પછી લશ્કરે ફ્લેગ માર્ચ યોજી હતી.
તોફાન દરમિયાન પોલીસ ફાયરિંગમાં કુલ છ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે, જેમાંથી ત્રણ અમદાવાદમાં, બે પાલનપુરમાં અને એક મૃત્યુ મહેસાણામાં થયું છે. રાજ્યમાં ૧૩ વર્ષના લાંબા અરસા પછી કરફ્યુ અને આગજનીની ઘટનાઓ નોંધાઇ છે. છેલ્લે ૨૦૦૨માં ગોધરાકાંડ અને તેના પગલે ફાટી નીકળેલા તોફાનોના કારણે લાંબો સમય કરફ્યુ રહ્યો હતો.
સમિતિના નેતાઓની અટકાયતથી રોષે ભરાયેલા આંદોલનકારીઓ રાજ્યભરમાં રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા અને ઠેર ઠેર પથ્થરમારો, આગજની અને પોલીસ પર હુમલાના બનાવો બન્યા હતા. રાજ્ય સરકારના પટેલ સમુદાયના પ્રધાનો અને ભાજપના નેતાઓ પણ આંદોલનકારીઓના આક્રોશથી બચ્યા નહોતા. તોફાની તત્વોએ વરિષ્ઠ પ્રધાન અને આંદોલનકારીઓ સાથે મંત્રણા માટે સરકારે રચેલી સમિતિના અધ્યક્ષ નીતિન પટેલના કડીસ્થિત નિવાસસ્થાન અને મહેસાણામાં ગૃહ રાજ્યપ્રધાન રજની પટેલના નિવાસસ્થાને ભારે પથ્થરમારો કરીને આગ ચાંપી હતી. ભાજપનાં જ સાંસદ જયશ્રીબહેન પટેલના મહેસાણાસ્થિત નિવાસસ્થાને પણ પથ્થરમારો કર્યો હતો.
આ ઉપરાંત આંદોલનકારીઓએ રાજ્યમાં ઠેર ઠેર રસ્તાઓ પર આડશ મૂકીને ચક્કાજામ કરી દીધો હતો.
પોલીસે થોડાક સમય બાદ હાર્દિક પટેલ સહિતના હોદ્દેદારોને અટકાયતમાંથી મુક્ત કરી દીધા હતા, પણ ત્યાં સુધીમાં રાજ્યમાં હિંસાનો જુવાળ એટલો પ્રસરી ગયો હતો કે પોલીસ તંત્ર માટે એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદથી માંડીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે લોકોએ પોલીસ અને પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને રોષ ઠાલવ્યો હતો.
બુધવારે રાત્રે આ લખાય છે ત્યારે પણ અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં પથ્થરમારો અને આગચંપીના બનાવો વધતા-ઓછા અંશે ચાલુ જ છે. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાજ્યના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમ જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથળે તેવી કોઇ પ્રવૃત્તિ ન કરવા અનુરોધ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
સ્થિતિ નિયંત્રણમાંઃ પોલીસ વડા
રાજ્યમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે. અલબત્ત, પોલીસ વડાના મતે રાજ્યમાં હાલ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. ગુજરાતના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ પી. સી. ઠાકુરે મંગળવાના હિંસક તોફાનો દરમિયાન અમદાવાદમાં બે વ્યક્તિના પોલીસ ફાયરિંગમાં મૃત્યુ નીપજ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ગઢ પોલીસ સ્ટેશન પર તોફાનીઓએ હુમલો કરતાં પોલીસ ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.
રાજ્યમાં હિંસક તોફાનો દરમિયાન પોલીસ ફાયરિંગમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. તેમણે કહ્યું હતું કે રાજ્યની પ્રવર્તમાન સ્થિતને ધ્યાનમાં રાખીને લશ્કરની કુમક બોલાવવામાં આવી છે.
ઠાકુરે કહ્યું હતું કે રાજ્યના તમામ વરિષ્ઠ નેતાઓ અને ધર્મગુરુઓએ લોકોને કાયદો-વ્યવસ્થા જાળવવા અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવાઇ જવાની અપીલ કરી છે.
‘અનામતથી ઓછું કંઇ નહીં’
અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં મંગળવારે યોજાયેલી વિશાળ મહાક્રાંતિ રેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ બુલંદ અવાજે અનામતની માગણી કરી હતી. ગુજરાતભરમાંથી ઉમટી પડેલા સાતેક લાખ ભાઇઓ-બહેનોને સંબોધતાં સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ચેતવણી ઉચ્ચારી હતી કે જો અમને અમારો (અનામત) અધિકાર નહીં મળે તો... અમે તે છીનવી લેશું. આ સાથે જ યુવા નેતાએ એલાન કર્યું હતું કે બીજા તબક્કામાં વધુ જલદ આંદોલનના મંડાણ કરાશે.
