ગાંધીનગરઃ કેન્દ્રીય શિપિંગ મંત્રાલયે ઘોઘા અને હજીરા વચ્ચે ૮મી નવેમ્બરથી પેસેન્જર તથા કાર્ગો માટે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવાનું જાહેર કર્યું છે. આ સર્વિસનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સથી વડા પ્રધાન મોદી કરશે. કેન્દ્રીય શિપિંગ રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રવિવારે અમદાવાદમાં જાહેર કર્યું હતું કે, આ જ દિવસે આ સાથે ઘોઘા અને દહેજ વચ્ચે ઘણા સમયથી બંધ ફેરી સર્વિસ માત્ર મુસાફરો માટે શરૂ થશે.
અદાણી જૂથને કોન્ટ્રાક્ટ
શિપિંગ મંત્રાલયે અદાણી જૂથની કંપનીને આ માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જે બોટદીઠ ચાર્જ વસૂલશે. જ્યારે ઇન્ડિગો સી-વેઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની રો-પેક્સ ફેરી ચલાવશે. ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ ટ્રીપ કરશે. અત્યારે ઘોઘા-હજીરા વચ્ચે સડક માર્ગે અંતર ૩૭૦ કિલોમીટર છે. આ અંતર રો-પેક્સ દ્વારા દરિયાઇ માર્ગે ૯૦ કિલોમીટર થાય છે જે ૪ કલાકમાં કપાઈ જશે.
કેન્દ્રીય શિપિંગ રાજ્ય પ્રધાને એક પ્રશ્નના ઉત્તરમાં એવો દાવો કર્યો હતો કે, દહેજ-ઘોઘા વચ્ચેની રો-રો સર્વિસ અનેકવાર ચાલુ કરી અને બંધ થઈ ગઈ, પણ આ સમસ્યા ઘોઘા-હજીરા રૂટ ઉપર કોઈ મુશ્કેલી નહીં નડે, કેમ કે હજીરા બંદર ચાલુ હાલતમાં છે.
એમણે એવું પણ કારણ રજૂ કર્યું હતું કે, નર્મદા નદીમાં પૂર આવવાથી ઘોઘા-દહેજ રૂટ ઉપર દરિયામાં સિલ્ટેશન થવાથી રો-રો સર્વિસ અવારનવાર બંધ
થઈ છે.