ગુજરાતમાં ’96 પછી અપક્ષ કે અન્ય પક્ષના કોઇ ઉમેદવાર જીત્યા નથી!

Wednesday 08th May 2024 05:16 EDT
 
 

ગાંધીનગરઃ લોકસભાની આ વખતની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની એક જ બેઠક માટે સૌથી વધુ અન્ય પક્ષોના 8 અને અપક્ષો 8 મળીને કુલ 18 ઉમેદવારો છે. આ જ રીતે ગાંધીનગર અને ભરૂચ બેઠક માટે પણ 8-8 અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધુ 9 અપક્ષ જામનગર બેઠકમાં છે. અમદાવાદ પશ્ચિમ અને બારડોલી બેઠકો માટે કોઇ અપક્ષ મેદાનમાં નથી.
ગુજરાતમાં સુરતની બેઠકે ભાજપે બિનહરીફ જીત્યા બાદ સાતમીએ યોજાયેલી ચૂંટણીમાં કુલ 266 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં સુરતની એક બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધા બાદ ભાજપના 25, કોંગ્રેસના 23 અને આમ આદમી પાર્ટી (‘આપ’)ના 2 ઉમેદવારો મળીને કુલ 50 ઉમેદવારો વચ્ચે જ ખરો ચૂંટણીજંગ ખેલાઈ રહ્યો છે. રાજ્યના કુલ 266 ઉમેદવારોમાંથી 98 અન્ય નાના-મોટા રાજકીય પક્ષોના છે, જ્યારે 116 અપક્ષ ઉમેદવારો છે. જોકે વાસ્તવિક્તા એ છે કે 1996થી 2019 સુધીમાં લોકસભાની 7 ચૂંટણી થઈ છે, જેમાં એક પણ અન્ય પક્ષ કે અપક્ષો ચૂંટાયા નથી.
ભાજપે સત્તા સંભાળી ત્યારથી અપક્ષના સૂપડાં સાફ
1 મે 1960માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પછી 1962માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારથી 1991ની લોકસભાની ચૂંટણી સુધી ગુજરાતમાં અન્ય પક્ષો અને અપક્ષો ચૂંટાતા હતા, પરંતુ 1995માં ગુજરાત વિધાનસભામાં સ્વ. કેશુભાઈ પટેલના નેતૃત્વમાં સ્વતંત્ર રીતે ભાજપની સરકારે બહુમતી સાથે રાજ્યમાં સત્તાની ધુરા સંભાળી હતી, ત્યારથી લોકસભાની ચૂંટણીમાં અન્ય પક્ષ કે અપક્ષના ઉમેદવાર જીત્યા નથી.
રાજકીય અસ્તિત્વ ટકાવવા માટેનો જંગ
ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકો છે, ગત 2014 અને 2019માં તમામ 26 બેઠકો ભાજપ જીતી હતી. તે પહેલાં આ બેઠકો ભાજપ-કોંગ્રેસ વચ્ચે વહેંચાતી હતી. તો પછી આ વખતે અન્ય પક્ષોના 98 વત્તા 116 અપક્ષ મળીને કુલ 214 ઉમેદવારો શા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે? તેનો ખરો જવાબ એ છે કે, અન્ય રાષ્ટ્રીય પક્ષો ચૂંટણી પંચના નિયમ અનુસાર અમુક ટકા વોટ મેળવીને પોતાનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો જાળવી રાખવા ઉમેદવાર ઊભા રાખે છે. બીજુ કારણ એ પણ ખરું કે અપક્ષોને જે-તે રાજકીય પક્ષની ચૂંટણી રણનીતિના ભાગરૂપે હરીફ ઉમેદવારના વોટને વહેંચી નાખવા ચૂંટણી જંગમાં ઉતારાતા હોય છે.
આ વખતે લોકસભા ચૂંટણીમાં કચ્છમાં એક બેઠક માટે કુલ 11, ઉત્તર ગુજરાતની કુલ 5 બેઠકો માટે 56, મધ્ય ગુજરાતની 8 બેઠકો માટે 80, દક્ષિણ ગુજરાતની સુરત બિનહરીફ થયા બાદ બાકી રહેલી 4 બેઠકો માટે 24 અને સૌરાષ્ટ્રની 7 બેઠકો માટે 81 મળીને રાજ્યના ચારેય ઝોનની કુલ 26 બેઠકો માટે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 1996થી રાજ્યમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા 65થી વધી નથી, પરંતુ ગત 2014માં અપક્ષોની સંખ્યા 158 હતી અને તેમને કુલ મતદાનમાંથી 2.10 ટકા વોટ મળ્યા હતા. આ જ રીતે 2019ની ચૂંટણીમાં સૌથી વધુ 197 અપક્ષો મેદાનમાં હતા. જેમને 2.15 ટકા વોટ પ્રાપ્ત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter