અમદાવાદઃ ગુજરાતને કોરોના મહામારી કનડી રહી છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસને રાજ્યસભા ચૂંટણી હેરાનપરેશાન કરી રહી છે. કોરોનાથી ત્રસ્ત-ગ્રસ્ત ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ૧૯ જૂને ચૂંટણી યોજાવાનું જાહેર થયાના કલાકોમાં જ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે.
કરજણ બેઠકના (જિ. વડોદરા) ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડા (જિ. વલસાડ)ના ધારાસભ્ય જીતુ ચૌધરી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રૂબરૂ મળીને રાજીનામાના પત્રો સુપ્રત કર્યા હતા અને અધ્યક્ષે તે સ્વીકારી પણ લીધા છે. આમ કોંગ્રેસ માટે રાજ્યસભાની બીજી બેઠક જીતવાનું મુશ્કેલ બની ગયું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના આગમન પૂર્વે રાજ્યસભાની આ ચાર બેઠકો માટે ચૂંટણી જાહેર થતાં જ ગયા માર્ચમાં કોંગ્રેસના એક પછી એક પાંચ ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. આ પછી કોરોના કટોકટીના કારણે ચૂંટણી મુલત્વી રહી હતી. હવે જનજીવન કંઇક થાળે પડી રહ્યું છે ત્યારે મુલત્વી રહેલી રાજ્યસભા બેઠકોની ચૂંટણીની નવી તારીખ જાહેર થતાં જ કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર શરૂ થયો છે.
કોંગ્રેસમાં યાદવાસ્થળી
બે દિવસમાં વધુ ત્રણ ધારાસભ્યોના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસમાં રાજ્યસભા ચૂંટણી પૂર્વ જ યાદવાસ્થળી સર્જાઈ છે. અત્યાર સુધી કોંગ્રેસનો ચારમાંથી બે બેઠકો પર વિજય નિશ્ચિત મનાતો હતો, પરંતુ હવે મતોનું ગણિત બદલાયું છે. હવે કોંગ્રેસ એક જ બેઠક જીતી શકે તેમ હોવાથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે ધારાસભ્યોની ખેંચતાણ ચાલુ થઈ છે. શક્તિસિંહ ગોહિલે પોતાના ટેકેદાર ધારાસભ્યોને પહેલા રાજકોટની નીલ્સ સિટી ક્લબમાં ખસેડ્યા બાદ રાજસ્થાન ખસેડ્યા છે. તો ભરતસિંહે આણંદના રિસોર્ટમાં પોતાના વફાદાર ધારાસભ્યોને કોર્નર કર્યા છે. જ્યારે ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને અંબાજી નજીકના એક રિસોર્ટમાં રખાયા છે.
તો કોંગ્રેસમાં બળવો થશે?
રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં વરવી જૂથબંધી તીવ્ર બની છે. કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસભાની ચૂંટણી માટે પ્રથમ ઉમેદવાર તરીકે ગોહિલનું નામ આગળ કરીને ધારાસભ્યોને તેમનો પ્રથમ મત આપવાનો મેન્ડેટ આપ્યો હોવાથી સોલંકીના હાથ હેઠાં પડે તેવી સ્થિતિમાં સોલંકીના ટેકેદારોમાં ભારે નારાજગી પ્રવર્તે છે. જાણકારો કહે છે કે, સોલંકીના ટેકેદારોએ દિલ્હીમાં હાઇકમાન્ડ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી છે. જો હાઈકમાન્ડ તરફથી યોગ્ય પ્રતિભાવ ન મળે તો મામલો બળવા સુધી પણ જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજસ્થાનના કોંગ્રેસના ઉમેદવારોના અનૌપચારિક નામ જાહેર કર્યા ત્યારે ગોહિલની સાથે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પૂર્વ અધ્યક્ષ રાજીવ શુકલાનું નામ જાહેર કરાયું હતું.
શુકલાએ ટ્વિટ કરીને ગુજરાતમાંથી તેમને રાજ્યસભા માટે પસંદગી કરવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આભાર પણ માન્યો હતો. જોકે સોલંકીના ટેકેદારોના દબાણને કારણે કોંગ્રેસ હાઇકમાન્ડે ગણતરીના કલાકોમાં જ શુકલાને સ્થાને ભરતસિંહને ઉમેદવાર બનાવીને સત્તાવારી રીતે બંને ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
હવે એક પછી એક કોંગી ધારાસભ્યોના રાજીનામાને પગલે ફરી વાર સોલંકીનો પેચ ફસાયો છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે, ઘીના ઠામમાં ઘી પડે છે કે સોલંકી રાજ્યસભામાં જવાની જીદ કરીને પોતાના તરફી મેન્ડેટ મેળવામાં સફળ રહે છે.
એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ
ગુજરાત કોંગ્રેસ માટે એક સાંધે ત્યારે તેર તૂટે જેવી સ્થિતિ છે. પક્ષના ધારાસભ્યોને સાચવી રાખવા માટે પ્રયત્નશીલ કોંગ્રેસને તેના જ નેતાઓ ડુબાડી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી કરનાર નરહરિ અમીનને તેમના કોંગ્રેસના જૂના સંબંધો હજુ પણ કામ આવી રહ્યા છે. આ સંબંધની મહેક ત્યાં સુધી નરહરિ અમીન માણી રહ્યા છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી ધારાસભ્યોની બેઠકનું લાઇવ રીપોર્ટિંગ નરહરિને ૩૬ મિનિટ સુધી સાંભળવા મળ્યું હતું. નરહરિ અમીન આવી જ રીતે કોંગ્રેસમાં થતી ગતિવિધિથી વાકેફ થઇ રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તા. ૪ જૂને વિવિધ જિલ્લાના આગેવાનો અને ધારાસભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી.
કોંગ્રેસી ધારાસભ્યોનો આક્રોશ
ત્રણ - ત્રણ ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસ છાવણીમાં સર્જાયેલા ઉકળાટ અને આંતરિક રાજકારણ વચ્ચે પક્ષના ધારાસભ્યોએ ભાજપ ઉપર આકરા પ્રહારો રૂ. ૧૫થી ૨૦ કરોડમાં કોંગી ધારાસભ્યોની ખરીદી થઈ હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય પ્રતાપ દૂધાતે એવો આક્ષેપ કર્યો કે કોરોના સંકટમાં વેન્ટિલેટર ખરીદવા સરકાર પાસે નાણા નથી પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા કરોડો રૂપિયા છે. મુખ્યમંત્રી ફંડમાં એકત્ર થયેલા નાણા લોકો માટે વાપરવાને બદલે ભાજપ ધારાસભ્યોના ખરીદ વેચાણ કરે છે.
કોંગ્રેસમુક્ત ભારતની વાતો ખૂબ કરવામાં આવી પરંતુ સત્તા માટે ભાજપ દાઉદ ઇબ્રાહીમ સાથે પણ સાંઠગાંઠ કરી લે તેમ છે. દૂધાતે કહ્યું હતું કે, ભાજપે કોંગ્રેસના કુલ ૬૨ ધારાસભ્યો તોડ્યા છે. ૧૨ પ્રધાનો પણ કોંગ્રેસ મૂળના છે. બ્રિજેશ મેરજા ૪૮ કલાક પહેલા નૈતિકતાની વાતો કરતા હતા, પણ તેમના પરિવારનેય ખબર નહીં હોય કે તે પક્ષ સાથે દ્રોહ કરશે. આવા લોકોને તેના વિસ્તારના મતદારો જ સબક શીખવશે. સૌરાષ્ટ્રના ૨૩ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી સુધી રાજકોટના ભૂતપૂર્વ કોંગ્રેસી અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુની નીલ્સ સીટી ક્લબમાં રાખવાનું નક્કી થયું હતું. જોકે બાદમાં આ ધારાસભ્યોને રાજસ્થાન ખસેડવા નિર્ણય લેવાયો હતો.
પુત્રની પણ ખાતરી નથી તો પછી...
ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે રાજકોટની નીલ સિટી ક્લબ ખાતે પત્રકારોને કહ્યું હતું કે, ભાજપ રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે આત્મનિર્ભર રહ્યું નથી તેથી કોંગ્રેસના ધારાસભ્યોને ધમકાવીને પૈસા આપીને ખરીદી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ સાથે શા માટે વિશ્વાસઘાત કરી રહ્યા છે તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે એવું ઉદાહરણ આપ્યું હતું કે, લગ્ન પછી પુત્ર પણ સાથે રહેશે કે કેમ તે પણ કોઇ કહી શકાતું નથી તો પછી ધારાસભ્ય પક્ષપલટો નહીં કરે એવું કઇ રીતે કહી શકાય? અમે બંદુક રાખીને બેઠા નથી કે ધારાસભ્યોને ધમકાવીને સાથે રાખી શકીએ.
