ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું રાજકારણ ભાજપ પ્રમુખ પાસે ૫ હજાર ઇન્જેક્શન પહોંચ્યા કઇ રીતે?

Wednesday 14th April 2021 04:43 EDT
 
 

ગાંધીનગર: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સુરતમાં ૫૦૦૦ રેમેડેસિવિર ઇન્જેકશન વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરતા વિવાદનો વંટોળ ઉઠ્યો છે. જોકે રાજ્યમાં કોરોના પેશન્ટના સગાંસ્વજનો રેમડેસિવિરના એક એક ઇન્જેક્શન માટે તડપી રહ્યા ત્યારે પાટીલે ૫૦૦૦ ઇન્જેક્શનનો જથ્થો કેવી રીતે મેળવ્યો છે તેવા સવાલો ઉઠ્યા છે.
પાટીલને પૂછોઃ રૂપાણી બગડ્યા
શનિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જ્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્રકારોએ પછ્યું કે પાટીલ પાસે આ ઇંજેક્શન કેવી રીતે પહોંચ્યા ત્યારે તેમણે રોકડો જવાબ આપ્યો હતોઃ ‘મને ખબર નથી પાટીલને પૂછો.’ આ તરફ પાટીલે દાવો કર્યો હતો કે કેટલાંક સેવાભાવી મિત્રોની મદદથી ઇન્જેકશનનો જથ્થો મેળવ્યો હતો. કોંગ્રેસ આ સમગ્ર વિવાદમાં ભાજપ સરકારની ટીક કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખૂટી પડ્યો છે. રિપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઇન્જેક્શન મળે જ નહીં એવી સ્થિતિમાં પાટીલ ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા. આ અતિ ગંભીર સવાલ છે. આ તરફ કોંગ્રેસના ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે જેમ પાટીલે ૫૦૦૦ ઇન્જેકશન સુરત માટે મેળવ્યા તેમ ર,૫૦૦ ઇન્જેક્શન કોંગ્રેસને ગાંધીનગર માટે આપવામાં આવે.
શું પાટીલ સામે ગુનો નોંધાશે?
કાયદો કહે છે કે સરકારી નિયંત્રણમાં હોવાના કારણે રેમડેસિવર ઇન્જેકશન ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વિના નામ મળી શકે. એટલું જ નહીં લાઇસન્સ વિના કોઇ પણ આટલો સ્ટોક પણ ના રાખી શકે. સરકારે નિયમ બનાવ્યા છે કે, કોઇ પણ વ્યક્તિ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવ્યા વિના ૬થી વધુ ઇન્જેક્શન ના મળી શકે. એટલે સવાલ એ છે કે, સી.આર.પાટીલ પાસે ૫૦૦૦ રેમડેસિવિર ઇન્જેક્શન કેવી રીતે પહોંચ્યા? તે પણ સરકારને જાણ વિના. સવાલ એ પણ છે કે, શું ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ પાટીલ સામે ગુનો નોંધશે કે પછી તપાસનો દેખાડો કરશે? જોકે સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, સી.આર.પાટીલને આ ૫૦૦૦ રેમડેસિવિર ઇન્જેકશન સરકારી મદદ વિના મળ્યા ના હોત!
સુરત માટે આસામથી રેમડેસિવર મંગાવાયાં
રાજ્ય સરકારે સુરતની કિરણ હોસ્પિટલમાં ૧૦ હજાર નંગ રેમડિસિવિર ઇન્જેક્શન પહોંચાડવાની જાહેરાત કરી હતી. આ ઇન્જેક્શન ખાસ કિસ્સામાં આસામના ગૌહત્તીથી એર લિફ્ટ કરીને સુરત સરકારે સુરત જિલ્લા કલેક્ટરને ૨૫૦૦ રેમડિસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ ૧૨ હજાર ૫૦૦ રેમડિસિવિર ઇન્જેકશન ફાળવ્યા છે.

શિસ્તબદ્ધ ભાજપમાં તડ અને તડા પડવાની શરૂઆત થઇ ગઇ છે હો!

ભાજપ એ કેડર અને શિસ્તબદ્વ પક્ષ ગણાય છે, પણ ઓર્થોપેડિક સર્જન જેને હાડકામાં પડેલી ‘હેરલાઇન ક્રેક’ કહે છે એવી તડ ભાજપમાં દેખાવા માંડી છે. અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓને આઇપીએસ દ્વારા માર મારવા સબબ જે હોબાળો થયો ત્યારે પૂર્વ સંસદ અને પરિપક્વ રાજકારણી દિલીપ સંઘાણીએ ઓન કેમેરા સ્પષ્ટ રીતે કીધું કે, ‘રાજ્યના પોલીસ ખાતા ઉપર કાં તો મુખ્ય પ્રધાનનો કંટ્રોલ નથી અથવા તો મુખ્ય પ્રધાન અધિકારીઓને છાવરે છે.’ આ પછી સુરતમાં રેમડેસિવિરના જે પાંચ હજાર ઇન્જેક્શન આવ્યાં એમાં વિજય રૂપાણીએ જાહેરમાં કહ્યું કે, ‘પાટીલને પૂછો, ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા?’ તો સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જાહેરમાં કહ્યું કે, ‘સરકારની વ્યવસ્થા તૂટી પડી છે. એટલે ઇન્જેક્શનનાં વિતરણની વ્યવસ્થા કરી છે. જરૂરતમંદો માટે મારી રીતે લાવ્યો છું’  આ બધા વાક્યોના અંકોડા મેળવીએ તો એવું જણાય છે કે, ભાજપનાં સંગઠનમાં ‘હેરલાઇન ક્રેક’ દેખાવા માંડી  છે. ભાજપમાં પણ હવે કોંગ્રેસી કલ્ચર પ્રવેશી ગયું હોય એવું જોઇ શકાય છે. જોઇએ, ભાજપ ક્યાં અને કેવી ગતિ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter