શિકાગો: અમેરિકામાં વસતાં એક ગુજરાતી યુવાને ફેસબુકને પાઠ ભણાવ્યો છે. યુઝર્સની પરવાનગી વગર ફેસ રેકગ્નિશન ટેકનોલોજી વાપરવા બદલ અમેરિકાના ઈલિનોઇ સ્ટેટમાં ફેસબૂક પર કેસ થયો હતો. આ કેસના સમાધાન માટે ફેસબૂકે ૬૫ કરોડ ડોલર ચૂકવવા તૈયારી દાખવી છે. અમેરિકાના દરેક રાજ્યના આગવા નિયમો છે અને ઈલિનોઇના નિયમ પ્રમાણે યુઝર્સની જાણકારી વગર ચહેરો ઓળખીને ટેગ કરવાની પદ્ધતિ ગેરકાયદે છે. આથી ઇલિનોઇમાં રહેતા ભારતીય-અમેરિકન નિમેશ પટેલ અને તેના મિત્રોએ ફેસબૂક સામે કાનૂની કાર્યવાહી કરી હતી. જેમાં તેમનો વિજય થયો છે.
ફેસબૂકમાં કોઈ પણ ફોટો અપલોડ કરતાં તેમાં જો એકથી વધારે વ્યક્તિ હોય તો તુરંત એ બધાના ચહેરા ઓળખીને નામ સ્ક્રીન પર દેખાવા માંડે છે. યુઝર્સે માત્ર ફોટો અપલોડ કર્યો હોય, નામ લખ્યા ન હોય તો પણ ફેસબૂકને વ્યક્તિનું નામ ખબર પડી જાય તેનું કારણ ફેસબૂકની ફેસ રેકગ્નિશન સિસ્ટમ છે. ફેસબૂકે આ સિસ્ટમ શરૂ કરતાં પહેલા તેના બધા વપરાશકર્તાઓની સહમતી લીધી નહોતી. આથી જે લોકો ફોટો અપલોડ કરે છે, તેમને ખબર નહોતી કે તેમના ફોટોનો ફેસ રેકગ્નિશન માટે પણ ઉપયોગ થઇ રહ્યો છે.
પહેલી નજરે તો એવું લાગે કે આ સિસ્ટમથી ટેગિંગ કરવામાં સરળતા રહે છે, પરંતુ આ સુવિધાના ઘણા ગેરલાભ છે. જેમ કે, ફોટોની મદદથી મોબાઈલ કે અન્ય ગેજેટ અનલોક કરી શકાય છે. નવીનતમ ટેકનોલોજીનો અમલ કરવામાં પોતે ભાંગરો વાટ્યો હોવાનું સમજાયા બાદ ફેસબુકે આ મુદ્દે થયેલા કેસની પતાવટ પેટે ૬૫ કરોડ ડોલરનું જંગી વળતર ચૂકવવા તૈયાર થયું છે. આ રકમ ઈલિનોઇ સ્ટેટમાં આવેલા ફેસબૂકના યુઝર્સ વચ્ચે સરખે ભાગે વહેંચાશે.
ઇલિનોઇ સ્ટેટમાં ૭૦ લાખથી વધારે ફેસબૂક યુઝર્સ છે. જો કેસ આગળ ચાલે તો બધા યુઝર્સને ફેસબૂકે હજારથી પાંચ હજાર ડોલર ચૂકવવા પડે. એ સંજોગોમાં દંડની રકમ ૪૭ બિલિયન ડોલર સુધી પહોંચી શકી હોત. જોકે આવું ન થાય એટલા માટે ફેસબૂકે સમાધાનનો માર્ગ અપનાવ્યો છે. આમ ફેસબુક માટે તો શૂળનો ઘા સોયથી ટળ્યા જેવી વાત છે.
ફેસબૂકે ૨૦૧૧માં આ ચહેરો ઓળખવાની પ્રથા શરૂ કરી હતી. જોકે હવે ફોટો અપલોડ થાય એ સાથે જ ફેસબૂક પૂછે કે તમારે અમુક-તમુક ભાઈ કે બહેનને ટેગ કરવા છે, કેમ કે તેનો ચહેરો આ ફોટામાં દેખાય છે. તેનાથી મનોરંજન તો મળે છે, પરંતુ સાથે સાથે પ્રાઈવસીનો પણ ભંગ થાય છે.