અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં હિંમતનગર નજીકના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર ગુજારાયેલા જાતીય અત્યાચારની ઘટનાએ રાજ્યમાં વસતાં પરપ્રાંતીય શ્રમિકો માટે અણધારી આફત નોતરી છે. એક દુરાચારીના ગુનાની સજા સમગ્ર ગુજરાતના પરપ્રાંતીય શ્રમિકો ભોગવી રહ્યા છે. દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતીય શ્રમિકોને નિશાન બનાવી હુમલાનો સિલસિલો શરૂ થતાં ઉત્તર ભારતીય સમુદાયે વતન ભણી સામૂહિક હિજરત શરૂ કરી છે. એક અંદાજ મુજબ માત્ર ચાર જ દિવસમાં અમદાવાદ જિલ્લામાંથી ૫૦ હજારથી વધુ જ્યારે રાજ્યમાંથી આશરે એક લાખ પરપ્રાંતીય શ્રમિકો સામૂહિક હિજરત કરી ગયા છે.
આક્ષેપ-પ્રતિઆક્ષેપ
આ માહોલ વચ્ચે રાજકીય પક્ષો આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરીને પોતાનો સ્વાર્થ સાધવાના કામે લાગ્યા છે. ભાજપ સમગ્ર ઘટનાક્રમ માટે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને જવાબદાર ઠેરવી રહી છે. તો બીજી તરફ, કોંગ્રેસનો આક્ષેપ છે કે શાસક પક્ષ જવાબદાર પરિબળો સામે પગલાં લેવામાં જાણીજોઇને ઢીલું વલણ અપનાવી રહ્યો છે. ગુજરાતની સ્થિતિ અંગે રાજ્યથી માંડીને રાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલી શાસક-વિપક્ષની આ તુંતું-મૈંમૈંમાં ગુજરાતના ઔદ્યોગિક એકમોનો ખો નીકળી રહ્યો છે. પરપ્રાંતીય શ્રમિકો મોટા પાયે હિજરત કરી જતાં ઔદ્યોગિક એકમોમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.
વડા પ્રધાને ફોન કર્યો
રાજ્યમાં ફેલાયેલા આ તણાવપૂર્ણ માહોલની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી છે અને તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ફોન કરીને પ્રવર્તમાન સ્થિતિની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ મુખ્ય પ્રધાન રૂપાણી તેમજ ચીફ સેક્રેટરી જે. એન. સિંઘને ટેલિફોન કરીને આ મુદ્દે ચર્ચા કરી છે.
કેન્દ્ર સરકારે રિપોર્ટ માગ્યો
ભારત સરકારના ગૃહ મંત્રાલયે ગુજરાત સરકાર પાસેથી રાજ્યમાં પ્રવર્તતી સ્થિતિ અંગે રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટમાં બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા થયેલા અત્યાચાર - દુષ્કર્મથી લઈને પોલીસ કાર્યવાહી, ગુજરાતમાં રોજગારી અર્થે સ્થિર થયેલા પરપ્રાંતીયો પર હુમલા, તેમની હિજરત અને આ દિશામાં રાજ્યનો ગૃહ વિભાગ શું કરી રહ્યો છે તે સંદર્ભે અહેવાલ તૈયાર કરવા કહેવાયું છે.
રાજ્ય તંત્ર દ્વારા ચાંપતા પગલાં
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સાથે જ્યારે ચીફ સેક્રેટરી જે. એન. સિંઘે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને પરપ્રાંતીયોને રક્ષણ આપવાના તેમજ તેમને સલામતીનો અહેસાસ કરાવવા તમામ આવશ્યક પગલાં લેવાની સૂચનાઓ આપી હતી. હુમલાની જુદી જુદી ઘટનાઓ સંદર્ભે પોલીસે ૪૦૦થી વધુ લોકોની અટકાયત કરી છે.
વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારના અગ્રણીઓએ પોતપોતાના સમાજના લોકોને હિજરત ન કરવા સમજાવી રહ્યા છે, પરંતુ કોઇ તેમની વાતે કાને ધરવા તૈયાર નથી.
પરપ્રાંતીયોમાં ભય-દહેશત
ઔદ્યોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતીયોમાં આ હુમલાઓથી ભય છવાયો છે. તેઓ નોકરી- ધંધા પર જવાનું ટાળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ શહેર અને જિલ્લો, ભાવનગર, મોડાસા વગેરે શહેરો-નગરોમાંથી મોટા પાયે હિજરત થયાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાંથી પણ પરપ્રાંતીયોએ હિજરત કરી ગયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી દરરોજ ૨૦ જેટલી ખાનગી બસોમાં પરપ્રાંતીયો હિજરત કરતા હોવાના અહેવાલ છે. બસમાં સામાન્ય રીતે ૫૬થી ૬૦ મુસાફરો બેસી શકતા હોય છે, પરંતુ જલ્દી પોતાના વતન પહોંચી જવા માટે એક-એક બસમાં ૧૫૦થી વધુ લોકો પ્રવાસ કરી રહ્યા છે.
૧૫ લાખ કામદારોને અસર
આ હુમલાઓના કારણે મજૂરો-કામદારો માટે કાર્યરત વિવિધ સંગઠનો દ્વારા એવો દાવો કરાયો છે કે અત્યાર સુધીમાં ગુજરાતના વિવિધ સ્થળેથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો રોજીરોટી છોડીને હિજરત કરી ગયા છે. આ સિલસિલો જો લાંબો સમય ચાલુ રહેશે તો કામદારોના રોજગારને તો ફટકો પડશે જ સાથે સાથે વાઈબ્રન્ટ ગુજરાતના વેપાર-ઉદ્યોગને પણ મોટો ફટકો પડશે. ઉદ્યોગજગત પણ કટોકટીમાં મુકાયો છે. ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના બે કરોડ કામદારો છે, જેમાંથી પરપ્રાંતીય કામદારોની સંખ્યા આશરે ૫૦ લાખ આસપાસ થવા જાય છે. ધંધા-રોજગારને અસર થતાં સ્થાનિક અને પરપ્રાંતીય મળીને અત્યારે ૧૫ લાખ કામદારો અસરગ્રસ્ત બન્યા છે. રાજ્યમાં વધુ મૂડીરોકાણ, વધુ ઉદ્યોગો આવે તે માટે વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવે છે, પણ આવી ઘટનાઓ રાજ્યની પ્રતિષ્ઠાને બટ્ટો લગાવી રહી છે.
હુમલા કાવતરુંઃ ચીફ સેક્રેટરી
રાજ્યના ચીફ સેક્રેટરી ડો. જે. એન. સિંઘે સોમવારે તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આવા બનાવો ન બને તેની પૂરતી તકેદારી રાખવા તાકીદ કરી હતી. સિંઘે જણાવ્યું હતું કે આ પ્રકારના બનાવ સ્વયંભૂ નથી, પણ કાવતરું છે. આવા કાવતરા સામે કડક પગલાં લેવાશે. તેમણે જણાવ્યું હતું કે આ ભારત છે અને અહીં કોઈ પણ વ્યક્તિ કોઇ પણ સ્થળે કામ માટે જઈ શકે છે. ગુજરાતમાં જેઓ વસે છે તે તમામ ગુજરાતી જ છે. જે રાજ્ય છોડી ગયા છે તે પણ પરત ફરે. બે દિવસમાં સ્થિતિ સુધરશે તેવી આશા છે. હવે આવા બનાવ બનશે તો તેની જવાબદારી જિલ્લા તંત્રની રહેશે. સ્થાનિક તંત્રને આવા બનાવ કોઇ પણ સંજોગોમાં ન બને તે માટે પૂરતી તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. તેમણે કહ્યું હતું કે જિલ્લાના અધિકારીઓને ચેમ્બરો છોડીને સતત ફિલ્ડમાં રહેવા સૂચના અપાઈ છે કેમ કે અધિકારીઓ ફિલ્ડમાં હશે તો લોકોમાં ભરોસોનું વાતાવરણ ઊભું થશે.