સુરતઃ જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. એક અખબારી અહેવાલમાં તો એવો પણ દાવો થયો છે કે પોન્ઝી સ્કીમોમાં નાણાંનું રોકાણ કરાવીને પ્રદીપ શુક્લા એન્ડ ટોળકીએ આવી 10 થી 15 કંપનીઓ ઊભી કરી છે. જેની તપાસ કરવામાં આવે તો આંકડો કરોડોમાં પહોંચે તેમ છે.
પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના વિદ્યાધર શુક્લા (44)ને 20 એપ્રિલે ઈકોનોમિક સેલે ઝડપી લઇને કોર્ટમાં રજૂ કરતાં તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લાએ ‘રાડો’ ગુજરાતી ફિલ્મમાં રોકાણ કર્યુ હતું. આ ફિલ્મ ફ્લોપ જતાં રૂ. 16 કરોડનું નુકશાન થયું હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે. છેલ્લા એક વર્ષથી આરોપી મુંબઈ અને અમદાવાદમાં છુપાઈને રહેતો હતો. આ ગુનામાં પ્રદીપ શુક્લા સહિત પાંચ આરોપી પકડાયા છે, અને હજુ તેમનો 10 ટકાનો પાર્ટનર ધનંજય ભાગતો ફરે છે.
પ્રદીપની પત્ની સોનુનો 19 એપ્રિલે જન્મ દિવસ હતો. આથી પોલીસ ચોક્કસ બાતમીના આધારે મહેમાન બનીને ગિફ્ટ આપવાના બહાને તેના ઘરે પહોંચી હતી અને પત્નીનો બર્થડે ઉજવવા આવેલા પ્રદીપ શુકલાને પકડી પાડયો હતો.