અનામત આંદોલને અમદાવાદને સંપૂર્ણ બાનમાં લીધું હતું. મધરાતથી જ જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદારો પહોંચવા લાગ્યા હતા. છેલ્લા દોઢ મહિનાથી અનામતની માંગને ઉગ્ર સ્વરૂપ આપનાર આંદોલનકારી નેતા હાર્દિક પટેલે મંચ ઉપર એન્ટ્રી મારીને ‘જય સરદાર’, ‘જય પાટીદાર’ના નારા લગાવતા જ લોકો હિલોળે ચડ્યા હતા. હાર્દિક પટેલે તેના ભાષણમાં એવાં અનેક નિવેદનો કર્યા હતા, જેનાથી રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે.
અલ્ટીમેટમ સાથે ટ્વિસ્ટ
મહાક્રાંતિ રેલીને સંબોધતાં હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ ખુદ જીએમડીસી ગ્રાઉન્ડમાં આવીને જ આવેદન પત્ર સ્વીકારે તેવી માગણી કરતાં આમરણ ઉપવાસની જાહેરાત કરતાં અનામત આંદોલનમાં અણધાર્યો ટ્વિસ્ટ આવ્યો હતો. હાર્દિક પટેલે તેના વક્તવ્યના અંતમાં જાહેર કર્યું હતું કે જ્યાં સુધી મુખ્ય પ્રધાન પોતે અહીં આવીને આવેદન પત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચલાવાશે. તેમણે કહ્યું હતું કે ૪૮ કલાકમાં જો આ માગણી સ્વીકારાશે નહીં તો બીજા તબક્કામાં જલદ આંદોલનના મંડાણ કરાશે.
આયોજન મુજબ ખુદ કલેક્ટર પોતે રેલીના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ હાર્દિક પટેલે આવેદન પત્ર કલેક્ટરને આપવાને બદલે રાજ્યના મુખ્ય પ્રધાનને જ આવેદન પત્ર આપવાનો આગ્રહ રાખ્યો હતો. હાર્દિક પટેલના આ આહવાનને લાખો પાટીદારોએ હર્ષનાદ સાથે વધાવી લીધું હતું.
મંચ પર મતભેદ ઉભર્યા
મહાક્રાંતિ રેલીમાં હાર્દિક પટેલના નિવેદન અને વલણથી અનામત આંદોલન સાથે સંકળાયેલા સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)માં ભારે નારાજગી ફેલાઇ હતી. સભામાં મંચ પરથી હાર્દિકે દોઢ કલાક પ્રવચન કર્યું હતું, પરંતુ એસપીજીના વડા લાલજીભાઇ ડી. પટેલને બોલવાની તક આપવામાં આવી ન હતી. આથી ઉપસ્થિત જનમેદનીમાં ભારે ઉહાપોહ થયો હતો અને હાર્દિક તથા એસપીજીના મતભેદો ફરી એક વખત સપાટી આવ્યા હતા.
લાલજીભાઇએ કહ્યું હતું કે, હું મંચ પર ગયો ત્યાં સુધી હાર્દિક શું કરવાનો છે તે વાતની ખબર ન હતી. હાર્દિક દ્વારા સીએમને અલ્ટીમેટમ આપીને જીએમડીસી ગ્રાઉન્ડ પર બોલાવવાની વાત કરવામાં આવી છે તે તેમની સમિતિનો નિર્ણય છે એસપીજીને તેની સાથે કોઇ લેવાદેવા નથી. હવે એસપીજી તેની મીટિંગ યોજીને કઇ રીતે આંદોલન કરવું તે નક્કી કરશે અને જરૂર પડ્યે સરકાર સાથે મંત્રણા પણ કરશે.
લાલજીભાઇએ જણાવ્યું હતું કે અમારી વચ્ચે કોઇ તિરાડ નથી એટલે સમાધાનનો પણ પ્રશ્ન નથી. હાર્દિકની કમિટી અલગ છે અને એસપીજીની કમિટી અલગ છે. સભામાં જે પણ નિર્ણય લેવાયા કે થયું તે હાર્દિકની કમિટીના જ નિર્ણય હતા. રેલીનું આયોજન જયારે પહેલેથી જ હતું ત્યારે રેલીને રદ કરવાની જરૂર ન હતી તેમ પણ જણાવ્યું હતું.
પટેલ અગ્રણીઓના જીવ અદ્ધર
હાર્દિક પટેલની ધરપકડ બાદ રાજયમાં ઠેર ઠેર પટેલ સમાજમાંથી આવતા પ્રધાનો, ધારાસભ્યો અને તેમના સંબંધીઓના ઘર પર થઇ રહેલા હુમલાના કારણે પ્રથમવાર તેમનામાં ફફડાટ વ્યાપી ગયો છે. પટેલ નેતાઓની સ્થિતિ એવી છે કે, જો પોલીસને પગલા લેવાનું કહે તો સમાજ તેમના પર ખફા થઇ શકે છે અને જો કશું ન કરે તો તેમની પર હુમલો થઇ શકવાની ભીતિ છે.
રાજયમાં પ્રથમવાર એવું બન્યું છે કે, પ્રધાનમંડળમાં નંબર-ટુનું સ્થાન ધરાવતા નીતિન પટેલ, ગૃહ રાજયપ્રધાન રજનીકાંત પટેલ અને પટેલ ધારાસભ્યોના ઘર પર હુમલા થઇ રહ્યા છે. પટેલ સમાજનું અને તેમાંય યુવાનોનું ટોળું ગમેત્યારે હુમલો કરતા હોવાથી પટેલ નેતાઓના જીવ અદ્ધર થઇ ગયા છે. આવી સ્થિતિને કેવી રીતે ખાળવી તે અંગે પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ ગયેલી છે.
અનામત શક્ય નથીઃ મુખ્ય પ્રધાન
પાટીદાર અનામત આંદોલન સમિતિની મંગળવારની મહાક્રાંતિ રેલી પહેલા રાજ્ય સરકાર સાથેની તમામ વાટાઘાટો નિષ્ફળ રહી હતી. સરકારે ઓબીસી અનામતની માગણી માટે સાત પ્રધાનોની ખાસ સમિતિની પણ રચના કરી છે, પરંતુ છેક છેલ્લી ઘડીના પ્રયાસો છતાં સમાધાન શક્ય બન્યું નહોતું. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રવિવારે પ્રજાને સંદેશ આપીને અનામત બાબતે સરકારનો મત સ્પષ્ટ કર્યો હતો. તેમનું કહેવું છે કે, બંધારણ પ્રમાણે પાટીદાર સમાજને ઓબીસી અનામત આપી શકાય તેમ નથી. તેમણે આ પ્રશ્ન બાબતે વાટાઘાટો થકી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.
અમદાવાદ બાનમાં
મહાક્રાંતિ રેલીના પગલે સમગ્ર અમદાવાદમાં જનજીવન લગભગ ઠપ્પ થઇ ગયું હતું. પાટીદારો હજારોની સંખ્યામાં શહેરમાં ઉમટી પડતાં શહેરના અનેક વિસ્તારમાં ટ્રાફિક ખોરવાયો હતો. ખાસ કરીને શહેરના પશ્ચિમ ભાગમાં રેલીની વ્યાપક અસર જોવા મળી હતી. શહેરના આ ભાગમાં લાખો લોકોની રેલી અને સભાસ્થળ તરફ જતા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા.
પાટીદાર સમાજની રાજ્યભરમાં નીકળેલી ૧૬૨ રેલીઓ એકમાત્ર વિસનગરને બાદ કરતા શાંત જ રહી છે. અમદાવાદમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. જોકે આમ છતાં ઇસ્કોન ચાર રસ્તા, પાલડી, જૂના વાડજ, માનસી સર્કલ, નિકોલ વિસ્તારમાં કાંકરીચાળાના છૂટાછવાયા બનાવો બન્યા છે.
દોઢ માસમાં ૧૬૨ રેલી
મહેસાણાથી છઠ્ઠી જુલાઈના રોજ શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન માત્ર દોઢ જ માસના ટૂંકા ગાળામાં સમગ્ર ગુજરાતના પાટીદારોને એક કરવામાં સફળ રહ્યું છે. રાજ્યભરમાં અનામતની માગણીને મળેલા વ્યાપક સમર્થનના પહેલા તબક્કાનો અંતિમ પડાવ અમદાવાદ બન્યો છે. રાજ્યભરમાં ૧૬૨ જાહેર રેલી અને અનેક સભાઓ થઈ છે. જેમાં અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ લોકો સીધી રીતે સામેલ થયા છે. આ પહેલા સુરતમાં થયેલી સાત લાખ લોકોની રેલીએ તેમના આંદોલનની સૌથી મોટી રેલી હતી. તંત્ર અને સરકાર માટે અમદાવાદની રેલીની વ્યવસ્થા એ મોટો પડકાર બની રહી છે. રાજ્યભરની પોલીસ આ રેલીનાં બંદોબસ્ત માટે અમદાવાદમાં છે. પાટીદાર રેલીનાં આયોજકોએ પણ હજારો સ્વયંસેવકોની ફોજ તૈયાર કરી છે. આ ઉપરાંત સભા અને રેલીમાં ભાગ લેવા આવનાર લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા પણ મોટા પાયે કરાઇ છે.