ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સાકાર કરશે વસુધૈવ કુટુમ્બકમ્ અને સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિ

Thursday 21st April 2022 04:49 EDT
 
 

જામનગરઃ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના નૂતન યુગનો પ્રારંભ થયો છે. આ માત્ર ભવનનો શિલાન્યાસ નથી, પરંતુ પ્રાકૃતિક-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વિશ્વાસ રાખનારા લોકો માટેના આગવા કેન્દ્રની શરૂઆત છે. આ સેન્ટર દુનિયાને અલ્ટરનેટ મેડિકલ સોલ્યુશન આપવામાં મદદરૂપ થશે એમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન વસુધૈવ કુટુમ્બકમ્ અને સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિને સાકાર કરશે.
વડા પ્રધાને મંગળવારે જામનગર ખાતે વિશ્વના સૌપ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નું ભૂમિપૂજન મોરેશિયસના વડા પ્રધાન શ્રી પ્રવિંદ જગન્નાથ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના વડા ડો. ટેડરોસ એધનોમની વિશેષ ઉપસ્થિતમાં કર્યુ હતું. આ ભૂમિપૂજન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ સર્વાનંદ સોનોવાલ, મનસુખભાઇ માંડવીયા અને મહેન્દ્ર મૂંજપરા સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ, આમંત્રિતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાને ઉમેર્યું હતું કે, આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનામાં વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારત સરકારના આયુષ મંત્રાલયની ભાગીદારી માનવતાની સેવાની જવાબદારી નિભાવવા માટેની છે. આવનારા 25 વર્ષમાં ટ્રેડિશનલ મેડિસિન દુનિયાના દરેક પરિવારો માટે મહત્વની બની જશે.
વડા પ્રધાને આ તકે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સફળ ક્રિયાન્વયન માટે પાંચ લક્ષ્યો આપ્યાં હતાં, જે અંતર્ગત પ્રથમ લક્ષ્ય જણાવતા તેમણે કહ્યું કે, વિશ્વભરની ટ્રેડિશનલ મેડિસિન વિદ્યાઓનું ટેક્નોલોજીથી સંકલન કરી, એક વૈશ્વિક ડેટાબેઝ-રિપોઝેટરી બનાવવામાં આવે, જે આવનારી પેઢીને મદદરૂપ થાય.

