અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ નિફ્ટીનો સોમવાર બપોરથી આરંભ કરાવવામાં આવ્યો છે. આ સાથે જ ગિફ્ટ નિફ્ટીમાં દેશી અને વિદેશી ખાનગી કંપનીઓના લિસ્ટિંગ માટેના દરવાજા ખૂલી ગયા છે. તેમના લિસ્ટિંગ માટેના નિયમો તૈયાર થઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીનો આરંભ થતાં ભારતમાં મૂડીનો પ્રવાહ આવવાનો વધી જશે. ગિફ્ટ નિફ્ટી ચાલુ કરવામાં આવ્યાને થોડી જ મિનિટોમાં તેમાં 1.3 બિલિયન ડોલરના સોદા પડી ગયા હતા.
સિંગાપોર એક્સચેન્જ એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જ વચ્ચેના કરારમાં ગિફ્ટ નિફ્ટી ચાલુ કરવામાં આવ્યું છે. તેને પરિણામે વિદેશમાંથી ભારતમાં રોકાણ આવવાનો રસ્તો ખૂલી ગયો છે. એનએસઈ-આઇએફએસસી પર અમેરિકી ડોલરના વર્ચસ્વ વાળા નિફ્ટી ડેરિવેટિવ્સના સોદા કરવામાં આવશે. એસજીએક્સ નિફ્ટી ભારતીય બજાર ખૂલતા પૂર્વે તેની ચાલનો નિર્દેશ આપતો હોવાનું માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચલણમાં સિક્યોરિટીઝના ટ્રેડિંગનો રસ્તો આ સાથે ખૂલી ગયો છે.
પાંચ વર્ષ માટે ભાગીદારી
ગિફ્ટ નિફ્ટીના સોદાઓ કરવાને પરિણામે થનારા નફામાં બંને કંપનીઓ 50 – 50 ટકા ભાગીદાર રહેશે. તેમાંય ભારત તરફથી લાવવામાં આવનારા બિઝનેસ થકી થનારા નફામાં ભારતનો 75 ટકા અને સિંગાપોર થકી લાવવામાં આવનારા બિઝનેસના નફામાં સિંગાપોરની કંપનીને 75 ટકા નફો આપવાની શરતે આ એક્સચેન્જ ચાલુ કરવામાં આવ્યું છે. આ સિવાયના બિઝનેસમાં બંને 50-50 ટકાના ભાગીદાર રહેશે. ભાગીદારી માટેના આ કરાર 5 વર્ષ માટે કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેને બીજા બે વર્ષ સુધી એક્સટેન્ડ કરવાની શરત કરવામાં આવી છે. ત્યારબાદ નવેસરથી કરારને લંબાવવામાં આવશે.
ગિફ્ટ સિટીની આગેકૂચ
ગિફ્ટ સિટીના એમ.ડી. અને સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી આ નવા આયોજનના અમલીકરણ સાથે જ એક અગ્રણી ફાઇનાન્શિયલ હબ બનવાની દિશામાં આગળ વધ્યું છે. ભારતમાંથી ફાઇનાન્શિયલ સર્વિસની નિકાસ કરવા માટેનો દરવાજો પણ આ સાથે જ ખૂલશે. ગિફ્ટ નિફ્ટી માટે વિશ્વકક્ષાની માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવી છે.