ગુજરાતમાં ઓટો ઉદ્યોગ ટોપ સ્પીડમાંઃ મારુતિ સુઝુકી ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ સ્થાપશે

Saturday 06th January 2024 06:37 EST
 
 

અમદાવાદઃઃ મારુતિ સુઝુકી કંપનીએ પણ ગુજરાતમાં વધુ એક ઇવી કાર-બેટરી પ્લાન્ટ નાંખવા તૈયારી આદરી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં મારુતિ સુઝુકી આ કાર પ્લાન્ટ અંગે રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર કરશે. એટલું જ નહી, જંગી રોકાણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર ઉત્પાદન વધારવા મારુતિ સુઝુકીએ ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા નક્કી કર્યું છે. સુરેન્દ્રનગર નજીક મારુતિ સુઝુકી ઇવી કાર પ્લાન્ટ નાંખશે. ટૂંકમાં, અત્યારે ગુજરાત કાર કંપનીઓ માટે ટોપ ડેસ્ટિનેશન બની રહ્યું છે.

ભારતમાં મારુતિ કારની ડિમાન્ડ વધી છે. હાલ ગુજરાતમાં બેચરાજીમાં મારુતિ સુઝુકીનો પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં કાર ઉત્પાદન થઇ રહ્યું છે છતાંય મારુતિ સુઝુકી પાસે ત્રણ લાખથી વધુ કારનો બેકલોગ પડયો છે. આ પરિસ્થિતી જોતા મારુતિ સુઝુકી હવે કાર ઉત્પાદન વધારવા ઇચ્છુક છે. આ સંજોગામાં મારુતિ સુઝુકીએ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા વિચાર્યું છે.

મારુતિ સુઝુકીના અધિકારીઓએ કાર પ્લાન્ટ માટે કચ્છ, ધોલેરા ઉપરાંત અન્ય સ્થળોએ નજર નાંખી હતી પણ હવે આખરે સુરેન્દ્રનગર નજીક કાર પ્લાન્ટ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંય દિવસોથી મારુતિ સુઝુકી અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. ટાટા, મારુતિ ઉપરાંત ટેસ્લાનું પણ આગમન નક્કી છે તે જોતાં ગુજરાત આગામી દિવસોમાં ઓટો હબ સ્ટેટ બની રહેશે તે નક્કી છે.

અધિકારિક સૂત્રોનું કહેવુ છેકે, મારુતિ સુઝુકી પોતાના કાર બિઝનેશને વિસ્તારવા માંગે છે જેના ભાગરુપે ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા નક્કી કર્યુ છે. હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-24માં મારુતિ સુઝુકી તેના કાર પ્લાન્ટની સત્તાવાર જાહેરાત કરશે અને સરકાર સાથે એમઓયુ કરશે.

ઉલ્લેખનીય છેકે, મારુતિ સુઝુકીએ દર વર્ષે 10 લાખ કાર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સૂત્રોનું કહેવુ છેકે, મારુતિ સુઝુકીના વધુ એક કાર પ્લાન્ટને લઇને રોજગારીના અવસર ઉભા થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter