ગાંધીનગરઃ દેશમાં લોકડાઉન-૫.૦ અને રાજ્યમાં અનલોક-૧.૦ જાહેર થયાં. જોકે છેલ્લાં ૭૦ દિવસમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારાના સંકટને ટાળી શકાયું નથી. રાજ્યમાં નોંધાયેલા કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો પહેલી જૂને ૧૭૨૧૭ જેટલો નોંધાયો હતો. ગુજરાતમાં અનલોક-૦૧ના પ્રથમ દિવસે ૪૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેના કારણે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧૭ હજારને પાર કરી ગયો હતો. આ ઉપરાંત એક જ દિવસમાં ૨૫ દર્દીઓનાં મોત થયા હતાં. પરિણામે મૃત્યુઆંક ૧૦૬૩ થયો હતો. રાજ્યમાં અનલોક-૧.૦ના પ્રથમ જ દિવસે જ કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો. ગુજરાતમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, રોજ ૧૫થી વધુ જિલ્લામાં કોરોનાના કેસ સતત વધતા નોંધાઇ રહ્યાં છે. આ સ્થિતિને લીધે ગુજરાતમાં મોટાભાગના જિલ્લા કોરોનાથી સંક્રમિત થયાં છે. બીજી જૂનના આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાથી મૃતકાંક ૧૦૯૨ નોંધાયો હતો. જોકે બીજી જૂને રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૧૧૮૯૪ નોંધાઈ હતી.
આગલા દિવસે ૧લી જૂને રાજ્ય આરોગ્ય વિભાગે જણાવ્યું કે, રાહતના સમાચાર એ પણ છે કે ગુજરાતમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા દસ દિવસ પહેલાંના દૈનિક સરેરાશથી સારી એવી વધી રહી છે. ગુજરાતમાં સાજા થનારાં દર્દીઓનો કુલ આંકડો પહેલી જૂને ૧૦૭૮૦ પહોંચ્યો હતો જે હોસ્પિટલમાં કે અન્યત્ર સારવાર હેઠળ રહેલાં કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડા કરતાં બમણો નોંધાયો હતો.
૩૧મી મેએ રાજ્ય આરોગ્ય વિભાગે જણાવ્યું કે, છેલ્લાં દસ દિવસમાં કુલ ૪,૬૦૦થી વધુ દર્દીઓ સાજા થઇને પોતાના ઘરે ગયાં છે. સોમવારે જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ ૬૨.૬૧ ટકા થયો છે.
૩૦મી મેના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા જોકે ૧૦૦૦ને પાર પણ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે ૨૨ માર્ચે ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત નોંધાયું હતું. ૬૯ દિવસ પછી આ આંકડો ૧૦૦૭ થઈ ગયો હતો.
ચિંતા એ બાબતની છે કે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સામે મૃત્યુનો દર ૬ ટકા કરતાં વધુ નોંધાયો હતો અને દેશના અન્ય તમામ રાજ્યોની સરખામણીએ આ દર ખૂબ ઊંચો ગયો હતો. સૌથી વધુ ૨૨૦૦ મૃત્યુના કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં પણ આ દર ૩.૩૭ ટકા હતો.
રાજ્યમાં ટેસ્ટમાં વધારાની અરજી
રાજ્યમાં વધતા જતા કોરોના સંકટ વચ્ચે રાજ્યમાં કોરોના ટેસ્ટ અંગે સુઓમોટો જાહેર હિતની અરજી પણ થઈ હતી. આ અરજીમાં ગુજરાત હાઇ કોર્ટે ૨૬મી મેએ રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, દરેક લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. હાઇ કોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે, વધુને વધુ ટેસ્ટ કરાશે તો કુલ વસ્તીના ૭૦ ટકા લોકો પોઝિટિવ નીકળશે. જેના લીધે લોકોમાં એક પ્રકારના માનસિક ડરનો માહોલ ફેલાઈ જશે. આ અંગે હાઇ કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે, આ પ્રકારની આશંકાના પગલે કોરોનાના ટેસ્ટિંગ રોકવાનું પગલું હિતાવહ નથી.
દર્દીઓનાં પરિવારજનોના ટેસ્ટ પણ કરાવો
હાઈ કોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. ડિસ્ચાર્જ સમયે દર્દીના ટેસ્ટિંગ કરો. કોરોના પોઝિટિવ દર્દી કે જેને હોસ્પિટલમાંથી રજા મળી છે અથવા તો તેનું મૃત્યુ થયું છે. આ દર્દીઓનાં પરિવારજનોના ટેસ્ટ પણ કરાવો. આ ઉપરાંત ડોક્ટરે જે દર્દીને પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે. તેનો ટેસ્ટ પણ કરાવો. હાઈ કોર્ટે એ પણ કહ્યું છે કે જે ખાનગી લેબોરેટરીમાં આંતર માળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે અને જરૂરી તમામ શરતો તે પૂર્ણ કરે છે, તો તેને RT-PCR ટેસ્ટ કરવા માટેની મંજૂરી આપો.
હેલ્થ ઓફિસરની મંજૂરી
પ્રાઇવેટ ડોક્ટર્સ અને સામાન્ય માણસોને રાહત આપતા ગુજરાત હાઇ કોર્ટે ૨૯મી મેએ જણાવ્યું હતું કે, જો ડોક્ટરની ભલામણ હોય તો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવા સરકારની આગોતરી મંજૂરી લેવાની જરૂર નથી.
અત્યાર સુધી ડોક્ટરો સરકારી હેલ્થ ઓફિસરની મંજૂરી વિના કોરોના ટેસ્ટ કરી શકતા નહોતા. આ આદેશ સામે અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) એ હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. અરજીમાં એએમએએ જણાવ્યું હતું કે ડોક્ટરનો ઓપિનિયન હંમેશા ફાઇનલ હોવો જોઈએ કારણ કે ટેસ્ટ કે સારવારમાં વિલંબથી સ્થિતિ વણસી શકે છે. કોરોના વાઇરસને લગતી વિવિધ અરજી પર ગુજરાત હાઇ કોર્ટમાં ગત માર્ચથી સુનાવણી થઈ રહી હતી. એએમએ દ્વારા હાઇ કોર્ટમાં જણાવાયું હતું કે અત્યાર સુધી ટેસ્ટ માટે મંજૂરી લેવા બેથી ત્રણ દિવસનો સમય લાગતો હતો.
કોરોના દર્દીઓને રેમડેસિવિર દવા આપવાનું સૂચન
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની એક્સપર્ટ કમિટીએ ૨૪મી મેએ કોરોનાની દવા ગણાતી રેમડેસિવિરને ક્લિનિકલ ટ્રાયલ વિના જ દર્દીઓને આપવાનું સૂચન કર્યું છે. જોકે, દવા બનાવવાની મંજૂરી આપનારી સંસ્થા સીડીએસસીઓએ હજુ અંતિમ નિર્ણય નથી લીધો.
આ સંસ્થાએ કંપનીઓ સમક્ષ કેટલીક શરતો રજૂ કરી છે. જેના પાલન પછી જ દવા બનાવવાની અને વેચવાની મંજૂરી અપાઈ શકે છે. એક તરફ કોરોના અંગે સંશોધન ચાલી રહ્યાં છે અને બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર હર્ડ ઈમ્યુનિટી સિદ્ધાંત અનુસરતી દેખાઈ રહી છે.