ગુલબર્ગ સોસાયટી કેસમાં ૧૪ વર્ષે ચુકાદોઃ ૬૬માંથી ૨૪ આરોપી દોષિત

Thursday 02nd June 2016 06:32 EDT
 
 

અમદાવાદઃ વર્ષ ૨૦૦૨ના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડનો ચુકાદો જાહેર કરતાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે ૬૬માંથી ૨૪ આરોપીને કસૂરવાર ઠરાવ્યા છે. જ્યારે એક પોલીસ અધિકારી સહિત ૩૬ને છોડી મૂકવા આદેશ આપ્યો છે. કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે ગુલબર્ગા સોસાયટીમાં થયેલો સામૂહિક હત્યાકાંડ પૂર્વઆયોજિત નહોતો, પણ સ્વયંભૂ થયેલો હુમલો હતો. ૨૪ કસૂરવારોમાંથી ૧૧ને હત્યા માટે દોષિત ઠરાવાયા છે, જ્યારે ૧૩ને અન્ય કેસમાં દોષિત ઠરાવાયા છે. કોર્ટ છઠ્ઠી જૂને આરોપીઓને સજા સંભળાવશે.
દોષિત જાહેર થયેલા આરોપીઓમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા અતુલ વૈદ્યનો પણ સમાવેશ થાય છે. વિશ્વ હિન્દુ પરિષદના હરેશ ભટ્ટ અને જયદીપ પટેલ સહિતના અનેક નેતાઓ કોર્ટ સંકુલમાં પહોંચ્યા હતા અને દોષિતોને સાંત્વના આપી હતી.
કોર્ટે મુક્ત કરેલા આરોપીઓમાં તે સમયના મેઘાણીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. એરડાનો પણ સમાવેશ થાય છે. તેઓ એકમાત્ર પોલીસ અધિકારી હતા જેમની સામે ફરજમાં બેદરકારી દાખવવાનો અને પુરાવાનો નાશ કરવાનો આરોપ હતો. તેમની સામે બિનઅસરકારક ગોળીબાર કરવાનો અને ગુલબર્ગ સોસાયટીના રહેવાસીઓની જિંદગી બચાવવા માટે તેમની હાજરી અત્યંત જરૂરી હતી તેવા સમયે જ ઘટનાસ્થળ છોડી જવાનો આરોપ મૂકાયો હતો. આ ઉપરાંત કોર્ટે જેમને મુક્ત કર્યા છે તેવા મહત્ત્વના આરોપીઓમાં ભાજપના સ્થાનિક કોર્પોરેટર બિપિન પટેલ અને કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટર મેઘસિંહ ચૌધરીનો સમાવેશ થાય છે.
કેસની સુનાવણી લગભગ સાત વર્ષથી ચાલતી હતી અને ચાર જુદા જુદા જજોએ તેની સુનાવણી કરી હતી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સ્પેશ્યલ જજ પી. બી. દેસાઇએ ચુકાદો સંભળાવ્યો હતો. સ્પેશ્યલ કોર્ટે સુનાવણી તો સપ્ટેમ્બર ૨૦૧૫માં જ પૂરી કરી લીધી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કરવા સામે મનાઇ ફરમાવી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને ૩૧ મે સુધીમાં ચુકાદો જાહેર કરવા આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી -‘સીટ’)ની રચના કરીને તેને રમખાણોના નવ કેસની તપાસ સોંપી હતી. આમાંનો એક કેસ ગુલબર્ગ સોસાયટી સામૂહિક હત્યાકાંડનો પણ હતા. ‘સીટ’નું નેતૃત્વ સીબીઆઇના ભૂતપૂર્વ વડા આર. કે. રાઘવને સંભાળ્યું હતું.
કુલ ૬૬ આરોપીઓમાંથી પાંચના સુનાવણી દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા. કેસમાં ૩૩૮ સાહેદોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થતો હતો. આ હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીના વિધવા ઝાકિયા જાફરીએ તેમની સામે ષડયંત્રમાં સંડોવણીનો આક્ષેપ કર્યો હતો.
અમદાવાદમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં મુસ્લિમ સમુદાયના લોકો ૩૦ બંગલો અને ૧૦ એપાર્ટમેન્ટ બ્લોકમાં રહેતા હતા. ૨૦૦૨માં ગોધરામાં કટ્ટરવાદીઓના ટોળા દ્વારા સાબરમતી એક્સપ્રેસના કોચ સળગાવી દેવાયાની ઘટનાના બીજા દિવસે ગુલબર્ગ સોસાયટી પર હુમલાની આ ઘટના બની હતી. જેમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકો માર્યા ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter