ગુજરાતમાં વિશ્વનો ત્રીજો લિથિયમ પ્લાન્ટ સ્થપાશે

Wednesday 07th June 2023 09:03 EDT
 
 

ગાંધીનગરઃ અમેરિકા, ચીન પછી ભારતના ગુજરાતમાં વિશ્વનો ત્રીજો અને ભારતનો સૌપ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેકચરિંગ પ્લાન્ટનો ગીગા પ્રોજેકટ સ્થપાશે. ગુજરાત સરકારની નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીના લાભ સાથે સાણંદ ખાતે આ પ્લાન્ટ સ્થાપવા ટાટા ગ્રૂપે રાજ્ય સરકાર સાથે કરાર કર્યા છે. આયોજન અંતર્ગત પ્રથમ તબક્કે રૂ. 13 હજાર કરોડ અને બીજા તબક્કામાં પણ 13 હજાર કરોડના રોકાણ સાથે વાર્ષિક 20 ગીગાવોટનો પ્લાન્ટ સ્થપાશે. જોકે અત્યારે સમજૂતી કરાર પ્રથમ તબક્કાના રૂ. 13 હજાર કરોડના મૂડીરોકાણ માટે કરાયા છે.

હાલ દેશમાં લિથિયમની જે જરૂરિયાત છે એના 60થી 70 ટકા ચીન પૂરું પાડે છે. આ પ્રોજેકટથી દેશની 70 ટકા જરૂરિયાત પૂરી થઇ શકે એમ છે. ટાટા ગ્રૂપના આ સૂચિત પ્લાન્ટના કારણે કુલ 13 હજાર લોકોને રોજગાર મળશે. રાજ્ય સરકાર દ્વારા લિથિયમ પ્રોજેકટ માટે નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસી હેઠળ લાભ અપાશે. આ પોલિસીમાં વિનામૂલ્યે કે ટોકન દરે જમીન આપવાની જોગવાઇ નથી, પણ કેપિટલ ખર્ચ સહાય પેટે સરકાર રૂ. 200 કરોડ આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી સચિવ વિજય નેહરા અને ટાટા ગ્રુપની સબસિડિયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ વચ્ચે ગાંધીનગરમાં સમજૂતી કરાર થયા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે ભારત વર્ષ 2030 સુધીમાં 100 ટકા ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ અને 50 ટકા કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા પ્રતિબદ્ધ છે. આ લક્ષ્યને સાકાર કરવામાં સમજૂતી કરાર આગવું કદમ સ્થાપિત થશે.

13 હજાર રોજગારીનું સર્જન
રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જનરહિત ઊર્જા-ગ્રીન ક્લીન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ કન્ઝપ્શન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે.
ગુજરાત સરકારની નવી ઇલેકટ્રોનિકસ પોલિસી પ્રમાણે આ પ્રોજેક્ટને કેપિટલ સપોર્ટ તરીકે ખર્ચના 20 ટકા અને મહત્તમ રૂ. 200 કરોડ સુધીની સહાય કરશે. કંપનીને ભાડા, વેચાણ કે ટ્રાન્સફર પેટે જે સ્ટેમ્પ ડયૂટી કે રજિસ્ટ્રેશન ફી ભરવી પડે એમાંથી મુકિત મળશે. કંપનીને પાંચ વર્ષ માટે એક રૂપિયો પ્રતિ યુનિટદીઠ વીજળી મળશે. વીજ રાહત પેટે વીજડયૂટીમાં પણ માફી મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter