ગાંધીનગરઃ ‘ગુજરાતમાં હવે ગુજરાતી બન્યું ફરજિયાત’ હેડિંગ વાંચીને આશ્ચર્ય થયુંને?! પરંતુ આ હકીકત છે. રાજ્યની શાળાઓમાં માતૃભાષા ગુજરાતી શીખવવાના મુદ્દે એટલી હદે ઉપેક્ષા થઇ રહી હતી કે રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં કાયદો ઘડીને શાળાઓમાં ગુજરાતી ભણાવવાનું ફરજિયાત કરવું પડયું છે.
મંગળવારે શિક્ષણ પ્રધાન ડો. કુબેર ડિંડોરે વિધાનસભા ગૃહમાં આ મુદ્દે બિલ રજૂ કર્યું હતું, જેને ચર્ચા બાદ સર્વાનુમતે પસાર કરાયું હતું. રાજ્યમાં ધોરણ એકથી આઠમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતા આ બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ છે. જે અનુસાર નિયમભંગ કરનાર શાળાને 2 લાખ રૂપિયા સુધીનો દંડ અને શાળાની માન્યતા રદ થવા સુધીનાં પગલા લેવાશે. ગુજરાતી સત્તાવાર ભાષા હોવા છતાં કેટલીય સ્કૂલો તેને ભણાવતી ન હોવાથી આ નિયમ લાગુ કરાયાનું શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું.
તો કડક પગલાં લેવાશે
શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને માતૃભાષા ગુજરાતી ફરજિયાત ભણાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આ જોગવાઇ કરાઇ છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવવાના રહેશે. કાયદાની જોગવાઇનો ભંગ કરનાર શાળા સંચાલકોને દંડ ફટકારવાની અને આવી પ્રવૃતિના ત્રણ વખત ઉલ્લંઘનના કિસ્સામાં રાજ્યની નોન-ગ્રાન્ટેડ શાળાઓને અપાયેલી માન્યતા રદ કરવા જેવા કડક પગલા લેવાની પણ જોગવાઇ આ કાયદામાં છે.
શિક્ષણ પ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાતી ભાષા ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં કેટલીક શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે પણ શીખવાતી નથી. જેના કારણે રાજ્યના રહેવાસીઓ તેમની સત્તાવાર ભાષાથી વંચિત રહે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 13 એપ્રિલ 2018ના રોજ ઠરાવ કરી રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં વર્ષ 2018માં ધોરણ 1 અને 2, વર્ષ 2019માં ધોરણ 3, વર્ષ 2020માં ધોરણ 4, તે રીતે ક્રમશઃ ધોરણ 8 સુધી ગુજરાતી ભાષા શિક્ષણનો ફરજિયાત અમલ કરવા આદેશ કર્યો હતો. આ ઠરાવ મુજબ કોઈ પણ બોર્ડ સાથે સંલગ્ન ગુજરાતી માધ્યમની શાળાઓ સિવાયની તમામ શાળાઓને ફરજિયાત વિષય તરીકે ગુજરાતી ભાષા શીખવવાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં એવું જોવા મળ્યું હતું કે, કેટલીક શાળાઓ ઠરાવને અનુસરતી નથી. જેને પરિણામે કડક જોગવાઇઓ સાથેનો કાયદો લાવવો જરૂરી હતો.
‘પ્રથમ ભાષા તરીકે ‘ગુજરાતી’ જ હોવી જોઈએ'
ડો. ડિંડોરે વિધેયક લાવવા પાછળની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, શાળાકીય શિક્ષણમાં પ્રથમ ભાષા માતૃભાષા જ હોવી જોઇએ તેવું શિક્ષણવિદો, કોઠારી કમિશન રિપોર્ટ-1964, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-1968 તેમજ 1986 ઉપરાંત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં પણ ભલામણ છે. તે મુજબ ગુજરાતના શાળાકીય શિક્ષણમાં પણ પ્રથમ ભાષા તરીકે માતૃભાષા ‘ગુજરાતી’ જ હોવી જોઈએ.
છેલ્લા કેટલાક દાયકાઓથી, સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી, એસજીબીએસઇ, સીઆઈસી સાથે સંલગ્ન પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી છે અને ત્યાં હિન્દી અને વિદેશી ભાષાઓને ‘અન્ય ભાષાઓ’ તરીકે શીખવવામાં આવે છે, પરંતુ ગુજરાતી ભાષા ભણાવાતી નથી. જેના પરિણામે આ શાળાઓમાં ભણતા બાળકો પોતાની માતૃભાષા ગુજરાતીના અપેક્ષિત જ્ઞાનથી વંચિત રહી જાય છે.
ગુજરાતી સમૃદ્ધ અને વધુ અભિવ્યક્તિ વૈભવ ધરાવનારી ભાષા
ડો. ડિંડોરે જણાવ્યું કે, ભારતીય બંધારણની આઠમી અનુસૂચીમાં 22 ભાષાને માન્યતા અપાઇ છે. ગુજરાતી ભાષા તે પૈકીની એક છે. ગુજરાતી સમૃદ્ધ અને વધુ અભિવ્યક્તિ વૈભવ ધરાવનારી ભાષા છે, જેમાં પ્રાચીન તેમજ આધુનિક સાહિત્યનો વિશાળ ભંડાર છે. આ ભાષામાં ફિલ્મ, સંગીત અને લખાયેલ સાહિત્ય ભારતની રાષ્ટ્રીય ઓળખ અને ધરોહર છે.
માતૃભાષા પ્રગતિ માટે ફાયદાકારક
શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણક્ષેત્રે પ્રચલિત કોઠારી કમિશન-1964માં ત્રિભાષા સૂત્રના અમલીકરણની ભલામણ કરી છે. આ જ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં પણ એક કરતાં વધારે ભાષા શીખવવા માટે ભલામણ છે. નવી શિક્ષણ નીતિના પ્રકરણ-4ના મુદ્દા 4.11 અને 4.12માં માતૃભાષા અને ભારતીય સંસ્કૃતિ એ બંનેને કેન્દ્રમાં રાખીને અન્ય ભારતીય ભાષાની પસંદગી બીજી ભાષા તરીકે કરવાની જોગવાઈ છે. એક અભ્યાસ મુજબ વિશ્વના વિકસિત દેશોમાં પોતાની માતૃભાષાનો ઉપયોગ સંસ્કૃતિ અને પરંપરાઓમાં સુશિક્ષિત હોવું એ કોઈ અડચણ નહિ, પરંતુ ખરેખર શૈક્ષણિક, સામાજિક અને તકનિકી પ્રગતિ માટે ફાયદાકારક સાબિત થયો છે.
'કેટલાક રાજ્યોએ પ્રાદેશિક ભાષાઓને જરૂરી બનાવતા કાયદાઓ પસાર કર્યા '
પ્રધાન ડો. ડિંડોરે ઉમેર્યું કે, દેશની સર્વોચ્ચ અદાલતે કોઈ પણ રાજ્ય તેની પ્રાદેશિક ભાષા ફરજિયાતપણે શીખવવા માટે નીતિગત નિર્ણય લઈ શકે તે દરખાસ્તને પોતાના ચુકાદામાં માન્ય રાખી છે. ચુકાદામાં એવું પણ અવલોકન છે કે, પ્રાદેશિક ભાષા શીખવાનો પ્રતિકાર બાળકોને જીવનના મુખ્ય પ્રવાહથી વિખૂટા પાડી દેશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020એ પણ માતૃભાષામાં ત્રણ ભાષાની ફોર્મ્યુલા અને શિક્ષણને માન્યતા આપી છે. પંજાબ, તેલંગણ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ તેમની સંબંધિત પ્રાદેશિક ભાષાઓને જરૂરી બનાવતા કાયદાઓ પસાર કર્યા છે.
શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈઓ
મંત્રીએ આ વિધેયક અંતર્ગત કરાયેલી દંડ-શિક્ષાની જોગવાઇઓ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત બહારના નિવાસી હોય અને ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને વાલીની લેખિત વિનંતી પર શાળા મુક્તિ આપી શકશે. મુક્તિ મળેલ શાળાઓ સિવાયની જો કોઇ શાળા પ્રથમ વખત કાયદાનું ઉલ્લંઘન કરે તો 50 હજાર રૂપિયા, બીજી વાર ઉલ્લંઘન કરે તો 1 લાખ રૂપિયા, તેમજ ત્રીજી વાર ઉલ્લંઘન કરે તો 2 લાખ રૂપિયાના દંડને પાત્ર થશે. જો કોઇ શાળા એક વર્ષ કરતામ વધુ સમયથી ઉલ્લંઘન કરે તો તેની માન્યતા રદ કરવા સુધીના પગલા લેવામાં આવશે.