ગુજરાતમાં ફરી ‘કમળ’ ખીલશેઃ સાત જનમત સર્વેનું તારણ

Friday 08th December 2017 05:08 EST
 
 

અમદાવાદઃ ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સમગ્ર દેશની જેના પર નજર છે એવી ગુજરાતની ચૂંટણીઓ અંગે સાત ટીવી ચેનલોએ કરેલા અલગ અલગ જનમત સર્વેના તારણ અનુસાર રાજ્યમાં ફરી એક વખત ભાજપ સત્તાના સૂત્રો સંભાળશે. કોંગ્રેસની બેઠકો અને મતની ટકાવારી વધશે પરંતુ તે સત્તાથી તો દૂર જ રહેશે એવો સૂર આ સર્વેમાં રજૂ થયો છે. તમામ સર્વેમાં ભાજપને ઓછામાં ઓછી ૯૨ અને મહત્તમ ૧૪૧ બેઠક મળવાનો અંદાજ અપાયો છે. બીજી તરફ કોંગ્રેસને કોંગ્રેસને ઓછામાં ઓછી ૩૭ અને મહત્તમ ૮૫ બેઠક મળવાનો અંદાજ આ ચેનલોએ આપ્યો છે.
ગુજરાત રાજ્યની સ્થાનિક TV9 ચેનલના સર્વે મુજબ ભાજપને ૧૦૯ બેઠક અને કોંગ્રેસને ૭૩ બેઠક મળશે તેવો અંદાજ છે. રાષ્ટ્રીય ચેનલોમાં ઈન્ડિયા ટીવીના સર્વે મુજબ ભાજપને ૧૦૬-૧૧૬ અને કોંગ્રેસને ૬૩-૭૩ બેઠક મળવાનો અંદાજ છે. આ જ રીતે ટાઈમ્સ નાઉ ચેનલના સર્વે મુજબ ભાજપને ૧૦૬-૧૧૬ અને કોંગ્રેસને ૬૮ બેઠક મળવાનો અંદાજ છે. આ ત્રણેય ચેનલોના સર્વેના આંકડા એકબીજાથી નજીક જોવા મળી રહ્યા છે.
તાજેતરમાં એબીપી ન્યૂઝ ચેનલે સર્વે કર્યો હતો, જેના સર્વે મુજબ ભાજપ-કોંગ્રેસની મતની ટકાવારી ૪૩-૪૩ ટકા રહેવાનો અંદાજ છે. તે સમયે તેણે બેઠકોના આંકડા આપ્યા ન હતા. હવે તેણે આપેલા આંકડા મુજબ ભાજપને ૯૨-૯૮ અને કોંગ્રેસને ૭૯-૮૫ બેઠક મળવાનો અંદાજ છે.
ટાઈમ્સ નાઉના સર્વે મુજબ ભાજપને મળનારા મતની ટકાવારીમાં ત્રણ ટકાનો ઘટાડો થશે અને કોંગ્રેસના મતની ટકાવારીમાં એક ટકાનો વધારો થશે. આમ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પાંચ ટકા આસપાસનો સ્પષ્ટ તફાવત રહેશે તેવો આ સર્વેનો અંદાજ છે.
ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના તમામ પ્રદેશોમાં મેદાન મારી જશે. કોંગ્રેસ ભાજપને કચ્છ-સૌરાષ્ટ્રમાં સારી લડત આપશે. મધ્ય ગુજરાતમાં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તે કોંગ્રેસથી સારી એવી લીડ સાથે જીતશે તેમ જણાય છે. દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જેવા શહેરમાં જીએસટીનો ખાસ્સો વિરોધ થયો હતો, જેને કારણે ભાજપની પણ ચિંતા વધી ગઈ હતી. આવા સંજોગોમાં આ સર્વેથી ભાજપને હાલપૂરતી તો રાહત થશે તેમ જણાય છે.

TV9-સી વોટર સર્વે

વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૦૯ (પ્લસ-માઇનસ ૧૦) બેઠકો મળશે અને ભાજપની જ સરકાર બનશે, તેવું TV9 અને સી વોટર દ્વારા કરાયેલા તાજા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. જ્યારે મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી ગુજરાતને નવી દિશામાં લઈ જઈ શકે તેવું મોટા ભાગના લોકોનું માનવું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દેશમાં સૌથી વધુ વાર ચૂંટણી સર્વેક્ષણમાં સાચા પડેલા સી વોટર અને ગુજરાતની અગ્રણી ટેલિવિઝન ન્યૂઝ ચેનલ ટીવી નાઇન દ્વારા કરાયેલા સર્વેક્ષણ અનુસાર ભારતીય જનતા પાર્ટી જ ગુજરાતમાં આગામી ચૂંટણીમાં વિજય મેળવશે અને સરકાર બનાવશે.
ગુજરાતના તમામ વિસ્તારો, શહેરો અને ગ્રામીણ ક્ષેત્રોને આવરી લેતા આ સર્વેમાં લોકોએ ભાજપને ૧૦૯થી વધુ બેઠકો સાથે વિજય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે વિજય રૂપાણીના નેતૃત્વને સૌથી વધુ ૨૬.૩ ટકા લોકોએ સ્વીકૃતિ આપી છે. આ ઉપરાંત ગુજરાતની વર્તમાન સરકારના પર્ફોર્મન્સથી ૬૪ ટકા લોકો સંતુષ્ટ હોવાનું પણ સર્વેમાં બહાર આવ્યું છે.