બીજા લક્ષ્ય વિશે તેમણે કહ્યું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ - દવાઓની સ્વીકૃતિ વધારી શકાય તે માટે ટ્રેડિશનલ મેડિસિનના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઘડવા આવશ્યક છે.
તેમણે ત્રીજા લક્ષ્ય અંગે કહ્યું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના તજજ્ઞો, નિષ્ણાતો માટે જીસીટીએમ એક વૈશ્વિક મંચ બની રહે અને તે માટે વાર્ષિક સમારોહ-સંમેલન યોજાય તે જરૂરી છે.
વડા પ્રધાને ચોથું લક્ષ્ય જણાવતા કહ્યું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ - દવાઓના ક્ષેત્રે શોધ-સંશોધન માટે પૂરતું મૂડી રોકાણ લાવવું અને તે માટે ફંડ મોબિલાઈઝેશન પણ અતિ આવશ્યક છે. આ ગ્લોબલ સેન્ટરે તે માટે કાર્યરત થવું પડશે.
તેમણે પાંચમા લક્ષ્ય અંગે કહ્યું કે, માનવસમુદાયને મોર્ડન પ્લસ ટ્રેડિશનલ એમ બન્ને ચિકિત્સા પદ્ધતિઓ ધરાવતા હોલિસ્ટિક હેલ્થ એપ્રોચનો લાભ મળી રહે તે હેતુથી ટ્રેડિશનલ મેડિસિનથી ટ્રિટમેન્ટના પ્રોટોકોલ નક્કી કરવામાં આ કેન્દ્રએ ચાવીરૂપ ભૂમિકા અદા કરવી પડશે.
વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં
પ્રધાનમંત્રીશ્રીએ આ સંદર્ભે વધુમાં કહ્યું કે, આજથી પાંચ દશક પહેલાં વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના જામનગરમાં થઈ હતી. કોરોનાકાળમાં હેલ્થકેર ડિલિવરી માટે નવા આયામોની આવશ્યકતા દુનિયાને સમજાઈ છે, ત્યારે જામનગર ખાતેનું આ ગ્લોબલ સેન્ટર વસુધૈવ કુટુમ્બકમ્, સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બની રહેશે.
તેમણે ઉમેર્યું કે, ભારતીય જીવનપ્રણાલી આયુર્વેદના માધ્યમથી સંતુલિત આહાર, તન-મનનું સંતુલન, તેમજ યોગ-પ્રાણાયામયુક્ત દિનચર્યાને પ્રાધાન્ય આપે છે. સો વર્ષના આયુષ્યની કામના આપણે ત્યાં સહજ છે. ભારતનું આ જ્ઞાન અહીં પારંપારિક ચિકિત્સા પદ્ધતિઓના વિકાસમાં મોટો ફાળો આપશે.
વડા પ્રધાને WHOના વડા ટેડરોસ એધનોમનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે શ્રીયુત ડો. ટેડરોસે તેમના માનસ સંતાન સમાન આ ગ્લોબલ સેન્ટર હવે ભારતને સોંપ્યું છે.
વડાપ્રધાનશ્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથનો પણ જીસીટીએમની સફળતા માટે શુભકામનાઓ પાઠવવા બદલ આભાર માન્યો હતો.
મોદીના કમિટમેન્ટથી આ સેન્ટર ભારતમાંઃ ‘હૂ’ના વડા
‘હૂ’ના વડા ડો. ટેડરોસ એધનોમે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને કમિટમેન્ટને કારણે ભારતમાં આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું નિર્માણ શક્ય બની રહ્યું છે. આ નવું કેન્દ્ર સમગ્ર વિશ્વના આરોગ્યની કાળજી, કુદરતી ઉપચારથી લેવામાં ઉપયોગી નીવડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, જામનગર ખાતેનું આ કેન્દ્ર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેના આઈપીઆર નિર્ધારિત કરવામાં, રિસર્ચ એન્ડ એનાલિસિસ કરવામાં, વિશ્વસનીય માહિતીના સંચય અને સંવર્ધન કરવામાં, ઈનોવેશન, ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે.
તેમણે ઉમેર્યું કે, આ ગ્લોબલ સેન્ટરથી ગવર્ન્મેન્ટ, મેડિકલ પ્રેક્ટિશનર્સ અને એકેડેમિશિયન્સ એક મંચ પર આવશે તેમજ દુનિયાના લોકો ભારતના જામનગરમાં આવશે અને જામનગર-ભારતનું આ કેન્દ્ર દુનિયા સુધી પહોંચશે. આ ગ્લોબલ સેન્ટરના વિકાસ માટે આવનારા દિવસોમાં WHO દ્વારા સંપૂર્ણ સહયોગની ખાતરી તેમણે આપી હતી.
મોરેશિયસમાં ધનતેરસ છે આયુર્વેદ દિવસ
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મોરેશિયસના પ્રધાનમંત્રીશ્રી પ્રવિન્દ જગન્નાથે જણાવ્યું કે, માનવ શરીરના ઉપચાર માટે વનસ્પતિ, ખનીજો જેવા કુદરતી પદાર્થો સદીઓથી વપરાતા આવ્યા છે. જીસીટીએમ આ માનવજ્ઞાનના સંવર્ધન માટેનું અધિકૃત અને વિશ્વસનીસ કેન્દ્ર બની રહેશે. તેમણે કહ્યું કે ૧૯૩૪થી મોરેશિયસમાં ભારતીય ઉપચાર પદ્ધતિઓ અમલમાં છે. ત્યાં આયુર્વેદ એક માન્ય ઉપચાર પદ્ધતિ છે.
દર વર્ષે ધનતેરસની ઉજવણી સમગ્ર મોરેશિયસમાં આયુર્વેદ દિવસ તરીકે કરવામાં આવે છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી. આ કાર્યક્રમમાં મોરેશિયસને સહભાગી કરવા બદલ તેમણે ભારત પ્રત્યે હર્ષની લાગણી વ્યકત કરી હતી.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ વીડિયો મેસેજના માધ્યમથી કહ્યું કે, ટ્રેડિશનલ મેડિસિન અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય આરોગ્ય વિષયક નવા પડકારોનો સામનો કરી શકે છે. યુનાની, આયૂર્વેદિક, હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિઓની બાંગ્લાદેશમાં વ્યાપક પણે ઉપયોગમાં છે, તેમ તેણીએ ઉમેર્યું હતું.
ભૂતાનના વડા પ્રધાન લોતેય શેરિંગે વીડિયો મેસેજના માધ્યમથી જણાવ્યું હતું કે, ભૂતાનની પર્વતીય ભૂમિ - પ્રાકૃતિક વનરાજીને કારણે ટ્રેડિશનલ મેડિસિનની પ્રેક્ટિસને મોટો અવકાશ ઉપલબ્ધ છે. સમગ્રતયા આરોગ્ય સુરક્ષા માટે ટ્રેડિશનલ મેડિસિન સાથે એલોપેથીનું ઈન્ટિગ્રેટેડ મોડેલ આદર્શ છે, તેમ તેણીએ ઉમેર્યું હતું.
નેપાળના વડા પ્રધાન શેર બહાદૂર દેઉબાએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત દેશ નેચરલ મેડિસિનનું ગ્લોબલ હબ બનવા તરફ જઈ રહ્યું છે. તેમણે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ગ્લોબલ સેન્ટરની સ્થાપનાથી વિશ્વ આરોગ્યની મોટી સેવા કરવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter