બીજી તરફ સમિતિના અગ્રણી જૈમીન શાહ તરફથી મુસલમાન યુવાનોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. જૈમીન શાહે આ અંગે જણાવ્યુ હતુ કે, મુસલમાન યુવાનો દ્વારા હિન્દુઓના અનેક તહેવારોનો બહિષ્કાર કરવામાં આવે છે. ત્યારે તેઓ માત્ર ગરબામાં જ કેમ આવતા હોય છે? તેવો એક પ્રશ્ન ઊભો થાય છે. વંદેમાતરમ્ ગાન નહીં ગાવાનું, ગણપતિની આરતીમાં નહી આવવાનું, ધુળેટીમાં ગુલાલ નહી લગાડવાનો, મંદિરના ઢોલ-ત્રાસાથી નારાજગી રાખવાની તો માત્ર ગરબામાં જ કેમ પ્રવેશવાનું ? આ જ પ્રશ્ન સાથે સમિતિ દ્વારા ગોધરાના ગરબા આયોજકોએ મુસલમાનોને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવો નહીં અને મુસલમાનો પાસેથી ડોનેશન લેવું નહીંની અપીલ કરી છે.
• પૂ. ધ્યાની સ્વામી વડતાલ ગાદીમાં જોડાયાઃ સ્વામિનારાયણ સંપ્રદાયના અમદાવાદ દેશ નરનારાયણ દેવ ગાદીના કચ્છ સહિત દેશ-વિદેશમાં ૧૫ લાખ જેટલા અનુયાયી ધરાવતા જાણીતા વયોવૃદ્ધ સંત હરિસ્વરૂપદાસજી ‘પૂ. ધ્યાની સ્વામી’ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીમાં જોડાતાં આ મહત્ત્વની ઘટના સંપ્રદાયમાં ચર્ચાસ્પદ બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ પૂ. ધ્યાની સ્વામી અંગે થોડા સમય પૂર્વે વિદેશમાં સંપ્રદાયના એક સંત સ્વામીએ આક્ષેપો કર્યા હતા. જેના જવાબો ધ્યાની સ્વામીના અનુયાયીઓએ લેખિત તથા ઇ-મેઇલથી સંપ્રદાયના વડાઓને મોકલીને સંબંધિત પાસે માફીની માંગ કરાઇ હતી, પરંતુ કોઇ પગલાં ન લેવાતાં આ આઘાતને પગલે ધ્યાની સ્વામીએ પાંચેય શિખરબદ્ધ મંદિરના મહંત તરીકે તેમના ૨૪ જેટલા સંત શિષ્યો અને પાર્ષદો સહિત અમદાવાદ દેશમાંથી રાજીનામું સુપરત કર્યું છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ આ પછી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાને અરજી કરતાં વડતાલ ટેમ્પલ બોર્ડે સહર્ષ આવકારીને શિષ્યોના પણ દેશ નાગરિક તરીકે નામ દાખલ કર્યા હતા.
• ઉમા ભારતીએ સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધ વિધિ કરીઃ કેન્દ્રીય જળસંપત્તિ પ્રધાન ઉમા ભારતીએ સોમવારે સિદ્ધપુરમાં માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત બિન્દુ સરોવર ખાતે એમના માતૃશ્રી માટે શ્રાદ્ધવિધિ કરી હતી.
• કચ્છમાં કોચ ફેક્ટરીનું નિર્માણ થશે જઃ બિદડા ખાતે નિર્માણાધિન પોતાના ઘરને જોવા ખાનગી મુલાકાત અર્થે આવેલા પૂર્વ રેલવે પ્રધાન અને બંગાળસ્થિત સાંસદ દિનેશભાઈ ત્રિવેદીએ કહ્યું કે, કચ્છમાં કોચ ફેક્ટરીની જાહેરાત સંસદમાં બજેટ દરમિયાન થઇ હતી તે હવે ચોક્કસ બનશે જ. રેલવે પ્રધાન તરીકે અગાઉ તેમણે બજેટમાં કચ્છમાં આ ફેક્ટરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેઓ અત્યારે રેલવેની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને કચ્છને તેનો લાભ અપાવશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.