મહુડીઃ અમરાપુર-ગ્રામભારતી સંસ્થામાં દસમો રાષ્ટ્રીય ભૂમિગત તકનિકી સંશોધન અને ઉત્સકૃષ્ઠ પરંપરાગત જ્ઞાન પુરસ્કાર સમારોહ તેમજ ફેસ્ટિવ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ૧૫મી માર્ચે યોજાયો હતો. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા ૫૯ ગ્રામીણ નવસંશોધકોને તેમની વિશિષ્ઠ શોધ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના ૮ ગ્રામ્ય વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. આ સમારોહમાં નેશનલ એવોર્ડ્સ ઉપરાંત સ્ટેટ એવોર્ડ્સ, પાર્ટનરશીપ એવોર્ડ્સ જેવા વિવિધ શ્રેણીના પુરસ્કારોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.
રામનાથ કોવિંદ ગુજરાતની એક દિવસીય મુલાકાતે હતા. તેઓ દિલ્હીથી રાજભવન આવ્યા હતા. ત્યાંથી રાજ્યપાલ ઓ પી કોહલી અને રાષ્ટ્રપતિ રામાન કોવિંદ એક સાથે ગાંધીનગર જિલ્લાના માણસામાં અમરાપુર ગ્રામભારતી સંસ્થામાં પહોંચ્યા હતા.
આ કાર્યક્રમમાં દેશના ગ્રામ્ય વિસ્તારોના એવા નવસંશોધકો કે જેમણે ખેતી, પશુપાલન કે અન્ય કોઈ ટેકનિકલ ક્ષેત્રે કરેલા વિશેષ સંશોધન બદલ તેઓને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલીના હસ્તે એવોર્ડ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
ગોખણપટ્ટીના બદલે પ્રશ્નો પૂછવા પ્રેરિત કરોઃ કોવિંદ
રાષ્ટ્રતિએ આ કાર્યક્રમમાં વક્તવ્યમાં કહ્યું કે, શાળામાં ગોખણપટ્ટી કરવાને બદલે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિનો વિકાસ કરવા અને પ્રશ્નો પૂછવા માટે પ્રેરિત કરવા પડશે. સમસ્યાઓના સમાધાન માટે વિદ્યાર્થીઓને પ્રવૃત્ત કરવા જરૂરી બન્યા છે.
રાષ્ટ્રપતિ કોવિંદે તેમના વક્તવ્યની શરૂઆત ગુજરાતી ભાષા ‘કેમ છો?’ પ્રશ્ન સાતે કરી હતી. એ પછી જણાવ્યું હતું કે, ગુજરાતી લોકો-ગુજરાતી વાનગીમાં મીઠાશ હોય છે, દર વખતે આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર રાષ્ટ્રપતિ ભવનની બહાર આ સમારોહ યોજાઈ રહ્યો છે. તેનું શ્રેય ગુજરાતને જાય છે. કેમ કે, ગુજરાત ઈનોવેશન, ઉદ્યોગ સાહસિકતાની જન્મભૂમિ છે.
ઈનોવેશનના કટ્ટર હિમાયતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ ઊજવાઈ રહી છે ત્યારે સમારોહ યોજવા ગુજરાતની પસંદગી કરાઈ છે.