ગાંધીનગર: ગુજરાતમાં ગત ચૂંટણીની માફક આ વખતેય બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજવાની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. નવી દિલ્હીથી ત્રીજી નવેમ્બરે થયેલી જાહેરાત અનુસાર એક અને પાંચ ડિસેમ્બર - એમ બે તબક્કામાં મતદાન થશે જ્યારે આઠ ડિસેમ્બરે - હિમાચલ પ્રદેશ સાથે જ - પરિણામ જાહેર થશે.
પહેલી ડિસેમ્બરે પહેલા તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે જ્યારે પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કામાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જેનો અમલ 10 ડિસેમ્બર સુધી એટલે કે કુલ 37 દિવસ રહેશે.
રાજ્યમાં કુલ 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ નાગરિકો મતાધિકાર ધરાવે છે. આમાંથી 3.24 લાખથી વધુ યુવા મતદારો પહેલી વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુરુવારે પાટનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે રાજ્યમાં 324,422 મતદારો પહેલી વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યની 182 બેઠકો માટે 51,782 મતદાન મથકો ઉભા કરાશે. આમાંથી ઓછામાં ઓછા 50 ટકા મતદાન મથકો વેબકાસ્ટીંગ સુવિધાથી સજ્જ હશે. રાજ્યના 1274 મતદાન મથકોની જવાબદારી માત્ર મહિલા કર્મચારીઓ અને સુરક્ષા જવાનો સંભાળશે, જ્યારે 33 મતદાન મથકોની જવાબદારી સૌથી યુવા ચૂંટણી કર્મચારીઓને સોંપાશે. પહેલી ડિસેમ્બરે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાન માટે 5 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, જ્યારે પાંચમી ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કા માટે 10થી 17 નવેમ્બર દરમિયાન ફોર્મ ભરી શકાશે.
મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે કહ્યું હતું કે મોરબી પુલ કરુણાંતિકાના કારણે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ થયો છે. વર્તમાન વિધાનસભાની મુદત આવતા વર્ષે 18 ફેબ્રુઆરીએ પૂરી થઇ રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 79 અને અન્યોએ ચાર બેઠકો જીતી હતી.
કુલ 40 બેઠકો અનામત
રાજ્યમાં વિધાનસભાની કુલ 182 સીટમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આખરી મતદાર યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 4,91,17,308 મતદારો મતાધિકાર ધરાવે છે. 18 વર્ષની ઉંમરના મતદારો 3,24,420 અને 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો 9,87,999 જ્યારે 100થી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 10,460 છે. વિકલાંગ મતદારો 4,04,802 અને 1,417 મતદારો થર્ડ જેન્ડરના છે.
રાજીવ કુમારે એવું પણ જાહેર કર્યું હતું કે, દરેક બેઠકમાં ઓછામાં ઓછા એક મતદાન મથકનું સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલન થશે, જ્યારે 80 વર્ષથી ઉંપરના મતદારો જો ઇચ્છશે તો તેઓ ફોર્મ 12-ડી દ્વારા પોસ્ટલ મતદાન કરી શકશે, જેની વીડિયોગ્રાફી થશે.
કુલ 51,782 મતદાન મથકો
1274 મતદાન મથકો મહિલા સંચાલિતઃ રાજ્યમાં કુલ 51782 મતદાન મથકો પર મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 50 ટકા મતદાન મથકો પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરાઈ છે. 1274 મતદાન મથકોનું મહિલાઓ તેમજ સિક્યોરિટી સ્ટાફ દ્વારા સંચાલન કરવામાં આવશે. આ વખતે પ્રયોગાત્મક રીતે પહેલી વખત 33 મતદાન મથકો યુવાન પોલિંગ સ્ટાફ દ્વારા રચાશે અને તેનું સંચાલન યુવાનો જ કરશે. આ વખતે વૃદ્ધો, વિકલાંગો તેમજ મતદાન મથકે જઈ મતદાન ન કરી શકે તેવા લોકો માટે ઘરે જ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આક્ષેપો ફગાવતા ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી પંચ દ્વાર પક્ષપાત કરવામાં આવે છે તેવા આક્ષેપો ફગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે તેના કામકાજ કે નિર્ણયો પર કોઈનું દબાણ કે વગ નથી. ખાસ કરીને ગુજરાતમાં જાણી જોઈને ચૂંટણીની મોડી જાહેરાત કરવામાં આવી છે તેવી ફરિયાદોને તેમણે ફગાવી હતી.
રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતી વખતે હવામાન, વિધાનસભાની મુદત પૂરી થવાની તારીખ તેમજ અમલી બનનાર આચાર-સંહિતાનો સમયગાળો કેટલા દિવસ છે તેવી બાબતો ધ્યાનમાં લેવાતી હોય છે. તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, રૂમ જેવી સુવિધા પણ અપાશે. મતદાનમથક ભોંયતળિયે જ હોય તેવું આયોજન પણ છે. નવા પ્રયોગ તરીકે વિશેષ નિરીક્ષક દરેક મતદાનમથકે રહેશે અને તે સિનિયર સિટીઝન, દિવ્યાંગની સુવિધા પર નજર રાખશે.