એનસીપીનો કોંગ્રેસના સમર્થનમાં વ્હિપ
રાજ્યસભા ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા બાદ અંકગણિત બદલાયું છે. દરમિયાન ગુજરાત એનસીપીએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. એટલું જ નહીં, વ્હિપ જારી કરીને કોંગ્રેસને મત આપવા આદેશ કર્યો છે. રાજ્યસભાની ચૂંટણી વખતે જ એનસીપી સુપ્રીમ શરદ પવારે શંકરસિંહ વાઘેલા પાસેથી ગુજરાત એનસીપીનું પ્રમુખપદ છીનવી લીધું છે. ફરી વાર ગુજરાત એનસીપીનું સુકાન જયંતી બોસ્કીને સોંપાયું છે. રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત એનસીપીએ સત્તાવાર રીતે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારનો રાજકીય લાભ મેળવવા કોંગ્રેસ ભારે મથામણ કરી છે, જેના ભાગરૂપે જ ગુજરાત એનસીપીના પ્રમુખે આ વ્હિપ જારી કર્યો છે. ધારાસભ્ય કાંધલ જાડેજાને કોંગ્રેસને મત આપવા આદેશ કરાયો છે.
મોરબીના ધારસભ્યનો રંગપલ્ટો!
હવે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ ૧૪મી વિધાનસભાની અડધી ટર્મમાં રાજીનામુ આપ્યાનું અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શુક્રવારે જાહેર કર્યું હતુ. અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ ભવનમાં ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્ય દળ અને હોદ્દેદારોની બેઠક હતી. આ બેઠકમાં બ્રિજેશ મેરજાએ રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલના માતા અને ધારાસભ્ય ચિરાગ કાલરિયાના કાકાના અવસાન સંદર્ભે શોક પ્રસ્તાવ રજૂ કરીને સૌને બે મિનિટ મૌન પળાવ્યું હતુ. આના ચાર જ કલાક પછી મેરજાએ વિધાનસભા અધ્યક્ષના ઘરે પહોંચીને રાજીનામાનો કાગળ ધરતા સામાન્ય મતદારોમાં પણ ભારે આક્રોશ પ્રવર્તે છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાક્રમના ૮૦ દિવસ પૂર્વે ૧૫-૧૬ માર્ચે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ત્યારે બ્રિજેશ મેરજાએ વિધાનસભા અને ન્યુઝ ચેનલોના સ્ટુડિયોમાં બેસીને કેમેરા સામે એ તમામને વેચાઉ અને ગદ્દાર ગણાવ્યા હતા. હવે તેઓ પોતે વેચાઈ ગયાની બૂમો પડી રહી છે.
ભાજપની ચાણક્ય ચાલ
ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠક માટેની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે કોંગ્રેસનું ગોત્ર ધરાવતા નરહરિ અમીનને મેદાનમાં ઉતારીને કોંગ્રેસને સીધો પડકાર ફેંક્યો છે. ભાજપનું આ ગણતરીપૂર્વકનું પગલું અથવા તો રણનીતિ હતી. કોંગ્રેસના પ્રદેશના નેતાઓ ભાજપની આ ચાલને સમજવા સદંતર નિષ્ફળ નીવડ્યા અને એક પછી એક પાંચ ધારાસભ્યોના રાજીનામાં પડ્યાં ત્યારે તેમને ભાજપની ચાલ સમજાઈ અને રાતોરાત તમામ ધારાસભ્યોને જયપુર રિસોર્ટમાં લઈ જવા પડ્યા હતા.
જોકે કોરોનાને કારણે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રહી અને મામલો ત્યાં જ અટકી ગયો. પરંતુ હવે ૧૯મી જૂને ચૂંટણી યોજાવાની જાહેરાત થઈ એટલે ફરીથી ભાજપે પોતાની રણનીતિને આગળ ધપાવી, જેના ભાગરૂપે કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યનાં રાજીનામા પડ્યા છે. આમ હજુ તો રાજ્યસભા ચૂંટણીને દસ દિવસની વાર છે ત્યાં જ કોંગ્રેસના આઠ ધારાસભ્યોના રાજીનામા પડી ચૂક્યા છે.
ભાજપે ભૂતકાળની ભૂલો સુધારી!
ઓગસ્ટ ૨૦૧૯ની રાજ્યસભા ચૂંટણી વેળા ભાજપે કોંગ્રેસના અનેક ધારાસભ્યો પાસે ક્રોસવોટિંગ કરાવ્યું હતું. જોકે, તેમાંથી બળવાખોર રાઘવજી પટેલનો મત રદ થતાં બળવંતસિંહનો કારમો પરાજય થયો હતો. આ ઐતિહાસિક ભૂલ પછી ભાજપે ક્રોસવોટિંગના બદલે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઓછા કરીને કુલ મતોનું મૂલ્ય જ ઓછું કરવાનો રસ્તો અખત્યાર કર્યો છે. આથી, આ ચૂંટણીમાં ૭૦ ધારાસભ્યોમાંથી કુલ ૮ ધારાસભ્યો ઓછા થતાં હવે કોંગ્રેસમાં એક જ ઉમેદવાર જીતે તેવી સ્થિતિ સર્જાઈ છે.