અમદાવાદઃ ગુજરાતના ૬૦૦થી વધુ શિલ્પકારો ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સૌથી મોટા શિખરબદ્ધ જિનાલયનું નિર્માણ કરી રહ્યા છે. સોમપુરા સમાજના અગ્રણી અને જાણીતા શિલ્પકાર રાજેશ સોમપુરાના જણાવ્યા અનુસાર આ જિનાલય ૫૫ ફૂટ ઊંચું, ૫૪ ફૂટ પહોળું, અને ૭૨ ફૂટ લંબાઈ ધરાવતું વિશાળ જિનાલય હશે. આ જિનાલયનું નિર્માણ ૩ વર્ષમાં પૂરું કરવાનો ટાર્ગેટ છે. આ જિનાલય એ રીતે તૈયાર કરવામાં આવશે કે તેનું આયુષ્ય ૧ હજાર કે તેથી વધુ વર્ષ સુધી જળવાઇ રહેશે. આ જિનાલયને તૈયાર કરવા દિવસરાત શિલ્પકારો કામગીરી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ સોમપુરા સમાજના શિલ્પીઓ દ્વારા જ થઈ રહ્યું છે.
લોખંડ-સિમેન્ટનો ઉપયોગ નહીં
જિનાલયમાં ૧૫૦૦ ટન રાજસ્થાન મકરાણા ફ્લોર માર્બલનો ઉપયોગ કરવામાં આવશે. આગામી થોડાક દિવસોમાં સોમપુરા સમાજના ૨૦ જેટલા શિલ્પકારો મેલબોર્ન જશે. સમગ્ર જિનાલયમાં ક્યાંય પણ લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં નહિ આવે. તમામ પથ્થર ગુજરાતથી સમુદ્ર માર્ગ ઓસ્ટ્રેલિયા પહોંચાડાઇ રહ્યા છે. ૩ વર્ષના સમય ગાળામાં આ જિનાલય તૈયાર થઈ જશે. અત્યાર સુધીમાં ૩૦ ટકા જેટલું કાર્ય તો કારીગરો દ્વારા પૂરું પણ ગયું છે.
શિલાન્યાસમાં ૨૧ શિલ્પની પૂજા
મેલબોર્ન જૈન સંઘના પ્રમુખ નીતિન જોશી કહે છે કે જિનાલય માટે ૪ ઓગસ્ટે શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રકારનું સૌથી મોટું જિનાલય સમગ્ર ઓસ્ટ્રેલિયામાં નથી. જિનાલયનો શિલાન્યાસ કાર્યક્રમ પ.પૂ. આચાર્ય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજાની હાજરીમાં યોજાયો હતો. સાથે સાથે ૨૧ શિલ્પની પણ પૂજા કરવામાં આવી હતી. આ જિનાલય સમગ્ર ઓસ્ટ્રેલિયાનું પહેલું અને સૌથી ઊંચું શિખરબદ્ધ જિનાલય બનવા જઈ રહ્યું છે.