જન કી બાત ઓપિનિયન પોલ

ગુજરાત વિધાનસભામાં દિલ્હી સ્થિત જન કી બાત સંસ્થાના સર્વે પ્રમાણે ભાજપ તેનો દબદબો જાળવી રાખશે. ૫૦ હજારના સેમ્પલ સાઇઝ સાથે થયેલા આ સર્વે મુજબ ભાજપ ૧૧૦ અને કોંગ્રેસ ૬૮ બેઠકો મેળવશે. આ ઉપરાંત ચાર અન્ય પણ આ ચૂંટણીમાં બેઠકો મેળવશે. આ સર્વેનાં અનુસાર ૧૧૦ ઉપરાંત ભાજપ ૧૫ બેઠકો સુધી વધી પણ શકે. જ્યારે કોંગ્રેસ ૬૮ બેઠકોમાં ૧૫ સુધી ઘટી શકે છે.

સર્વેનાં મુખ્ય તારણો

• હાર્દિક પટેલનાં પાટીદાર આંદોલનથી પટેલોનાં ભાજપ વિરોધી વોટમાં વધારો થશે.
• કડવા પટેલની સાથે સાથે લેઉવા પટેલ ભાજપ વિરુદ્ધ મતદાન કરી શકે. ભાજપનો આધાર ઓબીસી મતોનાં ધ્રુવીકરણ પર.
• પાટીદાર આંદોલનથી પ્રભાવિત બેઠકોમાં જીતની સરસાઈ ૫૦૦૦ મતથી ઓછી હશે. આથી છેલ્લા ૭૨ કલાક આ બેઠકો માટે નિર્ણાયક પુરવાર થશે.
• રાજકોટ પશ્ચિમ અને મહેસાણા બેઠકો કે જ્યાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન લડી રહ્યા છે ત્યાં કાંટે કી ટક્કર છે.
• ભાજપને આદિવાસી પટ્ટામાં અને કોળી સમાજ વાળી બેઠકોમાં વધુ લાભ થશે.
• મજબૂત ચહેરાનો અભાવ એ કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ.

૧૩૫ બેઠકોથી ઓછી નહીંઃ ભાજપનો દાવો

ભાજપના વરિષ્ઠ નેતાઓનો દાવો છે કે પક્ષ ૧૩૫થી વધુ બેઠકો સાથે વિજયી બનશે. એક અહેવાલમાં આ નેતાઓએ પોતાના દાવાના સમર્થનમાં ટાંકેલા કારણો...
• અલ્પેશ ઠાકારો, જીજ્ઞેશ અને અન્ય આંદોલનકારીઓને લીધે કોંગ્રેસે ટીકિટ વહેંચણીમાં ગફલત કરી છે. પરિણામે ભાજપને ૧૦ બેઠકોનો સીધો ફાયદો.
• કોંગ્રેસની પટેલ મતો મેળવવાની લ્હાયના લીધે ભાજપને બિન-પટેલ મતો સંગઠિત થવાનો લાભ સૌરાષ્ટ્રમાં મળશે.
• કોંગ્રેસના બળવાખોરો અને અપક્ષોના કારણે ૨૬ બેઠકોમાં ભાજપને સીધો લાભ.
• ભાજપને ગુજરાતની નેતાગીરીમાં કોઈ અડચણ નથી. જ્યારે કોંગ્રેસ પાસે કોઈ મજબૂત ચહેરો નથી.
• ગુજરાતની સરકાર સામે એન્ટી-ઇનકમ્બસી છે, પરંતુ નરેન્દ્ર મોદી સામે લોકોને કોઈ ફરિયાદ નથી. તેમનો જાદુ બરકરાર છે.
• રાહુલની જાહેર સભાને જ પ્રતિસાદ મળે છે. તે સિવાય કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી.
• ભાજપની ઇલેકશન મેનેજમેન્ટ મશીનરી એકદમ સુદૃઢ.
• રાહુલની સભાઓ દ્વારા કોંગ્રેસ દોઢ લાખ લોકો સુધી પહોંચે છે. જ્યારે ભાજપ તેમના નેતાઓની ૨૮-૩૦ સભાઓથી વીસથી ૨૫ લાખ મતદારો સુધી પહોંચે છે.
• ભાજપની જનસંપર્ક યાત્રા, શક્તિ બુથનો કોંગ્રેસ પાસે કોઈ જવાબ નથી.
• કેન્દ્રીય નેતાઓ, સ્ટાર કેમ્પેનરની કાર્પેટ બોમ્બિંગ સ્ટ્રેટેજી ભાજપને ફળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter